name='viewport'/> ISHWAR PRAJAPATI'S STUDY ROOM: હ્યુદયાંજલિ

Tuesday, January 27, 2026

હ્યુદયાંજલિ

નીતિનભાઈ આપના સ્મરણો આલેખતાં શબ્દો ખૂટે છે અને હૈયું ઉલેચતાં આંસુ!!


      અણધારી વિદાય લીધાને આજે ત્રણ દિવસ થયા પણ હજી મન માનવા તૈયાર નથી કે નીતિનભાઈ હવે આપણી વચ્ચે નથી. નીતિનભાઈનું આમ અચાનક અનંત યાત્રાએ ચાલી  નીકળવાથી મન મસ્તિષ્ક પર જે કઠોર વજ્રઘાત થયો છે એમાંથી ઉઘરવાનો દૂર દૂર સુધી કોઈ માર્ગ દેખાતો નથી. સઘળું સુન્ન થઈ ગયું છે. હૃદયમાં સર્જાયેલો આ દાવાનળ ક્યાં જઈ ઠરાવો???
     નીતિનભાઈ વિનાની આકરુંદ શાળાની કલ્પના પણ હચમચાવી દે છે. એક સમયે સાવ વેરવિખેર થયેલી શાળાને પુનર્જીવિત કરવાનું આ માણસે પ્રણ લીધું અને દોઢ દાયકામાં ગુજરાત રાજ્યની શ્રેષ્ઠ શાળાની હરોળમાં મૂકી દીધી તેનું  તમામ શ્રેય નીતિનભાઈને ફાળે જાય છે. પોતે દિવસ રાત રજા વેકેશન જોયા વિના માત્રને માત્ર શાળા અને વિદ્યાર્થીઓના હિત માટે મથ્યા કર્યું. સફળતા મળી પણ એનો યશ હંમેશા બીજાને આપી પોતે હંમેશા નિર્લેપ રહ્યા..
     શાળાના પરિસરમાં નીતિનભાઈનો પ્રવેશ થાય અને તરત આખુ શાળા પરિસર "જય રણછોડ"ના નાદથી ગૂંજી ઊઠે.. એક એક બાળક નીતિનભાઈને વળગી પડી જય રણછોડથી અભિવાદન કરે!
      નીતિનભાઈ શાળા પરિસરમાં પ્રવેશે અને  ચોતરફ એક નજર ફેરવી લ. તરત એમનો હાથ ફરતો જાય અને અસ્તવ્યસ્ત પડેલી વસ્તુઓ આપોઆપ યોગ્યસ્થાને ગોઠવાતી જાય.. કચરા પેટી, સાવરણા, પાણીના નળ, પાણીની મોટર ચાલું કરવી, કોમ્પ્યુટર, સી. સી. ટીવી, પ્રાર્થના સભાની બેઠક વ્યવસ્થા બધું જ ઓટો મોડ પર ગોઠવાઈ જતું. બીટ શાળા એટલે વહીવટી કામ ખૂબ રહે એમ છતાં વર્ગ અને વિદ્યાર્થીઓની જ  હંમેશા પ્રથમ પ્રાથમિકતા હોય! નીતિનભાઈને શોધવા હોય તો વર્ગમાં બાળકોના ટોળાની વચ્ચે જ મળે. રિશેષ સમયે ચાલીમાં ખૂરશી નાખી બેઠા હોય અને આજુબાજુ બાલવાટિકાનાં વીંટળાઈ વળ્યાં હોય.! બાળકોના ટોળામાં નીતિન ભાઈ ને શોધવા મુશ્કેલ બની જાય !
     શાળામાંથી છેલ્લું વિદ્યાર્થી ઘરે ન પહોંચે ત્યાં સુધી નીતિનભાઈ શાળામાં જ રોકાય! બહાર ગામના વિદ્યાર્થીને કોઈ વાહન ન મળે તો પોતાની બાઇક પર ઘરે પહોંચાડી પછી જ પોતે ઘરે જાય.. રાત્રે પણ જમીને શાળા અને લાઇબ્રેરીની મુલાકાતે ફરજિયાત લેવાની..! દસ વર્ષ પહેલાં ની કોઈ ફાઇલ ન મળે અને નીતિનભાઈ ને પૂછો તો ફાઇલ ના કલર સાથે બતાવી દે કે આ તિજોરીમાં આ જગ્યા એ પડી હશે અને ફાઇલ ત્યાં જ પડી હોય!
    પૂજ્ય મોરારી બાપુના મુખે અનેકવાર વડોદરા કોયલી શાળાના મનસુખ માસ્તર ની કથા સાંભળી છે. નીતિનતિનભાઈ આકરુંદ ગામના મનસુખ માસ્તર હતા. રણછોડ રાય પરની એમની શ્રદ્ધા ગજબની હતી.  વિચલિત કરી દે તેવી વિકરાળ પરિસ્થિતિમાં પણ તેઓ સઘળું રણછોડ રાય પર છોડી સ્થિતપ્રજ્ઞ બની રહેતા. અને મનસુખ માસ્તર ની જેમ નીતિનભાઈની વ્હારે પણ રણછોડ રાય અનેક વખત દોડી આવ્યા છે.  તેમની શ્રદ્ધા ની કસોટી કરતો એક પ્રસંગ મને યાદ આવે છે. નીતિનભાઈ ના એકના એક સુપુત્ર વત્સલના લગ્ન હતા.. મંડપ ડેકોરેશનને આખરી ઓપ અપાઈ રહ્યો હતો. બીજા દિવસે ભવ્ય રિસેપ્શન હતું.. અને આગલી રાત્રે અચાનક વાતાવરણ પલટાયું ભયંકર વાવાઝોઝા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો.. થોડી વાર તો એમ જ લાગ્યું કે હવે આવતું કાલનો પ્રસંગ કરવો તો કરવો કઈ રીતે.. સગા સંબંધીઓ, આવેલ સૌ મહેમાન સૌ ચિંતિંત હતા. પણ નીતિનભાઈ એકદમ શાંત હતા. એ માત્ર એટલું બોલ્યા કે "રણછોડ રાય જે કરશે એ સારું જ કરશે. આપણા કરતાં આપણો પ્રસંગ સુધારવાની ચિંતા એણે વધારે છે..." આત્મવિશ્વાસ સાથેના લાગણીભીના  શબ્દો સૌના  હૃદયને ભીંજવી ગયા. જોતજોતામાં વાતવરણ શાંત થઈ ગયું અને પ્રસંગ રંગે ચંગે પૂર્ણ થયો. આવી સ્થિત માં ભલભલા સંતપુરુષની શ્રધ્ધા ડગવા માંડે પણ નીતિનભાઈ વાત જ જુદી હતી..આજ સુધી એક પણ પૂનમ ડાકોર દર્શને ન ગયા હોય એવું બન્યું નથી. ડાકોર ગયા હોય અને શાળામાં મોડા પડ્યા હોય એવું આજસુધી બન્યું નથી. ડાકોર જઈને પણ ૧૦ વાગે સ્કૂલ માં હાજર હોય !
        ફરજ નિષ્ઠા તેમના લોહીમાં વણાઈ ગઈ હતી. શાળામાં નિયમિત કેટકટેલા કાર્યક્રમો થતા રહ્યા. કેટકેટલા મહાનુભાવો આવતા રહ્યા. આ એકપણ કાર્યક્રમમાં નીતિનભાઈ નો ફોટો તમને ક્યાંય જોવા જ ન મળે. પોતે પડદા પાછળ રહી કાર્યક્રમને સફળ બનાવવા ખૂંપી ગયા હોય. મંચ પર મહાનુભાવ નું સ્વાગત કરવા માટે પણ પોતે જવાનું ટાળે હંમેશા બીજાને જ આગળ કરે.
      શાળા અને જૂથના તમામ શિક્ષકોના પરિવારની તેમને ચિંતા હોય. કોઈપણ શિક્ષકના ઘરે કોઇપણ શુભ અશુભ પ્રસંગ બન્યો હોય નીતિનભાઈ સોથી પહેલાં ત્યાં ખડેપગે હાજર હોય. તાલુકા માં પણ જ્યારે શિક્ષણ આલમ માં કોઈ કોયડો ગૂંચવાય ત્યારે તેનો હલ નીતિનભાઈ પાસે અચૂક હોય. સંઘ હોય કે મંડળી પોતે તમામ હોદ્દાઓથી દૂર રહે પણ એમની તમામ ગૂંચવણો નીતિન ભાઈ ઉકેલી આપે.
    નીતિનભાઈની વિદાયથી આકરુંદ શાળાનો જાણે મુખ્ય આધારસ્તંભ જ ભાગી પડ્યો !  શિક્ષકો જ નહીં વિદ્યાર્થીઓ ની આંખોમાંથી આંસુ સુકાતાં નથી. તેમની ખોટ માત્ર આકરુંદ શાળાને જ નહીં પરંતુ આકરુંદ નાણા જૂથ, ધનસુરા તાલુકા અને સમગ્ર શિક્ષણ જગતને ચિરકાળ સુધી સાલતી રહેશે.
    નીતિનભાઈ જેવા ભેરુનો ભેટો હવે કયા ભવે થાશે એ તો રણછોડ રાય જ જાણે !
- ઈશ્વર પ્રજાપતિ 
9825142620

8 comments:

  1. We lost Very Humble Very Co operative man of Akrund Village....

    ReplyDelete
  2. ઘણી જ દુઃખદ ઘટના બની છે..મન માનવા તૈયાર નથી

    ReplyDelete
  3. Khub j Dukhad Ghatna, Prabhu Emna aatma ne Shanti aape.. On Shanti, Jay Ranchhod

    ReplyDelete
  4. બહુ જ દુઃખદ થયું તેમના આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના

    ReplyDelete
  5. આક્રુન્દ પ્રાથમિક શાળાને કર્મ નિષ્ઠ શિક્ષકની ભારે ખોટ પડી છે જે ક્યારેય ન પૂરી શકાય. પ્રભુ તેમના આત્માને પરમ શાંતિ આપે.

    ReplyDelete
  6. પ્રભુ તેમની આત્માને શાંતિ આપે, તેવી રણછોડરાયજીને પ્રાર્થના...

    ReplyDelete
  7. Om shanti 🙏🙏🙏

    ReplyDelete
  8. નીતિન ભાઈ જેવા કર્મનિષ્ઠ અને સાચા શિસ્ત, ક્ષમા અને કરુણા સાગર એવા ભાગ્યા ના ભેરુ અને સર્વના હૃદયમાં સ્થાન પ્રાપ્ત કરી ખરા અર્થમાં જીવન જીવી જનાર કે કેટલુ જીવવુ એ મહત્વનુ નથી પણ કેવુ જીવવુ એવુ વ્યક્તિત્વ જેને જીવી બતાવીને જીવન તો સાર્થક કર્યુ લોકચાહના સાથે મૃત્યુ ને પણ સફળ બનાવનાર એવા પ્રામાણિક અને સરળ લાગણીશીલ નીતિન ભાઈ ને પ્રભુ વૈકુંઠ માં વાસ આપે તેવી પ્રાર્થના
    ઓમ શાંતિ

    ReplyDelete