"ભારત જેવી પવિત્ર ભૂમિ મળવાની નથી. दुर्लभम भारते जन्म।" : પ્રકાશ શાહ.
વર્ષોથી અમેરિકામાં વસવાટ કરતા હોવા છતાં નખશિખ જેઓ સવાયા ભારતિય છે, માતૃભૂમિની માટીને જેઓ અંતરના ઊંડાણથી ચાહી છે. ગાંધીયન ફિલોસોફી જેમના જીવનમાં વણાયેલી છે એવું મુઠ્ઠી ઊંચેરું એક નામ એટલે પરમ આદરણીય પ્રકાશભાઈ કે. શાહ સાહેબ.
આંતરરાષ્ટ્રીય અનેક વિરલ વિભૂતિઓ સાથે અંગત ઘરોબો ધરાવતા હોવા છતાં તેમના સ્વભાવની સાદગી પર મોહી પડાય છે. તેમના સેવા ક્ર્યોની સૌરભ ચોમેર પ્રસરતી રહે છે એમ છતાં તેમના સેવાકાર્યો વિશે વાત કરીએ તો તેઓ કહે છે "હું તો મિટ્ટી નો ઠુર છું. માતૃ ભૂમિનું તર્પણ કરવા આવું છું." આ શબ્દો સાંભળતા જ આ વિરલ વિભૂતિના ચરણ સ્પર્શ કરવાની ઈચ્છા રોકી શકાતી નથી.
16 ડિસેમ્બર 2023 ના રોજ ગાંઘીનગર પુનીતવનમાં મોર્નિંગ વોક્ દરમિયાન આદરણીય પ્રકાશભાઈ શાહ સાથે સુદીર્ઘ વાર્તાલાપ થયો હતો. તેનો પ્રથમ ભાગ શબ્દશઃ અહીં પ્રસ્તૂત છે.
પ્રકાશ શાહ કહે છે. :
"આ ગાંધીનો દેશ છે. ગાંધીના આત્માને કેટલું દુઃખ થતું હશે? ભારતને આઝાદી તો મળી પણ આર્થિક આઝાદી આજે પણ નથી મળી શકી. હિંદુ શાસ્ત્રો મુજબ આત્મા મરતો નથી. અજર અમર છે. એટલે ભારતની આ સ્થિતિ જોઈ બાપુનો આત્મા જ્યાં પણ હશે ત્યાં દુઃખી હશે.
બ્રિટિશ શાસનને આપણને સંપૂર્ણ ગુલામ બનાવી દીધા હતા. એમાં બ્રિટિશરોનો વાંક નથી. એમણે તો દુનિયાને ગુલામ બનાવવી હતી. એમને તો દુનિયા ઉપર રાજ કરવું હતું. એ માટે જે પણ કરવું પડે એ કર્યું. પણ ગાંધીજીનું વિઝન શું હતું? કોઈ પણ કિંમતે મારે આઝાદી જોઈએ છે. મારો દેશ કોઈનો ગુલામ ના હોવો જોઈએ.
અંગ્રેજ લોકો શાતિર હતા. એનાલીસિસ કરીએ તો સમજાય કે જે તે સમયે અંગ્રેજોએ જ એવા વાતાવરણનું નિર્માણ કરાવ્યું કે ભારતના ભાગલા થાય. મહંમદ જિન્નાહે બળતામાં ઘી હોમવાનું કામ કર્યું. એક બાજુ દેશ આઝાદીનો જશ્ન મનાવવાની તૈયારીમાં લાગેલો હતો તો બીજી બાજુ લાખો લોકોની કત્લેઆમ થઈ રહી હતી. નોઆખલીમાં હિંદુ મુસ્લિમ રમખાણો ફાટી નીકળ્યાં. અંગ્રેજો એ સાબિત કરવાની ફિરાકમાં હતા કે "ભારતને અમે તો આઝાદી આપી પરંતું આ દેશના લોકો એટલા પછાત છે કે તેઓ આઝાદી મેળવી સારી રીતે દેશ ચલાવી શકશે નહી. એટલે એમના પર અગ્રેજો એ જ પોતાનું શાસન ચાલુ રાખવું." આવી મેલી મુરાદ અંગ્રેજો સેવતા હતા.
જિન્નાહને ભારતનું વિભાજન કરી પ્રેસિડેન્ટ ઓફ પાકિસ્તાન બની રાજ કરવું હતું. એ પોતે જાણતો જતો કે એ ટી.બી. ના રોગથી પીડાય છે. એક વર્ષથી વધુ તો એ જીવી શકે એમ પણ નહોતો. એમ છતાં સત્તા મેળવવાના અંગત સ્વાર્થ ખાતર એને પાકિસ્તાનનું જ બહુ મોટું નુકશાન કર્યું છે. ભગવદ્ ગીતામાં પણ ભગવાને કહ્યું છે, જ્યાં સ્વાર્થ હોય ત્યાં માણસ નિષ્કામ ભાવે કામ નથી કરતો. સત્તા લોલુપતા માણસને અંધ બનાવી દે છે. જિન્નાહએ માત્ર અંગત સ્વાર્થ માટે દેશના ભાગલા પાડ્યા. જિન્નાહએ પાકિસ્તાનનું જેટલું નુકશાન કર્યુ છે એટલું બીજા કોઈએ નથી કર્યું. જીન્નાહની સ્વાર્થવૃત્તિ પરાકાષ્ઠાએ હતી .એ ઈચ્છતો હતો કે ભલે થોડા જ મહિનામાં ટી .બી. કારણે મારું મૃત્યુ થાય. પરંતુ મારતાં પહેલાં પ્રેસિડેન્ટ ઓફ પાકિસ્તાન બની ને જ રહું.
જ્યારે આપણા સરદાર પટેલની વાત ન્યારી હતી. તેઓ ત્યાગની મૂર્તિ હતા. તેમના માટે દેશહિત સર્વોપરી હતું. સરદાર પટેલે મારા પિતા કે.કે. શાહને કહ્યું હતું.. "કે.કે. મને કેન્સર છે. મારી પાસે વધુ સમય નથી. મારું મૃત્યુ નજીકમાં છે." સરદાર પોતાની અસાધ્ય બીમારીથી અવગત હતા. કોંગ્રેસ વર્કિંગ કમિટીમાં બહુમતી મળવા છતાં વડાપ્રધાન પદ જતું કર્યું. સરદાર પટેલ કહેતા કે હું ભવિષ્ય જોઉં છું. સરદાર પટેલની આચાર અને વિચાર સાચા હતા.
જીન્નાહ એ અંગત સ્વાર્થ ખાતર આખા દેશને કદી ભરપાઈ ન થઈ શકે એવું નુકશાન પહોંચાડ્યું.
દેશ આખો આઝાદીના જશ્ન મનાવી રહ્યો હતો ત્યારે નોઆખલીમાં લાખો નિર્દોષ લોકો ની હત્યા થઈ રહી હતી. આવી પરિસ્થતિ માં ગાંધીજી કોઈ જશ્નમાં ભાગ લેવાને બદલે નોઆખલીમાં પીડિતો વચ્ચે ગયા. અને મુસ્લિમ પરિવારના ત્યાં રોકાયા. આ માણસે અહિંસાના બળે એકલા હાથે રમખાણો અટકવ્યાં. કેટલો પાવરફુલ માણસ !!!
લોકોમાં એક ખોટી ગેરસમજ પ્રવર્તે છે કે ગાંધીજીએ પાકિસ્તાનને બધું આપી દીધું. એ ખોટી વાત છે. ગાંધીજીએ કહ્યું છે કે જો તમે પ્રેમથી માણસના વિચારોને પરિવર્તિત કરવા પ્રયત્નો કરશો તો એનું પરિણામ ચોક્કસ હકારાત્મક મળે છે.
અહીં ઓરીઝનલ મુસ્લિમ કોણ છે?? ઇતિહાસનો અભ્યાસ કરી શાંતિ થી વિચારશો તો સમજાશે. They all are converted. ઇસ્લામ ધર્મ ખોટો નથી. માની લો કે તમારો કોઈ ભાઈ હોય તેને કોઈ બળજબરી ધર્મ પરિવર્તન કરાવે તો એ શું કરે ? એણે જો કહેવામાં આવે કે જો તું મારો ધર્મ સ્વીકાર નહીં કરે તો તારું ગળું કાપી નાખવામાં આવશે. આવા સંજોગોમાં સામાન્ય માણસ શું નિર્ણય લે??
આઝાદી મળવાનું બીજું પણ કારણ છે. ગાંધીજી અને બ્રિટનની રાણી સ્ટેટ્સ મેન હતાં. પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટિશ સરકાર આર્થિક રીતે ખુવાર થઈ ગઈ હતી. સૈનિકોને વેતન આપવાના પૈસા પણ બ્રિટેન પાસે નહોતા. કોઇ માણસને વેતન વિના તમે કેટલા દિવસ કામ કરાવી શકો ?? આ સ્થિતિમાં સૈનિકો દ્વારા બળવો થવાની પૂરેપૂરી સંભાવના હતી. બ્રિટનને અમેરિકા પાસેથી આર્થિક મદદ મેળવવી પડી. આવા સમયે ગાંધીજીએ કુનેહ પૂર્વક નિર્ણય લઈ બળવો કરવાને બદલે રાણીને સપોર્ટ કર્યો. ગાંધીજીના આ નિર્ણયે રાણીને પોતાના તરફેણમાં કરી લીધાં. રાણીને થયું ગાંધી ખરા અર્થમાં મહાન આત્મા છે. મારે ભારત દેશની આઝાદી માટે કોઈ ફોર્મ્યુલા ઘડી કાઢવી જોઈએ. એ ચતુરાઈ પૂર્વકની ફોર્મ્યુલા મુજબ ભાગલાની લકીર ખેંચાઈ.
ગાંધીજી વ્યથિત હતા. તેઓ સમજાવવા માંગતા હતા કે જીન્નાહ ખોટી જીદ લઈને બેઠા છે. બાપુ ભવિષ્ય જોઈ શકતા હતા. તેથી તેમને અંદાજ હતો જ કે એક દિવસ પાકિસ્તાન પાયમાલ થઈ જશે. અને આજે પાકિસ્તાનની પરિસ્થિતિ શું છે એ આપણે સુપેરે જાણીએ છીએ.
આઝાદી તો મળી પણ ભાગલાની ખેંચાયેલી લકીરે ક્યારેય ન કલ્પેલા પરિણામ ભારતે ભોગવવાં પડ્યાં. દેશ બે ભાગમાં વિભાજીત થતાં લોકોને પોતાની માલ મિલકત અને માતૃભૂમિ છોડી પહેરેલાં કપડે હિજરત કરવી પડી. લાખો લોકોની કત્લેઆમ થઈ. આવી નાજુક સ્થિતિમાં ગાંધીજી યોગ્ય માર્ગ કાઢવા સતત પ્રયત્નશીલ રહ્યા.
ગાંધીજીને સમજ્યા વગર લોકો ગાળો આપે છે એ હરગિજ ન ચાલે. બાપુ ન હોત તો આઝાદી ન મળી હોત. આજે પણ આપણે ગુલામીમાં સબડતા હોત."
પ્રકાશ શાહ આગળ જણાવે છે. " ગાંધીજી એ આઝાદી અપાવી એટલે હું આઝાદ છું. એટલે જ હું આજે ઇન્ડિયન સિટીઝન છું. મારા જીવનનો મોટાભાગનો સમય મેં પરદેશમાં વિતાવ્યો છે. હું દુનિયા ફર્યો છું. મારા વર્ષોના અનુભવના આધારે સાચું કહું છું કે ભારત જેવી પવિત્ર ભૂમિ મળવાની નથી. "दुर्लभम भारते जन्म।"
આવનારી પેઢી ગાંધીજીને સંત પુરુષ તરીકે પૂજશે."
(ક્રમશઃ ) To be continued....
-ઈશ્વર પ્રજાપતિ
9825142620
