Sunday, August 29, 2021

"સંદેશ લાઈબ્રેરી"

ગુજરાતની એક  સરકારી પ્રાથમિક શાળામાં નિર્માણ પામે  અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ વાતાનુકુલિત

 "સંદેશ લાઈબ્રેરી"  

              


              કોઈ સરકારી પ્રાથમિક શાળામાં અંદાજે 80 લાખ જેટલી માતબર રકમના લોકસહિયોગથી લાઈબ્રેરી નિર્માણ પામે આ વાતની કલ્પના પણ  અત્યંત રોમાંચક છે. પરંતુ વરિષ્ઠ પત્રકાર આદરણીય દેવેન્દ્રભાઈ પટેલ સાહેબની પ્રેરણાથી  કલ્પના સમાન લાગતી વાત અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના અકરુન્દ ગામમાં હકીકત બની  સામે ઊભી છે. 

                આકરુન્દ ગામની સરકારી પ્રાથમિક શાળાના પરિસરમાં જ   મોર્ડન આર્કિટેક પ્લાન મુજબ વેલ ફર્નીસ્ડ ઉત્તમ સુવિધા યુક્ત  ભવ્ય અને આલીશાન બિલ્ડીંગ તૈયાર કરવામાં આવ્યું છે. ઉનાળા દરમિયાન વિદ્યાર્થીઓ આરામદાયક રીતે વાંચી શકે તે માટે લાઈબ્રેરી વાતાનુકુલીત (એર કન્ડિશન્ડ ) સુવિધા ઉપલબ્ધ છે.    અંતરિયાળ ગામડામાં વસતા ગરીબ વિદ્યાર્થીઓ માટે  શહેરમાં પણ ન મળે એવી અત્યાધુનિક સુવિધાઓથી "સંદેશ લાઈબ્રેરી"  સજ્જ છે. 

              કે.જી. થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓ માટે ઉપયોગી તમામ સાહિત્યથી "સંદેશ લાઈબ્રેરી" ને સમૃદ્ધ કરવામાં આવી છે. સવિશેષ  UPSC, GPSC, NIIT, SLET, TET, TAT જેવી વિવિધ  સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે ઉપયોગી સંદર્ભગ્રંથો  વસાવવામાં આવ્યા છે.  વિદ્યાર્થીઓની  જરૂરિયાત મુજબનાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી એમ ત્રણેય ભાષાના પુસ્તકો ઉપલબ્ધ છે. સાથે નાના બાળકો માટે ચિત્રવાર્તાઓ, બોધવાર્તાઓ, બાળવિશ્વકોશ, પ્રસન્નીકા, ભગવદ્ગોમંડલ,  એનસાક્લોપીડિયા  જેવા અતિ કિંમતી અને સાહિત્યના અણમોલ ખજાના સમાન અંતરંગ પુસ્તકોની વિશાળ શ્રેણી  લાઈબ્રેરીમાં વસાવવામાં આવી આવી છે.  મૂર્ધન્ય સાહિત્યકારોની અમર કૃતિઓ આ લાઈબ્રેરીની શોભા છે. ગામના નાગરિકો માટે ધાર્મિક સાહિત્ય પણ લાઈબ્રેરીમાં રાખવામાં આવ્યું છે.

             પુસ્તકો ઉપરાંત વિદ્યાર્થીઓ ડીઝીટલ પ્લેટફોર્મથી અભ્યાસ કરી શકે એ માટે ઈન્ટરનેટની સુવિધા સાથે કોમ્પ્યુટર, પ્રિન્ટર અને ફોટોકોપી મશીન પણ મોજુદ છે. જેથી વિદ્યાર્થીઓ ઓનલાઈન રિસર્ચ સ્ટડી કરી શકે છે.  વિદ્યાર્થીઓ ઓનલાઈન મોટિવેશન સ્પીચ, મુવી કે કોઈ લાઈવ કાર્યક્રમ નિહાળી શકે એ માટે વિશાળ Android  Smart   TV  અને Projector   પણ મુકવામાં આવનાર છે. 

            "સંદેશ લાઈબ્રેરી" પુસ્તક અને ડીઝીટલ ઉપકરણો  થકી અભ્યાસ કરવા મોકળું મેદાન તો પૂરું પાડે જ છે. સાથે સાથે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને સચોટ માર્ગદર્શન મળી રહે એ માટે દર મહિનાના બીજા શનિવારે "પ્રેરણા પરબ" નામે વ્યાખ્યાન માળા શરૂ કરી છે. જેમાં IAS, IPS જેવા ઓફિસર્સ વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ કરે છે.  આવનાર ઓફિસર વિદ્યાર્થીઓ સાથે મોકળા મને કારકિર્દી ઘડતર માટે માર્ગશન આપે છે. અને વિદ્યાર્થીઓને  સફળ થવા માટે પ્રોત્સાહિત કરે છે.  લાઈબ્રેરીમાં અભ્યાસ માટે આવનાર તમામ વિદ્યાર્થીઓને રોજ બપોરે નિઃશુલ્ક ચા-કોફી અને પૌષ્ટિક નાસ્તો પણ આપવામાં આવે છે. 

                 લાઈબ્રેરીના પ્રથમ  માળે  મલ્ટીપલ યુઝ થઈ શકે એવું અદ્યતન સાઉન્ડ  સિસ્ટમથી સજ્જ  ઓડિટોરિયમ બનવવામાં આવ્યું છે. જ્યાં વિદ્યાર્થીઓ માટે વિવિધ સેમિનારનું આયોજન કરવામાં આવે છે. સાથે સાથે બ્રેઈન સ્ટ્રોર્મિંગને લાગતી ટેબલ ટેનિસ, ચેસ, કેરમ, સ્કેટિંગ જેવી વિવિધ ઇન્ડોર ગેમ્સ ત્યાં મુકવામાં આવી આવી છે. મેટ્રો સિટીની શાળા - મહાશાળાઓમાં રમત-ગમત માટેનાં જેવાં મોંઘા સાધનો ઉપલબ્ધ   હોય, એવાં ટેબલ ટેનિસ, ચેસ, સ્કેટિંગ, કેરમ જેવી વિવિધ ગેમ્સ અહીં ઉપલબ્ધ કરાવ્યાં હોવાથી,   અંતરિયાળ ગામડાના બાળકો પણ વિવિધ બૌદ્ધિક રમતોનો આનંદ માણે છે.  બહાર ગામથી અભ્યાસ કરવા માટે આવતા વિદ્યાર્થીઓ માટે ભવિષ્યમાં અહીં રોકાવવાની  વ્યવસ્થા કરવાનું વિચારેલ છે.

     (લાઈબ્રેરીની  મુલાકાત લેતા માન. શિક્ષણ મંત્રીશ્રી ભૂપેંદ્રસિંહ ચુડાસમા સાહેબ)

            લાઈબ્રેરી અને આખું શાળા પરિસર Wi-Fi Contacted  CCTV કેમેરાથી  સુરક્ષિત છે. વ્યવસ્થાપક  બહાર હોય તો પણ મોબાઈલ દ્વારા લાઈબ્રેરીની દેખરેખ રાખી શકે છે.   લાઈબ્રેરી સવારના 7:00 વાગ્યા થી સાંજના 7:00 વાગ્યા સુધી આબાલવૃદ્ધ સૌ માટે  ખુલ્લી છે. ગામડાની કેટલીય પ્રતિભાઓ સુવિધા અને માર્ગદર્શનના અભાવે ગામડાની કેટલીય પ્રતિભાઓનું ભાવિ અંધકાર મય બની જતું હોય છે.  એટલે આવા પ્રતિભાસંપન્ન વિદ્યાર્થીઓના જીવન ઉત્કર્ષ માટે "સંદેશ લાઈબ્રેરી" એ યજ્ઞકાર્યનો શુભારંભ કર્યો છે.  અને એટલે જ નોંધનીય બાબત એ છે કે  શ્રેષ્ઠત્તમ સુવિધાઓ માટે એક પણ રૂપિયો ફી લેવામાં આવતી નથી. સૌ કોઈ માટે સઘળી સુવિધા વિનામૂલ્યે ! 

       લાઈબ્રેરી નિર્માણ  માટે દાતાઓ ધોધમાર વરસ્યા છે. લાઈબ્રેરીના નિર્માણ માટે "સંદેશ" અખબારના CMD આદરણીય ફાલ્ગુનભાઈ પટેલ સાહેબે  માતબર દાન આપ્યું છે. આવા વિરલ દાતાઓના દાનની સરવાણીથી જ અરવલ્લીના નાના અમથા ગ્રામીણ વિસ્તારમાં બેજોડ લાઈબ્રેરીનું નિર્માણ કાર્ય શક્ય બન્યું. 


- ઈશ્વર પ્રજાપતિ

(આચાર્ય , આકરુંદ  આદર્શ પ્રા. શાળા)

(આપના પ્રતિભાવો નીચેના વોટ્સએપ નં. પર મોકલી શકો છો.)

98251 42620, (whatsapp)

63517 86155

4 comments: