દુઃખીયારાંનાં બેલી અને વંચિતોનાં વાણોતર ઈન્દુમતીબેન સંઘવી
To read this an article in English Pl click hereઆશરે
બે અઢી દાયકા પહેલાંની વાત છે. સાબરકાંઠાના તત્કાલીન કલેકટર બી. એચ. ઘોડાસરા સાહેબ
સાથે સોરઠનાં એક સન્નારી સાબરકાંઠાના અંતરિયાળ અને અતિ પછાત એવા પોશીના અને મેઘરજ
વિસ્તારનાં ગામડાં ખૂંદી રહ્યાં હતાં. એ સમયે પાકા રસ્તા તો ક્યાંથી હોય પગવાટ પર
ચાલીને એક ટેકરીથી બીજી ટેકરી પર આવેલી ઝુપડીએ ઝુપડીએ જઈ ત્યાં વસતા લોકોના
જીવનમાં નજીકથી ડોકિયું કરવાનો પ્રયાસ કરતાં. દૂર દૂર સુધી ક્યાંય પાકું મકાન જોવા
ન મળે.. જ્યાં નજર કરીએ ત્યાં ઉંચે ટેકરીઓ પર ઘાસની આડ કરીને બનાવેલી ઝુંપડીઓ,
મદ્રાસ – મુંબઈમાં દોમ દોમ સાહેબીમાં ઉછરેલાં સોરઠનાં એ સન્નારી અહીંનાં લોકોને
અચરજ ભરી નજરે જોતાં જ રહ્યાં ! મજૂરી કરી કરી આખી જાત ઓગળી દીધી હોય અને બચ્યું
હોય માત્ર હાડપીંજર..! બે ટંક પેટ ભરાય એટલું ધાન પણ નસીબ નહી. નાનાં બચ્ચાંને ડીલ
ઢાંકવા વસ્ત્ર પણ મળે નહિ..! જો માણસ કોઈ બીમાર પડે તો કણસીને મરે જ છૂટકો !
અહિ શાની દવા અને શાના ડોક્ટર ? શહેરમાં જઈ સારવાર કરાવવી એના કરતાં મોત જ વ્હાલું
લાગે ! સાચે જ અહીં જીવન મોંઘુ ‘ને મોત
સસ્તું હતું.
સોરઠનાં
એ સન્નારી વાસ્તાવિત ચિત્ર જોઈ હચમચી ઉઠ્યાં.
દારુણ ગરીબીમાં રીબાતા માનવજીવનને જોઈ આંખે આંસુનું પૂર ઉમટ્યું. હૈયું
વલોવાયું. અને એ જ ઘડીએ મનમાં ગાંઠ વાળી કે બસ, હવે આવા અંતરિયાળ વિસ્તારના
દરિદ્રનારાયણ માટે બનતું બધું જ કરી છૂટવું. તે ઘડી ‘ને આજનો દિવસ ! તેમણે અંતરિયાળ
વિસ્તારના લોકોના શિક્ષણ, આરોગ્ય અને પર્યાવરણ માટે દાનનો રીતસરનો ધોધ વહાવ્યો !
જેના પરિણામે હજારો – લાખો લોકોના જીવનમાં પરિવર્તનનાં તેઓ પ્રહરી બની રહ્યાં. તેમણે
દાતારીનો વારસો તો ગળથૂથી મળ્યો હતો.
શિક્ષણ,
આરોગ્ય અને પર્યાવરણના જતન માટે કરોડો રૂપિયાની દાનની સરવાણી વહાવી હજારો જરૂરીયાતમંદ
અને ગરીબ લોકોના જીવનમાં આશાનો દીપક પ્રગટાવનાર સોરઠનાં એ સન્નારી હતાં ઈન્દુમતીબહેન
સંઘવી ! તેમણે પોતાનું સમગ્ર જીવન માત્રને માત્ર પરોપકાર અને લોકકલ્યાણ માટે ખર્ચી
નાખ્યું.
સુશ્રી
ઈન્દુમતીબેનનો જન્મ ૨૫ એપ્રિલ ૧૯૩૩ના રોજ મદ્રાસમાં થયો, પરંતુ તેમનાં મૂળ તો
અમરેલી સાથે જોડાયેલાં. તેમના પિતા નગીનદાસ દેવશીભાઈ સંઘવી કે જેમની અમરેલી
પંથકમાં એક પ્રતિષ્ઠિત વ્યક્તિ અને દાનવીર
ભામાશા તારેકેની નામના હતી. તેમનાં માતાનું નામ જયાલક્ષ્મીબેન ! તેઓ ખુબ માયાળુ સ્વભાવનાં ! નગીનદાસ એક બાહોશ
વેપારી હતા. એ જમાનામાં તેમનો કારોબાર ગુજરાત રાજ્યના સીમાડા ઓળંગી પશ્ચિમ બંગાળ અને મદ્રાસ
સુધી વિસ્તાર્યો હતો. ધંધાર્થે તેઓ મદ્રાસ સ્થાઈ થયા હતા. જમીન લે – વેચના ધંધામાં
તેમને સારી એવી હથોટી હતી. જે જમીન પર તેઓ હાથ મુકતા તે સોનાની બની જતી. પરિણામે
અઢળક સંપત્તિ કમાયા હતા. તેઓ ધન કમાઈ જાણતા તો કમાયેલા ધનને સદમાર્ગે ઉદાર હાથે સખાવત પણ કરી જાણતા. જાહેર
સંસ્થાઓમાં માતબર દાન કરતા રહેતા.
નગીનદાસ
અને જયાલક્ષ્મીબેનને કુલ ચાર સંતાનો. એમાં ઈન્દુમતી બેન સૌથી મોટાં ! બીજી બે
બહેનો હંસાબેન અને પ્રફુલાબેન અને એક ભાઈ ! ઇન્દુમતિબેનનો જન્મ મદ્રાસમાં થયો અને
બાળપણ માતા પિતા સાથે મદ્રાસમાં જ પસાર થયું. સમયાંતરે માદરે વતન અમરેલી પણ આવતાં
જતાં રહેતાં.
નગીનદાસના
એક ભાઈ લક્ષ્મીદાસ સંઘવી ધંધાર્થે મુંબઈ સ્થાઈ થયા હતા. તેઓ તે સમયની અત્યંત
જાણીતી ‘નટવરલાલ શામળદાસ એન્ડ કંપની’ના મેનેજર હતા. કોલસાનો ખુબ મોટો કારોબાર કંપનીએ
જમાવ્યો હતો. પાવર સ્ટેશન અને રેલ્વેમાં
કોલોસો પૂરો પાડવાનો મુખ્ય કોન્ટ્રાક્ટ આ કંપની પાસે હતો. લક્ષ્મીદાસ પણ મુંબઈમાં
નામ અને દામ ખુબ કમાયા હતા. તેઓ પોતે ભલે કરકસરયુક્ત સાદગી ભર્યું જીવન જીવે, પણ સમાજ સેવા માટે પોતાનો ખજાનો
હંમેશા ખુલ્લો રાખતા. લક્ષ્મીદાસ અપરણિત હતા. ઈન્દુમતીબેન અભ્યાસ માટે મદ્રાસ છોડી
કાકા પાસે રહેવા આવી ગયાં. મુંબઈમાં કાકા સાથે રહી ભણ્યાં અને સાથે સાથે ગણ્યાં પણ
ખરાં !
ઈન્દુમતીબેન
કોલેજ શિક્ષણ પૂર્ણ કરી મુંબઈમાં જ એક હાઇસ્કૂલમાં શિક્ષિકા તરીકે જોડાઈ ગયાં. વિદ્યાર્થીઓને
શિસ્ત અને જીવન ઘડતરના પાઠ શીખવ્યા. સમય જતાં સ્કૂલનાં પ્રિન્સીપાલ તરીકે સેવાઓ
આપી. કડક શિસ્તનાં તેઓ આગ્રહી. જરા પણ કચાસ કોઈની પણ ચલાવી લે તો એ ઈન્દુમતીબેન
નહિ ! મોટા મોટા ચમરબંદી પણ ઈન્દુમતીબેન સામે રજૂઆત કરવા જતાં એક લાખ વાર વિચાર
કરે. તેમની વાણીમાં સત્યનો રણકો અને વેધક
નજર સામે ટકી રહેવું ભલભલા માટે કઠીન બની જતું. કોઈને તાબે થઇને રહેવાનો ઈન્દુમતીબેનનો
સ્વભાવ જ નહિ. કોઈની પણ શેહશરમ રાખ્યા વિના સત્ય રોકડું પરખાવી દે.
ઈન્દુમતીબેનની
બંને બહેનો હંસાબેન અને પ્રફુલ્લાબેન
અમેરિકા સ્થાઈ થયાં. અને તેમનો ભાઈ ઓછી ઉંમરે અંનત યાત્રાએ ચાલી નીકળ્યા. સંસારની
માયાજાળમાં બંધાવા કરતાં મુક્ત રહી જરૂરીયાતમંદો, ગરીબો, વંચિતોની સેવામાં જીવન
સમર્પિત કરી દેવાનું તેમને ઉચિત લાગ્યું અને એટલે જ કદાચ તેઓ આજીવન અપરણિત રહ્યાં.
પિતા
નગીનદાસ અને કાકા લક્ષ્મીદાસનો તમામ વારસાનાં ઈન્દુમતીબેન એકમાત્ર વારસ રહ્યાં
હતાં. પ્રભુકૃપાથી અસીમ ઐશ્વર્ય પ્રાપ્ત થયું હતું. એમ છતાં પોતે સાદગી ભર્યું
કરકસરયુક્ત જીવન જીવી તમામ ધન સંપત્તિ શિક્ષણ, આરોગ્ય, પર્યાવરણ એમ લોક કલ્યાણ
માર્ગે ખર્ચવાનો નિર્ધાર કર્યો.
પોતાનાં
માતૃનાં નામે શ્રી જયાલક્ષ્મી નગીનદાસ સ્મૃતિ ટ્રસ્ટ અને દાદીમાનાં નામે માતૃશ્રી મોંઘીબા
ધર્માદા ફંડ જેવાં ટ્રસ્ટોની રચના કરી બાલમંદિરથી માંડી કોલેજ નિર્માણ માટે ઉદાર
હાથે સખાવત કરી. અમરેલીમાં મહિલા ઉચ્ચ શિક્ષણ માટે માતબર દાન આપી ‘માતૃશ્રી મોંઘીબા
મહિલા આર્ટસ કોલેજ’ને ધમધમતી કરી. વાંસદા તાલુકાના થવા ગામે ગૌશાળા માટે પણ દાનની
સરવાણી વહાવી.
અહીં ક્લિક કરી બ્લોગ લેખન પ્રવૃત્તિને આપ સહયોગ આપી શકો છો.
ઈન્દુમતીબેનનાં
માતા-પિતા તો ક્યારનાં પ્રભુ શરણ થયાં હતાં. હવે વર્ષ ૨૦૦૪માં કાકા લક્ષ્મીદાસજીનું
નિર્વાણ થતાં તેઓ સાવ એકલાં અટૂલાં થઈ ગયાં. તેમના પર કેટલીક શસ્ત્રક્રિયાઓ પણ થઇ.
તેઓ એક જ કીડની પર જીવન જીવી રહ્યાં હતા. એક સમયે પેરાલીસી પણ થયો. શારીરિક
પારાવાર વિડંબનાઓ વચ્ચે પણ મજબૂત મનોબળના સહારે ઝઝૂમતાં રહ્યાં. જીવનની નાજુક
પરિસ્થિતિમાં પણ હિંમત હાર્યા વિના સેવાકાર્યમાં ક્યારેય ઓટ આવવા દીધી નહિ.
ઉલટાનું અંતરિયાળ વિસ્તારના વનવાસી બંધુઓ
માટે કાઈક કરી છૂટવાના નિર્ધાર સાથી મક્કમતાથી ડગ માંડ્યા. એવા સમયે સાબરકાંઠાના
તત્કાલીન કલેકટર બી.એચ. ઘોડાસરા સાહેબનો સંપર્ક થયો. અને ઘોડાસરા સાહેબ ઇન્દુમતિબેનને
પોશીના અને મેઘરજ પંથકમાં દોરી લાવ્યા.
પોશીના અને મેઘરજ પંથકનાં ગામડાં પગે
ચાલી ખૂંદી વળ્યા પછી ગરીબીમાં સબડતી માનવજાતિનાં દયનીય દૃશ્ય જોઈ, ઇન્દુમતિબહેનની આંખમાં અશ્રુઓની ધારા વહેવા
લાગી. આદિજાતિ વિસ્તારમાં શિક્ષણ અને આરોગ્યની પ્રાથમિક સવલતો ઊભી કરવા કૃતનીશ્ચયી
બન્યાં. એ પછી મેઘરજ તાલુકાના કસાણા ગામે આદિજાતિની કન્યાઓના શિક્ષણની ચિંતા કરી
શબરી કન્યા વિદ્યાલય માટે મોટું દાન આપી છાતાલય બાંધી આપ્યું. એ સમયે ગુજરાત
વિદ્યુત બોર્ડમાં ડેપ્યુટી એન્જિનિયર તરીકે ફરજ બજાવતા સેવાવ્રતી દીપકભાઈ રામદેવપુત્રમ
સાથે તેમનો પરિચય થયો. એ પછી તો સાબરકાંઠા – અરવલ્લીના અંતરિયાળ ગામડાઓમાં કેટકેટલું કામ ઈન્દુમતીબેનની ઉદાર સખાવતથી થયું
છે. કેટકેટલી જર્જરિત શાળાઓ રીપેર કરાવી આપી તો કેટલીય વર્ગખંડ વિહોણી શાળાઓને
નવીન વર્ગખંડો બનાવી આપ્યા. અંતરિયાળ વિસ્તારનાં બાળકોના ઉજ્જવળ ભવિષ્યનો વિચાર
કરીને કેટલીય શાળાઓમાં કોમ્પ્યુટર લઇ
આપ્યા તો અનેક શાળાઓમાં શાળાઓને સાયન્સ
લેબ બનાવી આપી. ઇન્દુમતિબેને આપેલા દાનની યાદી કરવા બેસીએ તો તેનું પણ એક દળદાર
પુસ્તક બની શકે એમ છે.
શિક્ષણ સાથે આરોગ્ય ક્ષેત્રે તેમણે આપેલા માતબર
આર્થિક યોગદાનથી અરવલ્લી પંથકની સાર્વજનિક હોસ્પિટલોમાં નૂતન પ્રાણ ફૂંકાયો છે.
મરણ પથારીએ પડેલી કેટલીય હોસ્પિટલો ઇન્દુમતિબેનની સખાવતથી પુનર્જીવિત બની હાલ ધબકી
રહી છે. મોડાસા સાર્વજનિક હોસ્પિટલ એક સમયે ડૉ. દવે સાહેબના નામથી
ઓળખાતી. એ સમયે મોડાસા સાર્વાનીક હોસ્પિટલમાં કેન્સર વોર્ડના નિર્માણ માટે
ઈન્દુમતીબેને ખૂબ મોટું દાન આપ્યું હતું.
ઈન્દુમતીબેન સેવાભાવી સંસ્થાઓને દાન આપતાં હોવાથી બીજી સંસ્થાઓ
પણ તેમણે પત્ર લખી દાન માટે અરજી મોકલતી, આવો એક પત્ર ઈન્દુમતીબેનને પ્રાપ્ત થયો.
એ પત્ર હતો શ્રી કે. કે. શાહ આરોગ્ય મંડળ સંચાલિત ફતેસિંહ રાવ ગાયકવાડ હોસ્પિટલ
વાત્રકનો ! માત્ર પત્ર વાંચીને દાન આપી દે એ ઈન્દુમતીબેનના સ્વભાવમાં નહોતું. જાત
તપાસ કરે. સંસ્થા વિષે પૂરી જાણકારી મેળવે. અને જો તેમને વિશ્વાસ બેસે તો સંસ્થાને
ન્યાલ કરી દેતાં. વાત્તેરક હોસ્પિટલ માટે દાનની અરજી મળતાં તેઓ વાત્રક હોસ્પિટલની મુલાકાતે આવ્યાં. હોસ્પિટલનું
વિશાળ પરિસર જોતાં જ મનમાં વસી ગઈ. એ વખતે એટલી અદ્યતન સુવિધાઓ કે બીજી સવલતો પણ
નહી. પણ આ હોસ્પિટલ સાથે હૃદયથી નાતો બંધાયો. અને આ નાતો દાયકાઓ સુધી અકબંધ રહ્યો.
વાત્રક હોસ્પિટલને મૃત્યુ શૈયા પરથી બેઠી કરવા માટે જ્યાં જ્યાં આર્થીક સહયોગની
જરૂર પડી ત્યાં ઈન્દુમતીબેને પોતાની તિજોરી ખૂલી મૂકી દીધી હતી. વાત્રક જાણે એમને
પોતીકું લાગતું હતું. વાત્રક આવી તેમને રોકાવું ગમતું. વાત્રક હોસ્પિટલ મેનેજમેન્ટ
કમિટીએ ઈન્દુમતીબેન માટે રોકવાની અલાયદી વ્યવસ્થા પણ ઉભી કરી હતી. વાત્રક
હોસ્પીટલમાં વોર્ડ માટે, સભાખંડ નિર્માણ, નર્સિંગ કોલેજ માટે એમ જ્યાં જરૂર જણાઈ
ત્યાં દાનની અવિરત ધારા વહેતી મૂકી. વાત્રક હોસ્પિટલમાં તેમને આપેલા આર્થિક સહયોગનો
આંકડો આશરે અઢી કરોડ રૂપિયા જેટલો થવા જાય છે.
ઈન્દુમતીબેન
સમાજ માટે સર્વસ્વ ન્યોછાવર કરી હળવા ફૂલ
બની જવા માંગતાં હતાં. એટલે તેમણે ઘર – જમીન એમ તમામ સંપત્તિ વેચી તેની પાઈ પાઈ સેવા કર્યોમાં
ખર્ચી નાખી. અમરેલીમાં આવેલી સત્તર ઓરડા વાળી ભવ્ય હવેલી પણ કોઈ સેવાભાવી સંસ્થાને
ટોકન રકમથી જ આપી દીધી. તેઓ પોતાની જાત
માટે એક રૂપિયો વાપરતાં એક લાખ વાર વિચાર કરે. પણ કોઈ પાત્રતા ધરાવતી શૈક્ષણિક સંસ્થા કે હોસ્પિટલ માટે એક કરોડ
રૂપિયા આપવાના હોય તો એક ક્ષણનો પણ વિલંબ ન કરે. આટઆટલું દાન આપવા છતાં તેમના
સ્વભાવમાં ક્યાંય ઘમંડ જોવા ન મળે. તેમના પગ હમેશા ધરતી સાથે જોડેલા રાખ્યા.
ત્રાણું વર્ષે તબિયત થોડી નાદુરસ્ત રહેતી હતી.
અને વાત્રકની યાદ પણ કોરી ખાતી હતી. એટલે અમરેલીથી વાત્રક આવ્યાં. વાત્રક આવ્યાં
કે જાણે પોતાના ઘેર આવ્યાં ! અહીં જાણે એમણે નિરાંત અનુભવાતી હતી. કેરલાનાં કુટ્ટીબેન
ચોવીસ કલાક તેમની સેવામાં ખડેપગે તૈયાર રહેતાં. એક દીકરી પોતાની માતાની સેવા
સુશ્રુષા કરે એટલા જ ભાવથી કુટ્ટીબેન ઈન્દુમતીબેનની કાળજી લેતાં. સાથે સાથે
હોસ્પિટલનો સમગ્ર સ્ટાફ અને મેનેજમેન્ટ સ્ટાફ પણ તેમની આત્મીયજન તરીકે સારસંભાળ
રાખતાં. શારીરિક નબળાઈ હોવા છતાં ઈન્દુમતીબેનના ચહેરા આત્મસંતોષ છલકાતો હતો. કદાચ
મૃત્યુનો અગમ અણસાર તેમણે આવી ગયો હતો. છેલ્લી ઘડીએ વાત્રક હોસ્પિટલના સેક્રેટરી
વિરમભાઇ મળવા ગયા તો હાથ પકડી બેસાડી રાખ્યા. અને આખરે અંત ઘડી આવી પહોંચી. ૧૮
નવેમ્બર ૨૦૨૫ના રોજ વાત્રક ખાતે અંતિમ શ્વાસ લઈ ઈન્દુમતીબેન પ્રભુશરણમાં લીન થઈ ગયાં.
વાત્રક હોસ્પિટલનો સ્ટાફ જ એમનો પરિવાર હતો. એટલે તેમના હસ્તે જ વાત્રક નદીને કાંઠે તેમના પાર્થિવ દેહને અગ્નિ
દાહ આપવામાં આવ્યો.
અમેરિકા
રહેતા શ્રી કે. કે. શાહ સાહેબના સુપુત્ર પ્રકાશભાઈ શાહ સાહેબે ઈન્દુમતીબહેનના
નિર્વાણના સમાચાર જાણી ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી. પ્રકાશભાઈ શાહ સાહેબ
ઈન્દુમતીબેન સાથે પારિવારિક આત્મીયતાથી જોડાયેલા હતા. એટલે જ ઈન્દુમતીબેનના
પુણ્યાત્માને શાંતિ મળે એ માટે સિદ્ધપુર તર્પણ વિધિની તમામ વ્યવસ્થા પણ પ્રકાશભાઈ
સાહબે ગોઠવી આપી. દીપકભાઈ રામદેવ પુત્રમ, વિરમભાઇ ભરવાડ અને પંકજભાઈ પટેલ અને
તેમની સમગ્ર ટીમ સિદ્ધપુર જઈ શાસ્ત્રોક્ત વિધિથી ઈન્દુમતીબેનનું તર્પણ કર્યું..! વાત્રક
હોસ્પિટલનાં ચેરમેન સુજાતાબેને પણ હૃદયપુર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી. વાત્રક
હોસ્પિટલના આંગણે ઇન્દુમતિબેનની શોકસભાનું આયોજન થયું. ગુજરાતભરમાંથી લાગણીભીના
શોકસંદેશા પ્રાપ્ત થયા.
પુણ્યાત્મા
ઈન્દુમતીબેને મૃત્યુ પહેલાં વીલ બનાવી રાખ્યું હતું. તેમના મૃત્યુબાદ તેમની તમામ
સંપત્તિ - માલ મિલકત શિક્ષણ - આરોગ્ય અને
જરૂરિયાતમંદોની સેવામાં વપરાય તેવી ગોઠવણ કરી દીધી હતી. આ જવાબદારી તેમણે વાત્રક
હોસ્પિટલના પ્રમુખ અને ગુજરાત રાજ્યના પૂર્વ ચીફ સેક્રેટરી આદરણીય પી. કે. લહેરી
સાહેબને ખભે મૂકી ગયાં. એક ઋષિકન્યાને
છાજે એવું વિરલ જીવન ઈન્દુમતીબેન જીવી ગયાં. ભલે સદેહે તેઓ આપણી વચ્ચે નથી પરંતુ
તેમણે કરેલા કાર્યોની સુવાસ વર્ષોનાં વર્ષ સુધી સમાજમાં પ્રસરતી જ રહશે.
ક્યાં અમરેલી ?? ક્યાં મદ્રાસ ?? ક્યાં મુંબઈ? ક્યાં
અરવલ્લીનો વાત્રકનો કાંઠો ? નિયતિ કોણે ક્યાં લઈ જાય છે? પ્રભુની લીલા સાચે જ અકળ
છે.
પ્રભુ
ઈન્દુમતીબેનના દિવ્ય આત્માને ચીર શાંતિ
પ્રદાન કરે એ જ પ્રાર્થના !
ઈન્દુમતીબેનને શ્રદ્ધાંજલિ અર્પતા મહાનુભાવો શું કહે છે? વાંચવા અહીં ક્લિક કરો.
(માહિતી સહયોગ : દીપકભાઈ રામદેવપુત્રમ, કિશોરભાઈ મહેતા, વિરમભાઇ ભરવાડ )
- ઈશ્વર પ્રજાપતિ
9825142620

No comments:
Post a Comment