આઝાદીની લડતમાં અરવલ્લીનું યોગદાન 1
સાબરમતી આશ્રમની જેમ એક પ્રયોગશાળાના સ્વરૂપે ઈ. સ. ૧૯૩૦-૩૧ અરવલ્લીના ઓઢા ગામે ભોગીલાલ ગાંધીના નેતૃત્વ હેઠળ "ગાંધી મંદિર" શરૂ કરવામાં આવ્યું હતું.
ભારત દેશ આઝાદીના 75 વર્ષ પૂર્ણ કરી આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે. અને સમગ્ર દેશ આઝાદીની અમૃત મહોત્સવ ઉજવણીના રંગે રંગાયો છે. આઝાદી પહેલાં સાબરકાંઠા અને અરવલ્લી એ મહીકાંઠાના વિસ્તાર તરીકે ઓળખાતો હતો. જલિયાવાલા બાગનાં હત્યાકાંડ કરતાય વધુ દર્દનાક હત્યાકાંડ સબરકાંઠાનાં પાલ દાઢવાવની ભૂમિ પર થયો હતો. આ હત્અંયાકાંડમાં દાજે ૧૨૦૦ જેટલા નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. ઘણા વર્ષો પછી આ ઘટના પ્રકાશમાં આવી. સાબરકાંઠા અરવલ્લીની ભૂમિ આવી તો અનેક ઘટનાઓની સાક્ષી રહી છે. ઝાદીને લડતમાં આ અરવલ્લી જીલ્લાનું પણ મહત્વનું યોગદાન રહેલું છે.
સ્વતંત્રતા સંગ્રામમાં જોડાયેલા રાષ્ટ્રીય નેતાઓથી તો સૌ કોઈ પરિચિત હોય છે, પરંતુ સ્થાનિક કક્ષાએ પાયાના કાર્યકર તરીકે સ્વતંત્રતા સંગ્રામમાં જીવન હોમી દેનારા સ્વતંત્ર સેનાનીઓને વિસરી જવાનું બહુ મોટું પાપ આપણા સહુ થી થતું હોય છે. અરવલ્લી જીલાનો મોટાભાગનો વિસ્તાર સ્વતંત્રતા સંગ્રામમાં મોખરે રહ્યો હતો.
અંગ્રેજો અને અંગ્રેજી શાસન સામે રાષ્ટ્રીય નેતાઓની હાકલ થઈ તેનો આ વિસ્તારના લોકોએ પુરેપુરી ગર્મજોશીથી જવાબ આપ્યો હતો. અંગ્રેજો વિરુદ્ધની કોઈપણ ગતિવિધિથી હંમેશા સક્રિય રહેનારા મોડાસાના શ્રી મથુરદાસ લાલજીભાઈ ગાંધી અને તેમના સાથીદારો તેના યશના ભાગીદાર છે. મથુરદાસ લાલજીભાઈ ગાંધીએ મોડાસાને કાર્યક્ષેત્ર બનાવી મુંબઈ, ઇડર રહીને, ઇડર સ્ટેટ વિરુદ્ધમાં જઈ પ્રજાતંત્ર માટે જબરજસ્ત લડત આપી હતી.
ઈ. સ. 1905માં સ્વદેશી અને બંગ-ભંગની ચળવળ શરૂ થઈ ત્યારે મથુરદાસ ગાંધી, જોઈતારામ ભટ્ટ, મોહનલાલ ગાંધી અને ચંદુલાલ એસ. બુટાલાએ જિલ્લામાં આગેવાની લીધી અને પરદેશી ચીજ-વસ્તુઓના બહિષ્કારની હાકલમાં સક્રિય નેતાગીરીનાં દર્શન કરાવ્યાં. વલ્લભદાસ બાપજી દેસાઈના અધ્યક્ષ પદે મોડાસામાં સર્વપ્રથમ રાજકીય ભાષણ થયું, જેમાં યુવાનોને વિદેશી કાપડ અને ખાંડનો બહિષ્કાર તથા વિદેશી વસ્તુઓનો વપરાશ નહીં કરવા માટેના સોગંદ લેવડાવ્યા.
આ જિલ્લામાં નવરાત્રિ, દશેરા, દિવાળી, બેસતુ વર્ષ, ઉત્તરાયણ હોળી વગેરે તહેવારોને વિદેશી માલની હોળી સળગાવીને રાષ્ટ્રીય પર્વ તરીકે ઉજવાતા હતા. એટલું જ નહીં પણ વિદેશી કાપડનો મોટાભાગનો વેપાર વણિકોના હાથમાં હોવા છતાં આર્થિક લાભને અવગણીને વણિક સપૂતો અને સુપુત્રીઓએ પોતાની સગાઓની અને જ્ઞાતિ ભાઇઓની દુકાન પર કડક પિકેટીંગ કરીને એ ઝુંબેશ ને સફળ બનાવી હતી. આમ, વિદેશી કાપડ બહિષ્કાર ઝુંબેશમાં સાબરકાંઠા-અરવલ્લીના વણિકોનું પ્રદાન વિશિષ્ટ રહ્યું હતું.
ઈ.સ. 1920માં નાગપુર અધિવેશનમાં ગાંધીજીએ નોકરીઓના બહિષ્કાર અંગે આપેલા આદેશને અનુસરીને આ જિલ્લાના મથુરદાસ ગાંધી, નટવરલાલ ગાંધી, ચુનીલાલ ગાંધી, મોહનલાલ ગાંધી, પુરુષોત્તમદાસ ગો. શાહ, રમણલાલ સોની, સુરજીભાઈ સોલંકી વગેરે કુટુંબની જીવાદોરી સમા નોકરી-ધંધાને તિલાંજલિ આપીને આઝાદીના યજ્ઞમાં આહુતિ આપી હતી. ઈ. સ. 1922- 23 ના ગાળામાં એકલા મોડાસા ગામમાં 240 રેટિયા વસાવી સ્વદેશી ભંડાર શરૂ હોવાની નોંધ છે.
અદાલતોના બહિષ્કારની ઝુંબેશ દરમિયાન મોડાસામાં સરકારી અદાલતોનો વિકલ્પ પૂરો પાડવા માટે જનતાની લવાદ કોર્ટ સ્થપાઈ હતી. જેમાં 40 સદ્ ગૃહસ્થઓએ ન્યાયાધીશ તરીકે ફરજ બજાવી હતી.
આ જિલ્લાએ ઈ. સ. 1930માં યોજાયેલી વડી ધારાસભાની તથા મુંબઈ ધારાસભાની ચૂંટણીનો બહિષ્કાર કરીને રાજકીય જાગૃતિનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું. વડી ધારાસભાની ચૂંટણીમાં મોડાસામાંથી માત્ર 6, ધનસુરા માંથી માત્ર 2 અને ડેમાઈ માંથી માત્ર 1 જ મતનું મતદાન થયું હતું.
કલમમાં તલવાર કરતાં વધુ તાકાત છે તે વાત જે તે વખતના સ્વાતંત્ર્યવીરો સમજી ચૂક્યા હતા. ભીતચિત્રો, પોસ્ટર અને પત્રિકાઓ દ્વારા જિલ્લામાં ઠેર ઠેર સ્વાતંત્રતાના વિચારોનો પ્રચાર થતો હતો. મોડાસા ખાતેથી પણ બે પત્રિકાઓ શરૂ થઈ. જ્યારે બોલવા પર પ્રતિબંધ હોય છે ત્યારે લખીને ભૂગર્ભમાં જ વિચારોને લોકો સુધી સમાચાર પહોંચાડવાનો શ્રેષ્ઠ માર્ગ છે. અહીંયાથી ધર્મયુદ્ધ, પડઘમ, મહીકાંઠા વર્તમાનપત્ર, પ્રજામત અને સાબરકાંઠા સમાચાર પત્રો પ્રસિદ્ધ થયા.ધર્મયુદ્ધ મોડાસા કોંગ્રેસ સમિતિનું મુખપત્ર હતું. તારીખ 13/7/1930 થી 5/3/1931 સુધી ચાલેલી આ પત્રિકાનો મુદ્રાલેખ હતો " માથાના મોહ મેલી હાલો હો બંધવા, માંડ્યા છે મોરચા ભારી" ઓગસ્ટ 1930માં રણનાદ અને સ્વરાજ ગીત નામની પત્રિકાઓ મોડાસા ખાતેથી જપ્ત કરવામાં આવી પ્રિન્ટીંગ પ્રેસને પ્રત્યેક માટે રૂપિયા 500 જમાનત રૂપે જમા કરવામાં આવ્યા હતા.
બાયલ - ઢાંખરોલના મગનભાઈ પટેલ, સાકરીયાના ડાહ્યાભાઈ પટેલ, અને બીજા યુવાનોની ધરપકડ થઈ. ચંદુલાલ એસ બુટાલા, રમણલાલ મગનલાલ શાહ, પુરુષોત્તમ શાહ અને રમણલાલ એમ ગાંધીજીની અંગ્રેજો વિરુદ્ધ તેજાબી ભાષણો કર્યા બદલ ધરપકડ થઈ.
મદ્યનિષેધ વખતે મોડાસા તાલુકાના તથા પ્રાંતિજ તાલુકાના તમામ પીઠા પીકેટરોએ જાનના જોખમે બંધ કરાવ્યા હતા.
આઝાદીની લડત દરમિયાન સાબરકાંઠા-અરવલ્લીમાં હિન્દુ મુસ્લિમ એકતા જળવાઇ રહે તે માટે મથુરદાસ ગાંધી, રમણલાલ સોની, મહંમદહુસેન મુનશી, મહંમદખાનજી, ભોગીલાલ ગાંધી વગેરે અગ્રણીઓએ સબળ પુરુષાર્થ કર્યો હતો મોડાસા હાઇસ્કુલ આર્થિક ભીંસ અનુભવતી હતી ત્યારે હાઈસ્કૂલની "હિન્દુ હાઈસ્કૂલ" નામ આપવાની શરતે મળતું એક લાખનું માતબર દાન, કોમી એકતા જાળવવા ખાતર જતું કરીને અરવલ્લીએ કોમી એખલાસનું જ્વલંત અને અનુકરણીય ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ઈ. સ.1920માં મોડાસામાં શરૂ થયેલી રાષ્ટ્રીય શાળા આર્થિક ભીંસને કારણે 1925માં બંધ કરવી પડી.
મીઠાના કાયદા સામેના સત્યાગ્રહ દરમિયાન સાબરકાંઠા-અરવલ્લીના યુવાનો દાંડી, લસુન્દ્રા, ધોલેરા, રાણપુર, ધંધુકા, મુંબઈના વડાલા વગેરે સ્થળે જઈને મીઠાના સત્યાગ્રહમાં જોડાયા હતા અને તે સ્થળોની "બિનજકાતી સબરસ" લાવીને ગામોમાં વહેંચ્યું હતું. ધોલેરાની ખાડીનું મીઠું વેચવા મોડાસામાં યોજાયેલી સભા પર પોલીસે અમાનુષી અત્યાચાર કરીનેઆબાલવૃદ્ધોને ઘાયલ કર્યા હતા મણિબહેન દોશી જેલમાં જવાના ઇરાદાથી જાહેરમાં મીઠું પકવવાનો કાર્યક્રમ યોજવાની તૈયારી કરી હતી. આમ મીઠાના કાયદાના ભંગની ઝુંબેશ દરમિયાન ધરપકડો કરીને તથા લાઠી પ્રહાર ઝીલીને સ્વયંશિસ્ત અને બલિદાનની ભાવના બુનિયાદી મૂલ્યોને પ્રસ્થાપિત કરીને સબળ અને સક્ષમ રાજકીય વાતાવરણ સર્જ્યું હતું.
ધર્મ, જાતિ, બોલી અને સંસ્કૃતિનું વૈવિધ્ય ધરાવતા ભાતીગળ ભારત દેશમાં સુલેહ શાંતિ જાળવવા માટે અંગ્રેજોને રહેવાની અત્યંત જરૂર છે તે જુઠ્ઠાણાને પુરવાર કરવા માટે વસ્તી ગણતરી બહિષ્કાર ઝુંબેશ શરૂ કરી માતાનો ખોળો ખૂંદતા મોડાસાની દુધિયા દાંત વાળી વાનરસેનાએ મધ્યરાત્રિ સુધી હૂપાહૂપના જયનાદ, ઢોલ-ત્રાંસા અને ડબ્બાઓના અવાજ સાથે વસ્તી ગણતરી અધિકારીઓનો પીછો કરીને, વસતિ ગણતરીને નિષ્ફળ બનાવી હતી.
ભારતીય પ્રજાજીવનની અનુરૂપ સમૂહ જીવનની ભાવનાને વ્યાપક બનાવવા સારુ અમદાવાદના સાબરમતી આશ્રમની જેમ એક પ્રયોગશાળાના સ્વરૂપે ઈ. સ. ૧૯૩૦-૩૧ અરવલ્લીના ઓઢા ગામે ભોગીલાલ ગાંધીના નેતૃત્વ હેઠળ "ગાંધી મંદિર" શરૂ કરવામાં આવ્યું હતું. આ ગાધી મંદિરે વર્ગવીહીન સમાજરચના, અસ્પૃશ્યતાનિવારણ, ખાદી પ્રવૃત્તિ ગામ ઉધોગનું શિક્ષણ વગેરે પ્રવૃત્તિઓ સાથે રાષ્ટ્રીય જાગૃતિ કેળવવાનું પણ શિક્ષણ આપ્યું હતું.
વીસમી સદીની શરૂઆતના પાંચ દાયકા દરમિયાન અરવલ્લીની અબુધ, નિરક્ષર અને ગરીબ પ્રજાએ સંગઠિત બનીને સામંતશાહીની મજા લૂંટતા રાજાઓ, ઠાકોરો, જાગીરદારો અને અમલદારો સામે જોરદાર પ્રજાકીય લડતો ચલાવીને પ્રજાએ ખુમારી દર્શન કરાવ્યા હતા. ( ક્રમશઃ )
(સંદર્ભ: અરુણોદય અરવલ્લીનો, સર્જનાત્મક સાબરકાંઠા)
- :ઈશ્વર પ્રજાપતિ
(98251 42620)
No comments:
Post a Comment