name='viewport'/> ISHWAR PRAJAPATI'S STUDY ROOM: સન્ડે સ્પેશિયાલ

Sunday, May 10, 2026

સન્ડે સ્પેશિયાલ

યુદ્ધભૂમિ પર સારવારના અભાવે તરફડી રહેલા ઘાયલ  સૈનિકો જોઈ હેનરી ડ્યુનાન્ટનું હૈયું હચમચી ઊઠ્યું અને....

માનવસેવાને સમર્પિત રેડક્રોસ સોસાયટીના ઈતિહાસની  એક અદભૂત ગાથા.

૮ મે ના રોજ વિશ્વભરમાં  આંતરરાષ્ટ્રીય  રેડક્રોસ દિનની ઉજવણી કરવામાં આવી. માનવ સેવાને સમર્પિત વિશ્વવ્યાપી રેડક્રોસની સ્થાપનાનો ઈતિહાસ રોચક છે. રેડ ક્રોસની સ્થાપના પાછળ એક ખૂબ જ પ્રેરણાદાયી કથા છે જે બહુ ઓછા લોકો જાણે છે.

તારીખ ૨૪ જૂન, ૧૮૫૯.ની આ વાત છે.! સોલ્ફેરીનોનું યુદ્ધ જામી ચુક્યું હતું.  એક તરફ ફ્રાન્સ (નેપોલિયન ત્રીજાના નેતૃત્વમાં) અને ઈટાલીનું ગઠબંધન હતું, જ્યારે બીજી તરફ ઓસ્ટ્રિયન સામ્રાજ્ય હતું. આ યુદ્ધ ૧૫ કલાક સુધી ચાલ્યું હતું, જેમાં લગભગ ૩ લાખ સૈનિકો સામસામે લડ્યા હતા.

એ સમયે સ્વિસ બિઝનેસમેન હેનરી ડ્યુનાન્ટ પોતાના કામ માટે નેપોલિયન ત્રીજાને મળવા જઈ રહ્યા હતા. જ્યારે તેઓ સોલ્ફેરીનો પહોંચ્યા, ત્યારે તેમણે રણમેદાનની ભયાનકતા જોઈ. હજારો સૈનિકો પાણી અને સારવાર માટે બૂમો પાડી રહ્યા હતા.યુદ્ધમાં હજારો સૈનિકો મોતને ભેટ્યા હતા તો બીજા હજારો ઘાયલ  સૈનિકો  સારવારના અભાવે તરફડી રહ્યા હતા. તે સમયે સૈન્ય પાસે પૂરતી મેડિકલ સુવિધા નહોતી, જેના કારણે ઘાયલ સૈનિકો તડપી-તડપીને મરી રહ્યા હતા.આ ઘટનાએ તેમને હચમચાવી દીધા અને તેમણે પોતાનું કામ પડતું મૂકીને સ્થાનિક લોકોની મદદથી ઘાયલોની સેવા કરી.

ડ્યુનાન્ટે પોતાનો બિઝનેસ ભૂલીને ત્યાંના સ્થાનિક લોકો (ખાસ કરીને મહિલાઓ) ને એકઠા કર્યા. તેમણે એક ચર્ચ (Chiesa Maggiore) ને હંગામી હોસ્પિટલમાં ફેરવી નાખ્યું. તેમણે દુશ્મન કે મિત્ર જોયા વગર દરેક ઘાયલ સૈનિકની સેવા કરી. જ્યારે લોકોએ પૂછ્યું કે તમે દુશ્મનોને કેમ બચાવો છો? ત્યારે ડ્યુનાન્ટે સૂત્ર આપ્યું: "Tutti Fratelli" (તેઓ બધા આપણા ભાઈઓ છે).

ઘરે પાછા ફર્યા પછી ડ્યુનાન્ટ તે દ્રશ્યો ભૂલી શક્યા નહીં અને તેમણે 'A Memory of Solferino' પુસ્તક લખ્યું. અને એક એવી સંસ્થાનો વિચાર રજૂ કર્યો જે યુદ્ધમાં ઘાયલોની નિઃસ્વાર્થ સેવા કરે. સોલ્ફેરીનોના યુદ્ધ પછી, હેનરી ડ્યુનાન્ટના વિચારોએ વિશ્વના દેશોને વિચારતા કરી દીધા. તેના પરિણામે જિનીવા કન્વેન્શન (Geneva Conventions) અસ્તિત્વમાં આવ્યું, જે આજે યુદ્ધના કાયદા તરીકે ઓળખાય છે. અને  રેડ ક્રોસનો પાયો નાખ્યો: તેમણે દુનિયા સામે બે મુખ્ય પ્રસ્તાવ મૂક્યા: ૧.શાંતિના સમયમાં જ દરેક દેશમાં સ્વૈચ્છિક રાહત મંડળો બનાવવામાં આવે. ૨. યુદ્ધમાં ઘાયલોની સેવા કરનારાઓને 'તટસ્થ' ગણીને તેમના પર હુમલો ન થાય તેવો આંતરરાષ્ટ્રીય કરાર થાય. આ વિચારને અમલમાં મૂકવા માટે ૧૮૬૩માં જિનીવા (સ્વિટ્ઝર્લેન્ડ) ખાતે 'કમિટી ઓફ ફાઈવ'ની રચના થઈ, જે પાછળથી ઇન્ટરનેશનલ કમિટી ઓફ ધ રેડ ક્રોસ (ICRC) તરીકે ઓળખાઈ. આમ, સોલ્ફેરીનોનું લોહિયાળ યુદ્ધ એ આધુનિક માનવતાવાદી કાયદા અને રેડ ક્રોસ સંસ્થાના જન્મનું મુખ્ય કારણ બન્યું.

રેડક્રોસનું ચિન્હ સ્વિટ્ઝર્લેન્ડના ધ્વજ (લાલ ધ્વજ પર સફેદ ક્રોસ) ના રંગોને ઉલટાવીને બનાવવામાં આવ્યું છે. આ પ્રતીકનો હેતુ ધાર્મિક નથી, પરંતુ તે એક તટસ્થ ઓળખ છે, જેથી યુદ્ધમાં દુશ્મન દેશના સૈનિકો પણ આ ચિન્હ જોઈને ફાયરિંગ ન કરે અને રાહત કાર્ય ચાલુ રહી શકે. મુસ્લિમ દેશોમાં રેડ ક્રોસના સ્થાને રેડ ક્રેસન્ટ (લાલ અર્ધચંદ્રાકાર) પ્રતીકનો ઉપયોગ થાય છે.

હેનરી ડ્યુનાન્ટનો જન્મ ૮ મે, ૧૮૨૮ ના રોજ જિનીવા, સ્વિટ્ઝર્લેન્ડમાં થયો હતો. ડ્યુનાન્ટે  પોતાનું આખું જીવન અને સંપત્તિ માનવતાના કામમાં લગાવી દીધી હતી. એક સમયે તેઓ ખૂબ જ ગરીબ થઈ ગયા હતા અને જિનીવા છોડીને એક નાનકડા ગામમાં રહેવા જતા રહ્યા હતા. અંતે જ્યારે તેમને નોબેલ પુરસ્કાર મળ્યો, ત્યારે તેમણે તે રકમ પણ ચેરિટીમાં આપી દીધી હતી. તેમને "માનવતાના પિતા" તરીકે પણ ઓળખવામાં આવે છે. ૩૦ ઓક્ટોબર, ૧૯૧૦ ના રોજ હેડન, સ્વિટ્ઝર્લેન્ડમાં થયું.

રેડક્રોસ એટલે માત્ર એક લાલ રંગનું નિશાન નહીં, પણ વિશ્વભરમાં કરોડો લોકો માટે આશાનું કિરણ છે. યુદ્ધ હોય, કુદરતી હોનારત હોય કે મહામારી, જ્યાં માનવતા મુશ્કેલીમાં હોય ત્યાં રેડક્રોસ હાજર હોય છે.  આજે ૧૯૦થી વધુ દેશોમાં રેડ ક્રોસ અને રેડ ક્રેસન્ટ સોસાયટીઓ કાર્યરત છે. રેડક્રોસને અત્યાર સુધીમાં ૩ વાર (૧૯૧૭, ૧૯૪૪, ૧૯૬૩) નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યો છે.

પ્રથમ વિશ્વયુદ્ધ (૧૯૧૪-૧૯૧૮) દરમિયાન, ભારતમાં ઘાયલ સૈનિકોની સેવા અને રાહત કાર્યો માટે 'સેન્ટ જોન એમ્બ્યુલન્સ એસોસિએશન' અને 'રેડક્રોસ' ની એક સંયુક્ત સમિતિ કાર્યરત હતી. યુદ્ધના અંત પછી, એક કાયમી સંસ્થાની જરૂરિયાત અનુભવાઈ જે શાંતિના સમયમાં પણ આપત્તિ વ્યવસ્થાપન અને આરોગ્ય સેવાઓ પૂરી પાડી શકે. ભારતમાં રેડક્રોસની સ્થાપના માટે બ્રિટિશ ભારતની તે સમયની ધારાસભામાં એક ખરડો પસાર કરવામાં આવ્યો હતો. ૩ માર્ચ, ૧૯૨૦ ના રોજ 'ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી એક્ટ' (1920 ના એક્ટ XV) પસાર થયો.આ કાયદા હેઠળ ૨૦ માર્ચ, ૧૯૨૦ ના રોજ 'ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી' (IRCS) ની વિધિવત સ્થાપના કરવામાં આવી. સર સી.એચ. સેટલવાડ ભારતીય રેડક્રોસ સોસાયટીના પ્રથમ ભારતીય અધ્યક્ષ બન્યા હતા.આજે ભારતમાં ૧,૧૦૦ થી વધુ શાખાઓનું વિશાળ નેટવર્ક છે, જે ગામડાઓ અને જિલ્લા કક્ષા સુધી વિસ્તરેલું છે. ભારતના રાષ્ટ્રપતિ આ સંસ્થાના પ્રેસિડેન્ટ હોય છે અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી તેના ચેરમેન હોય છે.

 ગુજરાતમાં રેડ ક્રોસની ૧૯૬૦ માં તેની સ્થાપના થઈ હતી. ૧૯૬૦ સુધી રેડ ક્રોસ સંગઠન બરોડા, રાજકોટ, જૂનાગઢ, કપડવંજ, દેવગઢ-બારિયા, અમદાવાદ વગેરે જેવા અનેક ભૂતપૂર્વ રજવાડા હેઠળ કાર્યરત હતું. ૧૯૬૦માં ભૂતપૂર્વ બોમ્બે રાજ્યનું ગુજરાત અને મહારાષ્ટ્ર એમ બે રાજ્યોમાં વિભાજન થવાના પરિણામે, ભારતીય રેડ ક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખાની ઔપચારિક રચના કરવામાં આવી.

ભારતીય રેડક્રોસની ગુજરાત શાખા પણ અત્યંત સક્રિય છે. ખાસ કરીને ૨૦૦૧ના કચ્છના ધરતીકંપ સમયે અને તાજેતરમાં કોરોના મહામારી દરમિયાન રેડક્રોસના સ્વયંસેવકોએ પાયાની કામગીરી કરી હતી. હાલ અજયભાઈ એચ. પટેલ  ગુજરાત રેડ ક્રોસ સોસાયટીના અધ્યક્ષ છે. તેમના નેતૃત્ત્વમાં ગુજરાત શાખા ઉત્તમ કાર્ય કરી રહી છે.  બ્લડ ડોનેશન કેમ્પ અને થેલેસેમિયા પીડિત બાળકોની સેવામાં ગુજરાત રેડક્રોસ મોખરે છે.

અરવલ્લી જીલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે પણ વર્ષ ૨૦૧૫ માં રેડ ક્રોસ સોસાયટીની શાખા કાર્યરત કરવામાં આવી. છેલ્લા એક દાયકામાં અરવલ્લીના અંતરિયાળ વિસ્તારમાં રેડ ક્રોસે સીમાચિહ્ન રૂપ કામગરી કરી બતાવી છે. તાજેતરમાં જ મોડાસા રેડક્રોસ સોસાયટીની મુખ્ય ધુરા વનીતાબેન પટેલે સંભાળી છે. વનીતાબેનનો સમગ્ર પરિવાર સમાજસેવા સાથે દાયકાઓથી જોડાયેલો છે. તેમના નેતૃત્ત્વમાં મોડાસા રેડક્રોસ સોસાયટી દ્વારા થતાં માનવસેવા કાર્યોને નવી દિશા અને નવો વેગ મળ્યો છે.  

રેડ ક્રોસ સોસાયટી મોડાસા દ્વારા અનેક સવલતો પૂરી પાડવામાં આવે છે જેવી કે રાહત દરે પેથોલોજી લેબોરેટરી,ડેન્ટલ વિભાગ,સુપર ઓ.પી.ડી. વિભાગ,ફસ્ટ એઇડ તાલીમ,હોમ કેર આસીસ્ટન કોર્સ,હેલ્થ કેર એટેન્ડન્સ,મેડીકલ સર્જીકલ સાધનો,બ્લડ કલેશન વાન,પર્યાવરણ જાગૃતિ અભિયાન,આરોગ્ય લક્ષી કેમ્પ,જન્મથી સાંભળી ન શકતા બાળકો માટે ડિવાઈઝ, ડીઝાસ્ટર મેનેજમેન્ટ તાલીમ,મોબાઈલ મેડીકલ વાન.અને આ સિવાય પણ બીજી અનેક સેવાઓથી રેડક્રોસ સોસાયટી ધમધમે છે.

આગામી સમયમાં મોડાસામાં બ્લડ બેંક અને પેથોલોજી સેન્ટર સ્થાપવા માટે ચેરમેન વાનીતાબેને કમર કસી છે. જેના માટે સરકાર શ્રી તરફથી જમીન પણ ફાળવવા આવી છે. બ્લડબેંક અને પેથોલોજી સેન્ટરનું મોડાસા રેડક્રોસ સોસાયટીનું સ્વપ્ન નજીકના ભવિષ્યમાં જરૂર સાકાર થશે.

૧૯૨૦માં એક નાનકડા કાયદાથી શરૂ થયેલી આ સંસ્થા આજે ભારતભરમાં ૧૧૦૦ થી વધુ શાખાઓ ધરાવે છે. 'સેવા પરમો ધર્મ' ના સૂત્રને સાર્થક કરતી ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી ભારતના આરોગ્ય માળખાનો એક મજબૂત સ્તંભ છે.

રેડ ક્રોસ સોસાયટીના માનવતાના મહા યજ્ઞમાં જોડાવા અને તેની સેવાઓની વિસ્તૃત માહિતી માટે ચેરમેન વનિતાબેન પટેલનો સંપર્ક કરી શકે છે.

સંપર્ક : વનિતાબેન પટેલ (ચેરમેન રેડક્રોસ સોસાયટી મોડાસા, અરવલ્લી) : +919898544285


 - ઈશ્વર પ્રજાપતિ 

9825142620

No comments:

Post a Comment