Sunday, March 2, 2025

સન્ડે સ્પેશિયલ

 કરોડો રૂપિયા દાનનો ધોધ વહાવી વાત્રકમાં મલ્ટી સ્પેશીયાલીસ્ટ હોસ્પિટલનું જેમણે સપનું સેવ્યું.. સ્માર્ટ વિલેજ મૂવમેન્ટના પ્રણેતા : ડૉ. અનીલ શાહ 


To read in Engalish pl. click here

        ૨૩ મી ફેબ્રુઆરી ૨૦૨૫ નો દિવસ સમગ્ર અરવલ્લી- સાબરકાંઠા અને ગુજરાત માટે એક સ્વર્ણિમ દિવસ બની રહ્યો. અરવલ્લી પંથકના ગરીબ અને જરૂરીયાત મંદ દર્દીઓ માટે આશાના એક માત્ર કિરણ સમાન વાત્રક હોસ્પિટલના પરિસરમાં એક અત્યાધુનિક મલ્ટી સ્પેશીયાલીસ્ટ હોસ્પિટલ નિર્માણના શ્રી ગણેશ થયા. અરવલ્લીના સાવ અંતરિયાળ વિસ્તારમાં  આવું  વિરાટ સ્વપ્ન સાકાર કરાવનું બીડું ઝડપ્યું છે મૂળ અરવલ્લી ગાબટ ગામના વતની અને અમેરિકામાં સ્થાઈ થયેલા આંતરરાષ્ટ્રીય ખ્યાતીપ્રાપ્ત એવા ડૉ. અનીલ શાહે. ૨૩ મી ફેબ્રુઆરીએ તેમના હસ્તે નવીન હોસ્પિટલનું ખાત મુર્હત કરવામાં આવ્યું.

 Blog needs your support. Pl. click here

આંતરરાષ્ટ્રીય ખ્યાતી પ્રાપ્ત ડૉ. અનીલ શાહથી અમેરિકા અને બીજા દેશોના લોકો તો સુપેરે પરિચિત છે. પરંતુ અરવલ્લીની જનતા ભાગ્યેજ આ સ્વપ્ન દૃષ્ટાના નામ અને કામથી પરિચિત હશે. આવો ડૉ. અનીલ શાહનો આછેરો પરિચય મેળવીએ.

ડૉ. અનીલ શાહનું મૂળ વતન તો અરવલ્લી જિલ્લાનું ગાબટ ગામ. આ ગાબટ એક એવી ભૂમિ છે જેણે દેશ અને દુનિયાને અનેક મહાન રત્નો ભેટ આપ્યા છે. તમિલનાડુના પૂર્વ ગવર્નર અને પૂર્વ કેબીનેટ મીનીસ્ટર આદરણીય કે. કે. શાહ સાહેબ માતૃભુમી પ્રત્યેની અનન્ય લાગણીને કોણ ભૂલી શકે ? કે. કે. શાહ સાહેબનું મૂળ વતન ગાબટ. કે. કે. શાહ સાહેબના સુપુત્ર પ્રકાશભાઈ શાહ  જેઓ પણ દાયકાઓથી  અમેરિકા સ્થાઈ થયા હોવા છતાં માતૃભૂમિને જરાય ભૂલ્યા નથી. ભારત ભૂમિને દિવ્ય અને ભય બનાવવા માટે તેઓ અહર્નિશ પ્રયત્નશીલ રહે છે. અને આ ડૉ. અનીલ શાહનું મૂળ પણ આ ગાબટની ભૂમિ સાથે જોડાયેલું છે.

ડૉ. અનીલ શાહના પિતા ડૉ. વી.વી. શાહ વિચક્ષણ બુદ્ધિપ્રતિભા ધરાવતા એ જમાનાના ખ્યાતનામ સંશોધક અને તબીબ હતા. તેઓ આજથી સાત આઠ દાયકા પહેલાં અભ્યાસ અને વ્યવસાય માટે ગાબટ છોડી મુંબઈ જઇ સ્થાઈ થયા. મુંબઈમાં જ અનીલભાઈનો જન્મ થયો. વિચક્ષણ પિતા અને પ્રેમાળ માતાના સાનિધ્યમાં અનિલભાઈ અને તમના બીજા બે ભાઈઓનો ઉછેર થયો. તેમનું શિક્ષણ પણ મુંબઈમાં થયું.

અનિલભાઈ મેડીકલનો અભ્યાસ પૂરો કરી વધુ અભ્યાસ અને વ્યવસાય અર્થે અમેરિકા ભણી પ્રયાણ કર્યું. અમેરિકા જઈ દિવસ રાત જોયા વિના તનતોડ પુરુષાર્થ આદર્યો. અહીં તેમણે તેમના કાર્યક્ષેત્ર જબરજસ્ત નિપૂણતા પ્રાપ્ત કરી. અમેરિકામાં એક કુશળ કાર્ડિયાક ડોકટર તરીકે તેમના નામનો ડંકો વાગવા લાગ્યો. ધીકતી પ્રેકટીસ ચાલી. તેઓ કોસ્ટલ હાર્ટ મેડિકલ ગ્રૂપના સ્થાપક અને CEO છે. અમેરિકા સ્થિત મલ્ટી સ્પેશીયાલીસ્ટ હોસ્પિટલોના તેઓ સ્થાપક અને માલિક છે. તેઓના હાથ નીચે ૪૦૦૦ જેટલા ડોકટર નર્સ અને અન્ય સ્ટાફ તબીબી સેવાઓમાં કાર્યરત છે.  ભગવાન શ્રી કૃષ્ણ એ સ્વમુખે ગયેલી ગીતા નો સાર છે કે કરેલું ક્યારેય ફોગટ જતું નથી. બસ એ જ ન્યાયે ડૉ. અનિલભાઈ શાહે કરેલા પરિશ્રમને કારણે તેઓ નામ અને દામ ખુબ કમાયા. દિનપ્રતિદિન સફળતાના શિખરો તેમના કદમ ચૂમવા લાગ્યા. એમ છતાં પોતાના પગ હંમેશા જમીન સાથે જોડાયેલા જ રાખ્યા. પ્રભુએ વરસાવેલી કૃપાનું જરા પણ ગુમાન પોતાના મન મસ્તિષ્ક પર સવાર થવા જ દીધું નહિ. વિનમ્રતા અને સરળતા તેમના વ્યક્તિત્વનાં આભુષણ બની ગયા.

આજના સમયમાં મોટા ભાગે પરદેશમાં જઈ બે પાંદડે થતા લોકો ત્યાંની ભૌતિકવાદી જીવન શૈલીથી એવા તો અંજાઈ જાય છે કે પોતાનું વતન તો ઠીક પરંતુ પોતાનાં મા –બાપને પણ ભૂલી જતાં હોય છે. જયારે ડૉ. અનિલ શાહ પોતાનો દેશ, પોતાની માતૃભુમી ને ક્યારેય ભૂલી શક્યા નહિ.  ડૉ. અનીલ શાહના હૃદયમાં હંમેશા એક ચિનગારી પ્રજ્વલિત રહી  કે “પોતાના દેશ માટે, પોતાના વતન માટે શું કરું તો મારા દેશના લોકોનું જીવનધોરણ ઊંચું આવે? એવું તો શું કરું કે મારા દેશ વાસીઓ પણ સમૃદ્ધ બને ?” પોતે કમાયેલું સમાજને પરત આપવું એ તેમનો સ્વભાવ રહ્યો છે. તેઓએ અમેરિકા અને ભારતમાં મીલીયંસ ડોલરની સરવાણી વહાવી છે. ડૉ. અનિલભાઈ શાહની બે પુત્રીઓ અને તેમના જમાઈ પણ ખભે ખભા મિલાવી આ કાર્યમાં તન,મન, ધનથી જોડાઈ ગયા છે.

   ભારત દેશના ગામડાઓને શિક્ષણ, આરોગ્ય અને રોજગારીની અદ્યતન સુવિધાઓ ઉભી કરવાના ઉમદા આશયથી ડૉ. અનિલભાઈ શાહે સ્માર્ટ વિલેજ મૂવમેન્ટ શરૂ કરી. 2019માં, તેમણે યુસી બર્કલીના પ્રોફેસર સોલોમન ડાર્વિન સાથે ભાગીદારી કરીને સ્માર્ટ વિલેજ મૂવમેન્ટને વધુ વેગવાન બનાવ્યું. તેમના નેતૃત્વ હેઠળ, SVM એ ગામો, યુનિવર્સિટીઓ, સરકારો અને કોર્પોરેશનો વચ્ચે સહયોગ ઉભો કર્યો છે, જે ગ્રામ્ય વિસ્તારોમાં કૃષિ, શિક્ષણ, આરોગ્યસંભાળ અને વસ્થાપન સુધારવા માટે વિવિધ પ્રોજેક્ટ્સ ચલાવે છે. મેઘાલય, ઝારખંડ, મિજોરમ, ઉત્તરપ્રદેશ ગુજરાત જેવા જુદા જુદા રાજ્યોના અંદાજે ૧૨૦૦ જેટલા અંતરિયાળ ગામડાઓની કાયાપલટ કરવાનું ભગીરથ કાર્ય સ્માર્ટ વિલેજ મૂવમેન્ટ અંતર્ગત ચાલી રહ્યું છે. ભારતમાં સ્માર્ટ વિલેજ મૂવમેન્ટ (SVM)ના એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે તેઓ  સેવા આપી રહ્યા  છે.

ડૉ. અનીલ શાહના યોગદાનને વૈશ્વિક સ્તરે માન્યતા મળી છે. તેમના ઉમદા કાર્યોની નોંધ લઇ અનેક વૈશ્વિક પ્રતિષ્ઠિત સન્માનોથી તેઓને નવાજમાં આવ્યા છે. ઑક્ટોબર 2021માં, યુસી બર્કલીએ તેમને અને તેમનાં પત્ની પ્રીતી શાહને 'બિલ્ડર્સ ઓફ બર્કલે' તરીકે સન્માનિત કર્યા. ઉપરાંત, 2023માં, તેમને સ્માર્ટ વિલેજ મૂવમેન્ટ દ્વારા થઇ રહેલા ગ્રામ વિકાસ માટેના તેમના અવિરત સમર્પણ માટે  લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ આપી સન્માનવામાં આવ્યા છે.

         ડૉ. અનિલભાઈ શાહ માટે તેમના પિતા જ તેમના આદર્શ છે. તેઓ માને છે કે “માત્ર ૮ કલાક જ કામ કરવાથી પરિવાર નિર્વાહ થઇ શકે પરંતુ જીવનમાં અપ્રતિમ સફળતા પ્રાપ્ત કરવી હોય તો કલાકોના બંધનમાં રહ્યા વિના અહર્નિશ પ્રયત્નશીલ રહેવું જોઈએ. જો સમર્પણ ભાવથી કાર્ય કરવામાં આવે તો તમને સફળ થતાં કોઈ નહિ રોકી શકે.” તેઓ માને છે કે ભારત દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે દરેક ભારતીયએ સ્વયંશિસ્ત  અને સ્વચ્છતાના આગ્રહી બનવું પડશે સાથે સાથે આળસ ખંખેરી  ઉદ્યમી બની નિર્ધારિત કરેલા જીવન ધ્યેય પ્રાપ્ત કરવા મચી પડવું પડશે.  

વાત્રકને આંગણે  મલ્ટી સ્પેશીયાલીસ્ટ અદ્યતન હોસ્પિટલના નિર્માણ માટે ડૉ. અનીલ શાહના પરિવાર તરફથી માતબર દાન પ્રાપ્ત થયું છે. ખાનગી હોસ્પીટલમાં પણ ન હોય તેવી અત્યાધુનિક સુવિધાથી આ હોસ્પિટલને  સજ્જ કરવાનું ડૉ. અનીલ શાહનું સપનું છે. આગામી વર્ષે જયારે આ હોસ્પિટલ કાર્યરત થશે ત્યારે અનેક જરૂરીયાતમંદ અને ગરીબ દર્દીઓ માટે આશીર્વાદ રૂપ સાબિત થશે. હજારો ગરીબ દર્દીઓના પરિવારના અંતરના આશીર્વાદ  ડૉ. અનિલભાઈ શાહના પરિવારને  મળતા રહેશે.

   વાત્રક હોસ્પિટલને સુવિકસિત કરવા માટે આદરણીય પ્રકાશભાઈ શાહનો પણ સિંહફાળો રહ્યો છે. અને હવે આદરણીય સુજાતાબેન શાહના કુશળ નેતૃત્વમાં તેમની સમગ્ર ટીમના સહયોગથી આ હોસ્પિટલ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ બની રહી છે.

          ડૉ. અનિલભાઈ શાહના પરિવારને લાખ લાખ અભિનંદન. ભગવાન તેમને નિરામય સ્વાસ્થ્ય અને દીર્ધાયુષ્ય પ્રદાન કરે એ જ પ્રાર્થના.

- ઈશ્વર પ્રજાપતિ 

9825142620

1 comment:

  1. Very good. The things of good personality.
    Make for open knowledge trying is the best work

    ReplyDelete