Wednesday, October 2, 2024

ગાંધી જયંતિ નિમિત્તે બાપુનું પુણ્ય સ્મરણ


' બાપુ !  હું આપના "સત્યાગ્રહ" ના આવિષ્કારને એટમ બૉમના આવિષ્કાર કરતાં અનેક ઘણો વધું તાકાતવર માનુ છું.'  


પૂજ્ય બાપુ.

સાદર વંદન. 155મી ઐતિહાસિક વર્ષગાંઠ નિમિત્તે જન્મ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.  આપને સદેહે તો ન મળી શકાયું પરંતું #સત્યના_પ્રયોગો થકી અક્ષર દેહે આપને મળ્યાનો અહેસાસ અનુભવ્યો...

‌એક ડરપોક, સાવ સામાન્ય, સરમાળ, નિષ્ફળતાનો અનુભવ કરેલ બાળક અને યુવાનીમાં અચાનક એવું તે શુ પરગટ્યું કે આપના નેતૃત્વમાં અગણિત માણસોની આસ્થા રહી. જન સમાજમાં આશા અને ચેતનાનો સંચાર કર્યો અને સંવાદ દ્વારા રાષ્ટ્રને ઢંઢોળ્યું. ભારતની પ્રજામાં મૂલ્યોનું અને સાંસ્કૃતિક વરસાનું આત્મભાન પ્રગટાવ્યું. હુ આપના "સત્યાગ્રહ" ના આવિષ્કારને એટમ બૉમના આવિષ્કાર કરતાં અનેક ઘણો વધું તાકાતવર માનુ છું.  વિશાળ બ્રિટિશ સામ્રાજ્યને અહિંસાના માર્ગે હચમચાવી આ દેશને સ્વરાજને કાંઠે લાવી નાંગર્યો. મહાન વૈજ્ઞાનિક #આઈન્સ્ટાઈનના શબ્દો મને યથાર્થ સાબીત થતા લાગે છે કે "આવતી પેઢીઓને કદાચ માન્યામાં પણ ભાગ્યે જ આવે કે આવો માનવી ક્યારેક પૃથ્વી પર સદેહે વિચરતો હતો."



‌બાપુ અમે આઝાદીના શ્વાસ લઇ શકીએએ માટે આપે શું નથી વેંઠ્યુ?? બેરિસ્ટરની ઘીખતી પ્રેક્ટિસ છોડી,  દિવસો સુધી ઉપવાસ કર્યા, ભુખ તરસ વેઠી, દેશ ભ્રમણ કરતા રહ્યા, ચાલી ચાલી જાત ધસી નાંખી, લાઠીઓ વેઠી, જેલ વેઠી, અપમાન વેંઠ્યા અને આખરે ગોળીઓથી વીંઘાઇ ગયા. પોતાનુ સર્વસ્વ દેશને અર્પણ કરી દીધું .

Study Room Blog need your support. for support pl. click here

‌બાપુ આટ-આટલું વેઠી સ્વરાજ તો અપાવ્યું પરંતું સુંરાજય માટે આઝાદી નાં 75 વર્ષ પછી પણ અમે વલખાં જ મારીએ છીએ. આફ્રિકાથી આવી આપના રાજકીય ગુરુ ગોખલેજીના કહેવાથી આપે દેશનું ભ્રમણ કરી જે ગરીબી નિહાળી હતી એ ગરીબી હજી ત્યાં જ સબડે છે. આઝાદ ભારતની ફૂટપાથ ઉપર નાગાં-ભૂખ્યાં બાળકો આંસુઓ પીને પેટની આગ ઠારે છે, ફાઈ્વ સ્ટાર હોટેલ  બહાર એંઠવાડ માટે ટળવળે છે. કેટલીય  સ્ત્રીઓ પુરતા વસ્ત્રો માટે વલખે છે. આવા દરિદ્ર નારાયણને નિહાળી આપે વસ્ત્ર ત્યાંગ્યાં અને આજીવન પોતડી પહેરી વિચરણ કર્યું પરંતું આપે બચાવેલ વસ્ત્રો આજ સુધી જરૂરિયાતમંદ સુધી અમે પહોંચાડી શક્યા નથી. ખાદી સુધી તો અમે પહોચી શક્યા પરંતું ખાદીની ભીતર કદી ન પહોચી શક્યા. ખાદીની તો જાણે વ્યાખ્યા જ બદલાઇ ગઇ 'કાળા કામ ઢાંકવા માટે વપરાતો સફેદ પડદો'  બાપુ આપની છબી કાર્યાલયોની શોભા માત્ર છે. કર્યાલયોમાં ચલણી નોટોનો જે વ્યવહાર થાય છે એ જોઇ નોટો પર છપાયેલી આપની છબી પણ ક્યાં હાસ્ય રોકી શકે છે !! આપે જીવેલ જીવનમૂલ્યો પર ચાલવામાં ક્યાં કોઈનેય રસ જ છે હવે?? 



‌  આ બધુ જાણીને પણ આપ તો બૉખુ સ્મિત જ કરવાના. હવે તો મને પણ હસુ જ આવે છે.

‌અને હા બાપુ, એક સારા સમાચાર પણ છે.  ગામના ચોકમાં બનાવેલું પેલું બાવલું છે ને! હા એ તમારુ જ છે પણ સાફ સફાઇ અભાવે ઓળખાતું નથી એ આજે સરસ સાફ કર્યું છે હો!  કોઈ નેતાજી ખાદી પહેરી આપને સૂતરની આંટી પહેરાવવા આવવાના છે એટલે જ સ્તો! અને Z+ security વચ્ચે અહિંસાનો સંદેશ પણ આપશે જ. બાપુ જો તમારે જોવું હોય , સાંભળવું હોય તો આવી જજો સમય સર. નહી તો પછી આવજો આવતી 2 જી ઓક્ટોબરે. વચ્ચેના સમયમાં તો સફાઇ માટે કે તમારા માટે ક્યાં કોઈનેય સમય હોય  છે? 

‌બધાં જ આઝાદ છે, સ્વતંત્ર છે. સઘળું વેઠીને  તમે જ અપાવી છે ને આ સ્વતંત્રતા!!!!!


‌-- ઇશ્વર પ્રજાપતિ

‌(ગાંધી જયંતિ )

No comments:

Post a Comment