name='viewport'/> ISHWAR PRAJAPATI'S STUDY ROOM: સન્ડે સ્પેશિયલ

Sunday, December 28, 2025

સન્ડે સ્પેશિયલ

 પાંચ દિવસથી ગુમ થયેલો પ્રકાશ આખરે ક્યાં હતો ? અરવલ્લી પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલ્યો તો સામે આવી એવી હકીકત કે....!!

તારીખ ૨૫ નવેમ્બરની આ વાત છે.

અરવલ્લી જિલ્લાના છેક છેવાડે ડુંગરની તળેટીમાં આવેલું એક ખોબા જેવડું ગામ સાંજ પડે ચિંતામાં ઘરકાવ થઈ ગયું. સવારથી ખેતરમાં જવાનું કહીને નીકળેલો પ્રકાશ સૂરજ ડૂબવા આવ્યો ત્યાં સુધી ઘરે પરત ફર્યો નહતો. માતા વિનાનાં બે નાનાં બાળકો પિતાની રાહ જોતાં ટળવળી રહ્યાં હતાં. મોટા બાળકની ઉંમર પાંચ વર્ષ અને નાનાની ઉંમર માત્ર ત્રણ વર્ષ.. ચારેક મહિના પહેલાં જ ઘરકંકાશથી કંટાળી આ બાળકોની માતાએ ગામનો કૂવો પૂરી જીવન ટૂંકાવી દીધું. કુમળી વયે જ બાળકોએ માતાની ઓથ ગુમાવી દીધી. અને માતાના અપમૃત્યુના આરોપસર તેમના પિતા પ્રકાશને પણ જેલમાં જવું પડ્યું. એક મહિનો જેલમાં રહી આવેલો પ્રકાશ ખેતીકામમાં જોતરાયો હતો. બંને બાળકો માટે માતા ગણો કે પિતા એ પ્રકાશ જ હતો. માંડી રાત સુધી પ્રકાશ ઘરે ન પહોંચતાં બાળકો તો રડતાં રડતાં સૂઈ ગયાં. પ્રકાશનાં માતા-પિતા અને ભાઈને પણ હવે ચિંતા થવા લાગી. પ્રકાશનો મોબાઈલ પણ બંધ હતો. પ્રકાશ ક્યાંય ગયો હશે તો સવારે આવી જશે એમ વિચારી રાત તો માંડ પસાર કરી નાખી. પરંતુ બીજા દિવસે પણ પ્રકાશનો કોઈ અત્તોપત્તો મળ્યો નહિ.  

સગાં સંબંધીને ત્યાં પણ તપાસ કરાવી જોઈ પણ પ્રકાશની કોઈ ભાળ મળી નહિ. હવે પરિવાર વધુ ચિંતાગ્રસ્ત બન્યો. અને આખરે પોલીસને જાણ કરાવનું મુનાસીબ માન્યું. પ્રકાશનો ભાઈ ભૂરો અને પિતરાઈ ભાઈ રાજુ પોલીસ સ્ટેશન જઈ ફરિયાદ નોંધાવી. પોલીસે  જુદા જુદા સોર્સ દ્વારા પ્રકાશની શોધખોળ આદરી. ભાઈ ભૂરો, પિતરાઈ ભાઈ રાજુ અને બીજા પરિવારજનો પણ પોતાની રીતે પ્રકાશની ભાળ મેળવવા સતત આમ તેમ  દોડાદોડી કરી રહ્યા હતા. એક પછી એક દિવસો પસાર થઇ રહ્યા હતા. પાંચમા દિવસે પોલીસ સ્ટેશનમાં ફોનની ઘંટડી રણકી ઊઠી. અને માહિતી મળી કે જંગલ વિસ્તારમાંથી પસાર થતી નદીના પટમાં કોઈ અજાણ્યા પુરુષની લાશ પડેલી છે. પોલીસ તાબડતોબ ઘટના સ્થળે પહોંચી. લાશ જોતાં જ કમકમાટી છૂટે એવી અવદશા લાશની થઇ ગઈ હતી. આ લાશ બીજા કોઈની નહિ પરંતુ પ્રકાશની જ હતી. મસ્તક ધડથી અલગ થઇ ગયું હતું. માત્ર ચામડીના આધારે મસ્તક ધડ સાથે જોડાયલું હતું. લાશ અતિશય ફૂલી ગઈ હતી. જંગલી જનાવરોએ મૃત શરીરને ચૂંથી નાખ્યું નાખ્યું હતું.  દુર્ગંધથી માથું ફાટી જાય એ હદે લાશ ગંધાઈ રહી હતી. પ્રકાશના પરિવારજનોને જાણ કરી, પોલીસે લાશનો કબજો લઇ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી. આશરે પાંચેક દિવસ પહેલાં ગળું દબાવીને મોતને અંજામ આપ્યાનું પી.એમ. રિપોર્ટમાં બહાર આવ્યું.

અરવલ્લી પંથકમાં ખૂન થયાના સમાચાર વાયુ વેગે પ્રસરી ગયા. સ્થાનિક મીડિયાએ પણ અહેવાલો પ્રગટ કર્યા. સમગ્ર પંથકમાં જાણે ભયનો માહોલ ફેલાઈ ગયો ! સ્થિતિની ગંભીરતા જતાં અરવલ્લી પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાએ જરૂરી માર્ગદર્શન આપી, હત્યારાને જડપી પાડવા આદેશ આપ્યો. અરવલ્લી એલ.સી. બી. પી. આઈ. ઝાલા અને તેમની ટીમે મોરચો સંભાળ્યો. હ્યુમન અને ટેકનીકલ રિસોર્સ કામે લગાડ્યા. પોલીસ તપાસ દરમિયન શંકાના દાયરામાં જે વ્યક્તિનું નામ સામે આવી રહ્યું હતું, એ સાંભળી પ્રકાશના પરિવારજનોના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ. પ્રકાશની હત્યાના ઉકેલની કડીઓ એક પછી એક જોડતી ગઈ, એમ શંકાની સોય તેના જ પિતરાઈ ભાઈ રાજુ ઉપર તકાઈ રહી હતી. પોલીસે રાજુની પૂચપરછ આદરી. શરૂઆતમાં તો રાજુ જુદાજુદા બહાના બનાવવા લાગ્યો. પરંતુ પોલીસે જ્યાં ઉલટ પ્રશ્નો પૂછવાના શરૂ કર્યા એમાં જ રાજુ ફસડાઈ પડ્યો. અને  પોપટની જેમ બોલવા લાગ્યો.

હત્યાનો ગુનો કબુલતા રાજુએ જે ઘટસ્ફોટ કર્યો એ પણ ચોકાવનારો હતો. તેના કહેવા પ્રમાણે તેની પત્ની નીલમ  અને પ્રકાશ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી કાંઈક રંધાઈ રહ્યું હોવાની તેને ગંધ આવી રહી હતી. જેના કારણે દિવસેને દિવસે રાજુના ઘરમાં પણ કંકાશ વધી રહ્યો હતો. રાજુ ચોરી છુપી નીલમ પર નજર રાખવાનું શરૂ કર્યું.  મોડી રાત્રે, વહેલી પરોઢે  નીલમને ખાનગીમાં કોઈની સાથે વાત કરતી પણ રંગે હાથ  પકડી. એટલે રાજુના મનમાં જે શંકા આકાર લઈ રહી હતી તે વધુ પ્રબળ બની. રાજુ અને તેની પત્ની નીલમ  વચ્ચે હવે પતિપત્ની જેવા મધુર સંબધો પણ રહ્યા ન હતા. આવા સમયે નીલમ ગર્ભવતી બની. આ વાતનો રાજુને એવી શંકા હતી કે નીલમના પેટમાં પ્રકાશનું જ પાપ પાંગરી રહ્યું છે અને  વાત વધુ ન વણશે એટલે નીલમે ગોળીઓ લઈ ગર્ભનો નિકાલ કરી નાખ્યો છે. રાજુ હવે સમસમી ગયો હતો. કાંટો મૂળમાંથી ઉખેડી કાઢવાની નક્કર યોજના ઘડી કાઢી. રાજુએ પોતાના ઘરસંસારમાં લાગેલી આગથી પોતાના સસરા અને સાળાને વાકેફ કર્યા. તેમણે પણ કાંટાનું કાસળ કાઢવાની યોજનામાં સાથ આપવાનું નક્કી કર્યું.

નક્કી કર્યા મુજબ એક દિવસ રાજુ પ્રકાશને બાઈક ઉપર પોતાના ગામથી દૂર જંગલ વિસ્તારમાં નદીના પટમાં લઈ જાય છે. ત્યાં તેના સસરા અને સાળા પણ મોજુદ છે. યોજના પૂર્વક રાજુ અને તેના સાથીદારોએ  પ્રકાશને ચિક્કાર દારૂ પીવડાવ્યો. પ્રકાશ જેવો નશામાં ચકચૂર બની ગયો એવો તરત  પ્રકાશના પાછળ જઈ દોરડું  ગળામાં ભરાવી કચકચાવી ખેંચી રાખ્યું. પ્રકાશ તરફડતો રહ્યો. પણ પોતે પ્રતિકાર કરી શકે એવી કોઈ સ્થિતિમાં જ નહતો. આખરે પ્રકાશનું પ્રાણ પંખેરું ઉડી ગયું. પ્રકાશના શબને આ નિર્જન અવાવરું જગ્યામાં છોડીને રાજુ, તેના સસરા અને સાળા ભાગી છૂટ્યા. તેમને એમ હતું કે આ અવાવરું જગ્યા એ જંગલી પ્રાણીઓ લાશને ફાડી ખાશે, કોઈ પૂરાવા પણ નહિ બચે  અને હત્યા કર્યાની કોઈને જાણ પણ નહિ થાય.   

કોઈને પોતાના પર શંકા ન જાય એ માટે પ્રકાશના ગુમ થયાની ફરિયાદ આપવા રાજુ  પોલીસ સ્ટેશને ભૂરા સાથે ગયો અને સાથે પ્રકાશને શોધવાનું  નાટક કરતો રહ્યો. કહેવાય છે ને પાપ છાપરે ચડીને પોકાર કરે છે. અરવલ્લી પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાના નેતૃત્વમાં  LCB PI એચ. એમ. ઝાલા, PSI વી.ડી. વાઘેલા, LCB PSI સી.એમ. રાઠોડ, ASI કલ્પેશસિંહ ASI શંકરજી, અ.પો.કો. મયુરકુમાર, એહોકો સુભાષભાઈ, એહોકો દિલીપભાઈ,અ.પો.કો. ભયપાલસિંહ આ.પો.કો. સુધીરકુમાર સમગ્ર LCB ટીમ તથા   ભોલોડા PI એ.બી. ચૌધરરી અને તેમની ટીમે ગણતરીના કલાકોમાં હત્યાના ગુનાનો પર્દાફાશ કરી વધુ એક સફળતા પ્રાપ્ત કરી. હત્યામાં વપરાયેલ બાઈક, દોરડું અને બીજો મુદ્દામાલનો પોલીસે કબ્જો લીધો.

અનૈતિક સંબધોથી કદાચ ક્ષણિક આનંદ પ્રાપ્ત થતો હશે પરંતુ તેનો અંત હંમેશા કરુણ હોય છે.  એવી રીતે ક્રોધનું પરિણામ પણ ક્યારેય સુખદ નથી જ હોતું. આજે રાજુનાં બાળકો પણ નોંધારાં બની ગયાં, તો બીજી બાજુ પ્રકાશનાં બંને સંતાનો માતાપિતાની ઓથ ગુમાવી દીધી.

મનમાં એક પ્રશ્ન સતત ડંખ્યા કરે છે : પ્રકાશનાં બાળકો આજીવન કઈ ભૂલની સજા ભોગવતાં રહેશે કે તેમણે માતાની મમતા અને પિતાના પ્યાર માટે આખું આયખું વલખી વલખી હવે ઓશિયાળું જ જીવન જીવવું પડશે !!!

(નામ પરિવર્તિત)

-  ઈશ્વર પ્રજાપતિ 

9825142620

1 comment: