Tuesday, March 19, 2024

પુસ્તક પરિચય : અનુભૂતિ

 પુસ્તક પરિચય

અનુભૂતિ

લેખક : દેવેન્દ્ર પટેલ

વરિષ્ઠ પત્રકાર આદરણીય દેવેન્દ્રભાઈ પટેલ લિખિત અનુભૂતિ પુસ્તક તાજેતરમાં જ પ્રગટ થયું છે. નવભારત સાહિત્ય મંદિર અમદાવાદ દ્વારા પ્રકાશિત આ પુસ્તક કુલ ૫૭ પ્રકરણો ૨૫૮ પાનાઓ પર વિસ્તારાયેલાં છે.  લેખકની જીવનકથા નહીં, પણ જીવનની અનુભૂતિની કથા છે.

અરવલ્લીના અંતરિયાળ ગામડાનો એક ગ્રામીણ છોકરો કે જેને અભ્યાસકાળ દરમિયાન બે-બે શાળાઓમાંથી 'બેડ બોયકહી હાંકી કાઢવામાં આવ્યો હોયપોતાની મસ્તીમાં ખલેલ પહોંચાડતા શાળાના બેલ ને જેણે ગુમ કરી દીધો હોયકડક શિસ્તના આગ્રહી પિતાના rules book નો ભંગ કરનારપિતાના ફરમાન સામે વિદ્રોહ કરનાર એક કિશોરના યુવાનીકાળમાં એવું તે શું પ્રગટ્યુ કે આગળ જતા સમસ્ત રાષ્ટ્ર એ  તેઓને રાષ્ટ્રના પ્રતિષ્ઠિત સન્માન એવા 'પદ્મશ્રી' ના  સન્માનથી નવાજ્યા.

      'કભી કભી'  કટાર લેખનથી વિશ્વમાં વસતા વાચકોના વાંચકોના દિલમાં સંવેદનાનો ચિત્કાર જગાવનાર લેખકપત્રકાર પદ્મશ્રી દેવેન્દ્રભાઈ પટેલે પોતાના હૃદયમાં સચવાયેલાં  ખટમીઠા સ્મરણો તાજાં કર્યા છે.  

તેમાં બાળસહજ તોફાનોની કથા છે. શાળાઓએ બનાવેલી રૂલ બુકના ભંગની કથા છે. શ્રેષ્ઠતાને પામવા પિતાએ આપેલા ફરમાનોની કથા છે. પિતાએ કરેલા ફરમાનો સામેના વિદ્રોહની કથા છે. શિક્ષા પછી જીવનના ઊર્ધીકરણની કથા છે. સહજ રીતે પેદા થયેલી શબ્દપ્રીતની કથા છે. પરંપરાગત પત્રકારત્વથી અલગ થવાના પ્રયાસની કથા છે. પ્રતિભા-સંપન્ન વ્યક્તિઓ સાથેના સાંનિધ્યની કથા છે. તમામ ક્ષિતિજોની પેલે પારના રોમાંચક પ્રવાસ અને પ્રવાહ પછી લાધેલા જીવન સૌંદર્ય અને જીવન દર્શનની કથા છે. 

કટાર લેખન, વાર્તા, નવકથા, ધારાવાહિક, નાટક, ફિલ્મ, વેબ સીરીઝ એમ સાહિત્યના અનેક ક્ષેત્રોમાં માતબર પ્રદાન કરવા છતાં  દેવેન્દ્રભાઈ પટેલ સાહિત્યકારને બદલે  નખશીખ પત્રકાર હોવાનું ગૌરવ અનુભવે છે.  તેઓનું જીવન પણ તેઓની કટાર કોલમ 'કભી - કભી જેવું અનેક જોખમોસાહસો અને રોમાંચથી ભરપૂર છે.

સંશોધનાત્મક પત્રકારત્વ, રાજકીય વિશ્લેષણ માટેનું તેઓનું બારીક નિરીક્ષણ અને ઊંડા અભ્યાસને કારણે ગુજરાતના તમામ મુખ્યમંત્રીઓ અને રાજકીય આગેવાનો સાથે તેમના સંબંધો હૂંફાળા રહ્યા છે. એટલું જ નહિ પરંતુ ભારતના જે તે સમયના વડાપ્રધાન સાથે પણ તેમના સંબંધો નિકટના રહ્યા છે. પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈ સાથે તેઓના સંબંધો ઘનિષ્ઠ રહ્યા છે. ઇન્દિરા ગાંધી જ્યારે વડાપ્રધાન હતાં  ત્યારે તેઓની સાથે એક જ કારમાં મુસાફરી પણ કરી. ઇન્દિરા ગાંધીને કારમાં ચણીબોર ખાતા પણ જોયા. આ ઉપરાંત તેઓ રાજીવ ગાંધીઅટલબિહારી વાજપાઈ સાથે અંગત મુલાકાતો પણ કરી. એવી જ રીતે પૂર્વ વડાપ્રધાન પી.વી.નરસિંહરાવ સાથે યમન યાત્રા પણ કરી. આ બધાં જ મધુર સ્મરણો આ પુ પુસ્તકમાં આબેહુબ આલેખ્યાં છે.



                     આ ઉપરાંત બોલિવૂડની હસ્તીઓ સાથે પણ તેઓએ અંગત મુલાકાતો કરી છે. રાજ કુમારદેવ આનંદ,  કિશોરકુમારમોહમ્મદ રફીપ્રદીપ કુમારસદીના મહાનાયક અમિતાભ બચ્ચનજયા બચ્ચન જેવા અનેક ફિલ્મી સિતારાઓ સાથે ઇન્ટરવ્યૂ કર્યા. પત્રકારત્વના વ્યવસાય માં શ્રેષ્ઠતાની ખોજ માટેનો પુરુષાર્થ રાજકારણીઓ કે ફિલ્મી સિતારાઓ સાથે જ ઈંટરેકશન પૂરતો સીમિત ન રાખ્યો. પરંતુ મુંબઈની અંધારી આલમના આકાઓનાં ઇન્ટરવ્યૂ કર્યા. મુંબઈ અન્ડરવર્લ્ડ ના એ સમયના ડોન હાજી મસ્તાન ના ઘરે જઈ ઇન્ટરવ્યુ કર્યો. મુંબઈના અંડરવર્લ્ડને નજીકથી નિહાળ્યું.

                    સમાજના વિવિધ ક્ષેત્રોની જે તે વખતની શ્રેષ્ઠ પ્રતિભાવો સાથે તેઓની અલપ-ઝલપ ચાલુ જ રહી. અમેરિકાના પૂર્વ રાજદૂત એ સમયના વિશ્વ વિખ્યાત અર્થશાસ્ત્રી પ્રા_ગાલબ્રીથઁ_દલાઇલામા,વિશ્વ વિખ્યાત વિજ્ઞાની આર્થર સી ક્લર્કજે.આર.ડી,તાતાલે. પ્રિન્સઆગાખાનજયપુરના મહારાણી ગાયત્રીદેવી સાથે મુલાકાત કરી ઇન્ટરવ્યૂ કર્યા છે.

      

દેવન્દ્રભાઈ પટેલની અત્યંત લોકપ્રિયતા તો સૌની નજરે ચડે છે પરંતુ એ લોકપ્રિયતાની પાછળ કેટલો પુરુષાર્થ રહેલો છે એ જાણવાનો પ્રયાસ બહુ ઓછા લોકો કરે  છે. શ્રેષ્ઠતાની ખોજ માટે  દેવેન્દ્રભાઈ  પટેલે જાનની બાજી લગાવી છે. પાકિસ્તાન ભીતર જઈ રીપોર્ટીંગ કરવની વાત હોય, ગુજરામાં થયેલા આંદોલન દરમિયાન વોહી રફતાર કોલમના પરચમથી સળગી ઉઠેલા ગુજરાત સમાચારની વાત હોય કે કુખ્યાત દાન ચોરના ઘેર જઈ ઈન્ટરવ્યું કરવાની વાત હોય કે પછી કોઇપણ જાતના ડર વિના કેટલાય લંપટ લોકોને બેનકાબ કરવાની વાત હોય !  આ પુસ્તકમાંથી પસાર થઈએ તો સમજાય કે પત્રકારિતા કેટલા સાહસ અને જોખમો ધરાવતો વ્યવસાય છે !

અત્યંત લોકપ્રિયતા અનેક જવાબદારી પણ સાથે લઈને આવે છે. અને માણસે વિનાકારણ  ઈર્ષ્યાનો ભોગ પણ બનવું પડે છે. આમાંથી દેવેન્દ્રભાઈ પણ બાકાત નથી. બેશુમાર લોકપ્રિયતાના કારણે તેઓ પણ જીવનના કોઈના કોઈ તબક્કે ઈર્ષાના ભોગ બન્યા જ છે. પરતું તેઓ આવા ઈર્ષાળુ અને ટીકાખોરોને સફાઈ આપવાને બદલે બધુને વધુ મહેનત કરી પોતાના કામથી જ જડબાતોડ જવાબ આપે છે. તેઓ કહે છે.  

1)"Sympathy you get but jealousy you have to earn"


2)
કાયરોને જ દુસ્મન હોતા નથી.

લેખક કહે છે " બીજા જન્મમાં મને વન ઉપવનનું ફુલ કે પારિજાતનું પુષ્પ બનવજો. હુ વગડામાં ખિલું તો વેરાન વગડાની શોભા બની શકું. કોઈ ઉપવનમાં ખિલું તો કોઈની આંખને આનંદ આપી શકું. કોઈ મને અડકે તો સુંવાળો સ્પર્શ આપી શકું. કોઈ ભ્રમર મારી પર બેસે તો મધુર રસ આપી શકું કોઈ મને ચૂંટી ને ઇશ્વર નાં ચરણો માં મુકે તો સૃષ્ટિના સર્જકને રાજી કરી શકું. કોઈ મારા અસ્તિત્વની નોંધ ના પણ લે તોય બસ નિજાનંદ માટે ખીલી ઊંઠુ."

       હા, તમારે પણ આ રોમાંચક સફરના સાક્ષી બનવું હોય તો આ પુસ્તક અચુક વાંચવું. રહ્યું.

પુસ્તકનું નામ અનુભૂતિ 

લેખક : દેવેન્દ્ર પટેલ 

મૂલ્ય : ૩૯૯ 

પુસ્તક પ્રાપ્તિ સ્થાન : નવભારત સાહિત્ય મંદિર, અમદાવાદ.

સંપર્ક :(૦૭૯) ૨૨૧૩૯૨૫૩, ૨૨૧૩૨૯૨૧

 - ઈશ્વર પ્રજાપતિ 

9825142620

નોંધ - પુસ્તક પરિશીલન માટે પુસ્તક  મોકલવાનું સરનામું. 
ઈશ્વર પ્રજાપતિ 
 X - ૩૦૩, પાવન સીટી, 
મેઘરજ રોડ,  મોડાસા. 
જિ. અરવલ્લી.  ૩૮ ૩૩ ૧૫ 

સંપર્ક : 9825142620

No comments:

Post a Comment