Sunday, July 6, 2025

સન્ડે સ્પેશિયલ

 

પુરુષાર્થનું પ્રેરણાતીર્થ : મનસુખદાદા ઉર્ફે મનસુખભાઈ મોતીભાઈ ડીંડોર

 


            મનસુખદાદા ઉર્ફે મનસુખભાઈ મોતીભાઈ ડીંડોર.

    ભાગ્યેજ કોઈ આ નામથી પરિચિત હશે ! સંતરામપુર તાલુકા છેવાડાના આદિવાસી વિસ્તારમાં આશરે નવ દાયકા પહેલાં એક સાવ સાધારણ પરિવારમાં જન્મેલી અને એક નિરક્ષર વ્યક્તિ પ્રચંડ પુરુષાર્થના બળે સંતાનોનું એવું જીવન ઘડતર કરે કે તેમના પુત્ર ગુજરાતના કેબિનેટ કક્ષાના શિક્ષણમંત્રી પદે પહોંચી આખા ગુજરાતના શિક્ષણજગતનું માર્ગદર્શન કરે આ વાત માન્યામાં આવે ખરી??? ! દંતકથા સમાન લાગતી આ વાત માન્યામાં ન આવે તેવી છે. અશક્ય લગતી આ વાત મનસુખદાદા અને તેમના પરિવારે કઠોર પરિશ્રમ કરી સત્ય પુરવાર કરી છે.

      ગુગલ મેપમાં ‘ભંડારા’ ગામનું નામ લખી શોધવા પ્રયત્ન કરો તો કદાચ ગુગલ પણ ગોથે ચડે તો નવાઈ નહિ.. આ ગામના સીમાડે પહોંચી ગામની ભૌગોલિક સ્થિતિનું નિરિક્ષણ કરીએ અને અહીં વસતા આદિજાતિ પરિવારોની  સામાજિક સ્થિતિને નિકટથી નિહાળીએ તો આપણે કલ્પના પણ ન કરી શકીએ કે માનવી આવી કપરી પરિસ્થિતિમાં જીવન કેટલું દોહ્યલું છે !  રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાત રાજ્યની સીમાની ત્રિભેટે આવેલા મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ભંડારા ગામમાં અત્યંત ગરીબ આદિજાતિ પરિવારમાં આજથી નવ દાયકા પહેલાં મનસુખભાઈનો જન્મ થયો. આ વિસ્તારની આજની સ્થિતિ જોઈએ તો પણ કલ્પી શકાય કે નવ દાયકા પહેલાં આ વિસ્તારના શું હાલ હશે? ગરીબી, કુરિવાજો, નિરક્ષરતા, અંધશ્રદ્ધા અને  બીજી અનેક બદીઓથી સમાજ ખદબદે ! મનસુખભાઈની કસોટીનો કાળ બાળપણથી જ શરૂ થયો. આશરે પાંચ વર્ષની ઉંમરે પિતાની છત્રછાયા ગુમાવી. પરિવારની આર્થિક સ્થિતિ તો એટલી દયનીય કે  દિવસે મજૂરી કરે તો જ  રાત્રે ધાન ભેગા થવાય. ભર્યાભાદર્યાં પરિવારનું ગુજરાન ચલાવવું લોઢાના ચણા ચાવવા બરાબર હતું. ઘરના નામે ઘાસની બનાવેલી એક ઝૂંપડી ! ઘાસની ઝુંપડીમાં ઉનાળો તો કેમેય કરી પસાર થઇ જતો પણ શિયાળો અને ચોમાસું પસાર કરવું તો કરવું શી રીતે ? એની કલ્પના માત્ર કંપાવી દેતી.  શિયાળાની કાતિલ ઠંડીથી બચવા ગરમ કપડા તો ક્યાંથી હોય ! એટલે ડાંગરના પરાળની પથારી કરી સૂઈ જવાનું.. અને ચોમાસામાં જો એક કલાક વરસાદ વરસી પડે તો પછી આખી રાત છત વરસે.. બાળપણથી જ ભાગ્યમાં કાળી મજૂરી લખાઈ હતી ! કાળી મજૂરી કરીને પરિવાર  પેટીયું રળે.

        કપરી પરિસ્થિતિએ તેમના જીવનનું ઘડતર કર્યું. ખુદ્દારી અને ખુમારી તેમના જીવનનાં આભુષણ હતા. યુવા વયે અંબાબેન સાથે લગ્નગ્રંથીથી જોડાયા. જીવનના પડકારો સામે આ દંપતીએ સાથે મળી બાથ ભીડવાનો મનસુબો બનાવ્યો. દિવસ રાત કાળી મજૂરી કરે. કુદરત પણ જયારે કસોટી કરવા ધારે છે ત્યારે કોઈ કચાસ છોડતી નથી. એ અરસામાં દુકાળના દિવસો પણ આવ્યા. ક્યારેક તો માત્ર પાણી પીને પેટ ભરવું પડતું. ક્યારેક મહુડા બાફીને પેટ ભરવું પડતું.  “દુઃખનું ઓસડ દાહાડા”  આ સમય પણ પસાર થઇ ગયો. સમય જતાં પાંચ પુત્રો અને એક પુત્રીથી પરિવાર ભર્યો ભર્યો બન્યો.

          મનસુખભાઈ પોતે ભલે નિરક્ષર હતા પરંતુ ભણતરનું મૂલ્ય બરાબર સમજતા હતા. એમને મનમાં ગાંઠ વળી હતી કે “હું  ભલે કાળી મજૂરી કરીશ પરંતુ મારાં સંતાનોને ઉત્તમ શિક્ષણ આપવામાં કોઈ કસર નહીં છોડું.” સંતાનો ભણવામાં તો હોશિયાર સાથે સાથે વિચારશીલ પણ એટલા જ. માતા-પિતાને કાળી મજૂરી કરતા જોઈ તેમનું હૃદય પણ ભરાઈ આવતું. એટલે સંતાનો શનિ-રવિ અને રજાના દિવસોમાં માતાપિતા સાથે મજૂરી કરવા ઉપડી જાય,. પાટીપેન પકડવાની ઉંમરે એ કુમળા હાથ મજુરી માટેના ઓઝારો પકડવા મજબૂર હતા. એ સમયે આખા દિવસની મજૂરી કરે ત્યારે માંડ  ચાર રૂપિયા હાથ લાગે. એમ છતાં ચાર રૂપિયા ચારસો જેટલા લગતા.. માતા-પિતા ભણતરનું મુલ્ય પામી ગયાં હતાં એટલે સંતાનોને પૂર્ણ સમય મજૂરી ન જ કરાવી. અને સતત ભણતર તરફ જ વાળ્યા..  માતા-પિતા ભલે નિરક્ષર હતાં પરંતુ ભણતરનું મૂલ્ય સુપેરે જાણતાં. પોતે કાળી મજૂરી કરીને પણ સંતાનોનો  અભ્યાસ ન બગાડે એનું ખાસ ધ્યાન રાખતાં.

        સંતરામપુર વિસ્તારના આદિવાસી ભાઈઓ અને બહેનો ઉનાળાની શરૂઆત થતાં જ વતન છોડી ઉત્તર ગુજરાત તરફ મજૂરી કામ કરવા જવા મજબૂર હતાં. મનસુખભાઈ પણ ઉત્તર ગુજરાત  માણસા તાલુકાના ગામોમાં મજૂરી માટે અવરજવર ચાલુ કરેલી. ૧૯૮૭માં  માણસા તાલુકાના ઇદ્રપુરા ગામે જઈ જમીનદાર પાટીદારને ત્યાં ખેતરમાં બાજરી વાઢવાનું કામ કર્યું.. બાજરીની સીઝનમાં  બાજરી વાઢવાણી મજૂરી પેટે દિવસની પાંચ – સાત કિલો બાજરી મળતી. પાંચ સાત મણ અનાજ ભેગું થાય એ લઇ વતનમાં આવતા. ૧૯૮૬ -૮૭ -૮૮ નાં વર્ષો દરમિયાન ઇદ્રપુરા ગામે  પાટીદારને ત્યાં મજુરી કામ કર્યું એ પરિવાર સાથે પારિવારિક નાતો બંધાયો.

મનસુખદાદા જીવનમાં આવી પડેલા પડકારો સામે અડગ રહ્યા. તેમને લાગતું હતું કે જીવનમાં કપરા સંજોગોનો સામનો કરવો પડે તો પણ હિંમત અને નિષ્ઠા ક્યારેય છોડવી નહીં. આ ભાવના ભાવિ પેઢીને જીવનમાં સંઘર્ષ સાથે આગળ વધવા પ્રેરણાદાયી છે. તેઓ  આજીવન સત્યના પક્ષધર રહ્યા. અંગત વ્યક્તિગત સ્વાર્થ માટે તેમણે ક્યારેય પોતાના સિદ્ધાંતો સાથે બાંધછોડ કરી નહિ. સાચી વાત કરવામાં જરા પણ પાછીપાની કર્યા વગર ભલ ભલા ચમરબંધીની પણ શરમ રાખ્યા વિના રોકડું પરખાવી દેતા.

         જીવનના કપરા દિવસોમાં પોતે પારાવાર કષ્ઠ વેઠયું પરંતુ સંતાનોને શિક્ષા – દીક્ષા આપવામાં કોઈ કસર છોડી નહિ. પોતે પેટે પાટા બાંધીને જીવ્યા પરંતુ સંતાનોના ભણતર ગણતર માટે કોઈ બાંધછોડ કરી નહિ. કુદરત કસોટી જેટલી આકરી કરે તેનું ફળ પણ એટલું જ મધુર આપે છે. આખરે મનસુખદાદાના પરિવાર માટે સોનાનો સૂરજ ઉગ્યો. તેમના પાંચ પુત્રોમાં સૌથી મોટા પુત્ર હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે સેવાઓ આપી. જયારે તેમના બીજા એક પુત્ર કે જેઓ તલોદ કોલેજમાં પ્રોફેસર જેવા પ્રતિષ્ઠિત પદ પર પહોંચ્યા. એટલું જ નહિ પરંતુ લોકસેવાના કાર્યો કરતા કરતા ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રીનું પદ તેઓ આજે શોભાવી રહ્યા છે. જેઓને દુનિયા ડૉ. કુબેરભાઈ મનસુખભાઈ ડીંડોરના નામે ઓળખે છે.

        પોતાનો પુત્ર ગુજરાત રાજ્યના કેબીનેટ કક્ષાના મંત્રી હોવા છતાં મનસુખદાદા ગાંધીનગરની સુખ સાહેબીથી હમેશા દૂર જ રહ્યા. ક્યારેક ગાંધીનગર જાય તો માંડ એકાદ દિવસ રોકાઈને વતન ભંડારામાં પરત આવી જતા. ગાંધીનગર જવાનું થાય ત્યારે પોતાના પુત્ર અને ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી ડૉ કુબેરભાઈને કહેતા “બેટા ! સંપ્પન વ્યક્તિનું કામ તો કોઇપણ કરી આપશે. પરંતુ કોઈ ગરીબને ધક્કો ન પડે એની કાળજી લેજો ! ગરીબના કામ કરવામાં ક્યાય કચાસ ન રહી જાય એ જોવું આપણી પ્રથમ ફરજ છે.” ડૉ. કુબેરભાઈએ પિતાની આ વાત બરાબર ગાંઠે બાંધી છે. અને એટલે જ પોતાના કાર્યાલયના દરવાજા સૌ કોઈ માટે ખુલ્લા મૂકી દીધા છે.

ભંડારા ગામમાં તેમનો પરિવાર જે મકાનમાં રહે છે એ જોતાં કોઈ માની જ ન શકે કે આ ગુજરાતના કોઈ કેબીનેટ મીનીસ્ટરના પરિવારનું મકાન છે. આ સ્થાને પહોંચ્યા પછી પણ આ પરિવારે પોતાની સળગી જાળવી રાખી છે. સત્તા અને સુખ આ પરિવારે પચાવી જાણ્યું છે. આકાશે આંબતી સફળતા છતાં પગ ધરતી સાથે જોડી રાખ્યા છે. આ મનસુખદાદા અને અંબાબેને આપેલા સંસ્કારોનું જ પરિણામ છે.

પુરુષાર્થના સાચા પ્રેરણાતીર્થ સમાન મનસુખદાદા ૮૮ વર્ષનું ઓજસ્વી આયુષ્ય ભોગવી તારીખ ૨ જુલાઈ ૨૦૨૫ ના રોજ અંતિમ શ્વાસ લઈ અનંત યાત્રાએ  ચાલી નીકળ્યા. ધૂપસળી જેવું જીવન સૌ કોઈ માટે એક મિશાલ રૂપ છે. તેઓ ભલે સદેહે આપણી વચ્ચે નથી પણ મનસુખદાદાએ જે  વિચારબીજનું   વાવતર કર્યું છે આગામી અનેક  પેઢીઓને  એનાં મીઠાં ફળ પ્રાપ્ત થતાં રહેશે.

- ઈશ્વર પ્રજાપતિ 

9825142620

6351786155