name='viewport'/> ISHWAR PRAJAPATI'S STUDY ROOM

Sunday, October 11, 2026

સન્ડે સ્પેશિયલ

સંસ્કૃતની સુવાસથી આકરુંદ પ્રાથમિક શાળાને મહેકાવતાં દર્શનાબેન રાજગોર

              કેટલાક શિક્ષકો વિષય ભણાવે છે, કેટલાક શિક્ષણ આપે છે; પરંતુ બહુ ઓછા એવા શિક્ષકો હોય છે, જે પોતાના વિષયને વિદ્યાર્થીઓના જીવનનો હિસ્સો બનાવી દે છે. પી. એમ. શ્રી આકરુંદ આદર્શ પ્રાથમિક શાળાનાં શિક્ષિકા દર્શનાબેન રાજગોર આ જ શ્રેણીના શિક્ષક છે. સંસ્કૃત જેવી પ્રાચીન અને ગહન ભાષાને બાળકના હાસ્ય, વાતચીત, પ્રાર્થના અને સંસ્કારો સાથે જોડીને તેમણે આકરુંદ શાળાના વાતાવરણમાં એક એવી સુવાસ પાથરી છે, જે માત્ર વર્ગખંડ પૂરતી સીમિત નથી રહી. સંસ્કૃત તેમની માટે માત્ર એક વિષય નથી. પિતાના જ્ઞાનનો વારસો છે, અભ્યાસની સાધના છે,  અને આજે તેમના શિક્ષણકાર્યનું ધ્યેય બની ગયું છે.

દર્શનાબેનનું મૂળ વતન પાટણ જિલ્લાનું સમી. પરંતુ તેમનું બાળપણ અમદાવાદની જ્ઞાનસભર ધરતી પર પસાર થયું. તેમના પિતાશ્રી નર્મદા શંકર રાજગોર અમદાવાદની સોલા ભગવત વિદ્યાપીઠમાં અધ્યાપક તરીકે સેવાઓ આપતા હતા. તેઓ સંસ્કૃતના પ્રકાંડ પંડિત ! અને વેદાંત જેવા ગહન વિષયમાં પીએચ.ડી. પ્રાપ્ત કરી હતી. ઘરનું વાતાવરણ જ એવું હતું કે જ્યાં સામાન્ય વાતચીતમાં પણ શાસ્ત્રોની સુગંધ આવતી હોય, સંસ્કૃતના શ્લોકો, શાસ્ત્રીય ચર્ચાઓ અને ભારતીય જ્ઞાનપરંપરાની વાતો વચ્ચે દર્શનાબેનનું બાળપણ ઘડાયું. કદાચ એટલે જ સંસ્કૃત તેમની પાસે ભણવા માટે આવેલો વિષય નહોતો; સંસ્કૃત તો તેમના જીવનમાં બાળપણથી જ શ્વાસની જેમ વણાઈ ગયું હતું.

       અમદાવાદની જ્ઞાનદા ગર્લ્સ હાઈસ્કૂલમાં ધોરણ ૧થી ૧૨ સુધી અભ્યાસ કર્યા બાદ તેમણે સોલા ભગવત વિદ્યાપીઠમાં સંસ્કૃત વિષય સાથે બી.એ., એમ.એ. અને બી.એડ.નો અભ્યાસ કર્યો. પુરાણ જેવા વિશાળ અને ગહન વિષયમાં તેમણે ઊંડો અભ્યાસ કર્યો. અભ્યાસ પ્રત્યેની એકાગ્રતા, સતત મહાવરો અને જ્ઞાન મેળવવાની તીવ્ર ઝંખનાએ તેમને એમ.એ.માં ગોલ્ડ મેડલ અપાવ્યો. 

વર્ષ ૨૦૧૫માં તેઓ પાટણ જિલ્લાના સાંતલપુર પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે જોડાયા. પરિવારથી દૂર રહેવાની પરિસ્થિતિ તેમને અનુકૂળ ન આવી અને આશરે આઠ મહિના બાદ તેમણે નોકરી છોડી. વર્ષ ૨૦૧૬માં બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાની શાળામાં સેવા સ્વીકારી. પરંતુ મનમાં સંસ્કૃત વિદ્યાપીઠમાં શિક્ષક તરીકે જોડાવાનું સ્વપ્ન જીવંત હતું. એ આશાએ તેમણે આ નોકરી પણ છોડી. સંજોગો જોકે ફરી સામે આવ્યા. ટેકનિકલ કારણસર સંસ્કૃત વિદ્યાપીઠની શિક્ષક ભરતીમાં સ્ટે આવી ગયો અને તેમની એ અપેક્ષા અધૂરી રહી.

વર્ષ ૨૦૧૭માં તેઓ બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાની આરણીવાળા પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે જોડાયા. અહીં તેમણે સતત સાત વર્ષ સુધી પોતાની ફરજને માત્ર નોકરી નહીં, પરંતુ શિક્ષણસેવા તરીકે નિભાવી. અને પછી ૧૮ માર્ચ, ૨૦૨૫—તેમની શિક્ષણયાત્રાનું એક નવું પ્રકરણ. આકરુંદ શાળા તેમની નવી કર્મભૂમિ બની.

આકરુંદમાં પગ મૂક્યા પછી દર્શનાબેને જાણે પોતાના મનની એક જૂની ઈચ્છાને નવી પાંખો આપી. સંસ્કૃતને માત્ર પાઠ્યપુસ્તકના પાનાંમાં રાખવાને બદલે તેમણે તેને બાળકોની રોજિંદી દુનિયામાં લાવવાનું શરૂ કર્યું. શરૂઆતમાં કદાચ શબ્દો અજાણ્યા લાગ્યા હશે, ઉચ્ચારણ અઘરું લાગ્યું હશે; પરંતુ શિક્ષકનો પ્રેમ અને ધીરજ હોય ત્યાં અઘરું પણ સરળ બની જાય છે. બાળકો સંસ્કૃત બોલવા પ્રેરાયા. નાનાં-નાનાં સંવાદો સંસ્કૃતમાં થવા લાગ્યા. ભાષા હવે માત્ર લખવાની કે યાદ કરવાની વસ્તુ ન રહી; બાળકો તેને બોલવા લાગ્યા, સાંભળવા લાગ્યા અને માણવા લાગ્યા.

શાળાની પ્રાર્થનાસભામાં પણ આ પરિવર્તનની સુંદર ઝલક જોવા મળે છે. બાળકો સંસ્કૃત પ્રાર્થના કરે છે, અને શ્લોકોના ઉચ્ચારથી સમગ્ર વાતાવરણને જાણે શાસ્ત્રીય સ્પર્શ મળે છે. 

    આકરુંદ શાળાની એક વિશેષ પ્રવૃત્તિ છે—ભગવદ્ ગીતાનો એક શ્લોક કંઠસ્થ કરાવી તેને વાલીઓ સુધી પહોંચાડવો. શાળામાં શીખેલો પાઠ બાળક પોતાના પરિવાર સુધી લઈ જાય છે. એટલે શિક્ષણ વર્ગખંડની ચાર દીવાલોમાં બંધ રહેતું નથી; તે ઘર સુધી પહોંચે છે, વાલીઓ સુધી પહોંચે છે અને ધીમે ધીમે પરિવારના વાતાવરણમાં પણ પોતાનું સ્થાન બનાવે છે.

આ પ્રવૃત્તિ પાછળ દર્શનાબેન તથા ચિરાગભાઈની સતત મહેનત છે. બાળકોના કંઠમાં શ્લોક અને ઘરમાં તેના સંસ્કાર—આ બંને વચ્ચેનું આ સુંદર જોડાણ શિક્ષણની સાચી શક્તિનો પરિચય કરાવે છે.

     દર્શનાબેન માટે બાળક માત્ર વિદ્યાર્થી નથી. દરેક બાળકમાં કોઈક અજાણી શક્તિ છુપાયેલી છે—કોઈમાં વાણીની, કોઈમાં કળાની, કોઈમાં સ્મરણશક્તિની તો કોઈમાં સર્જનાત્મકતાની. આથી સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં પણ તેઓ બાળકોને સતત પ્રોત્સાહિત કરે છે. ભાગ લેવા માટે હિંમત આપે છે, ભૂલ થાય તો ફરી પ્રયાસ કરવા પ્રેરે છે અને સફળતા મળે ત્યારે આત્મવિશ્વાસ વધારે છે. શિક્ષકના એક પ્રોત્સાહક શબ્દથી બાળકના વ્યક્તિત્વમાં જે પરિવર્તન આવે છે, તેનું મૂલ્ય કોઈ ગુણપત્રકમાં માપી શકાતું નથી.

દર્શનાબેનના જીવનમાં સંસ્કૃત પ્રત્યેનો પ્રેમ એકલવાયો નથી. તેમના જીવનસાથી નિસર્ગ ઉપાધ્યાય પણ સંસ્કૃતના પ્રકાંડ પંડિત છે. મોડાસા નજીક બોલુંદ્રા ખાતે આવેલી સંસ્કૃત વિદ્યાલયમાં તેઓ પ્રધાન આચાર્ય તરીકે સેવાઓ આપી રહ્યા છે. સંસ્કૃત વિષયમાં તેમણે અનેક પુસ્તકોનું લેખન પણ કર્યું છે.

    એક તરફ પિતાશ્રી પાસેથી મળેલા સંસ્કારો અને બીજી તરફ જીવનસાથી સાથેની સંસ્કૃતસાધનાની સહયાત્રા—દર્શનાબેનના જીવનમાં સંસ્કૃત જાણે બે કાંઠે વહેતી નદી બની ગયું છે. એટલે જ કદાચ તેઓ સંસ્કૃતને માત્ર શીખવતા નથી; તેને જીવે છે.

     દર્શનાબેનના પ્રયાસોથી આકરુંદ શાળામાં સંસ્કૃતને નવું સ્થાન મળ્યું છે. બાળકો સંસ્કૃત બોલે છે, ગીતો ગાય છે, શ્લોકો યાદ કરે છે અને પ્રાર્થનામાં તેને રજૂ કરે છે. આ બધું જોઈને લાગે છે કે સંસ્કૃત હવે અહીં કોઈ એક વિષય નથી રહ્યું—તે શાળાના દૈનિક જીવનનો એક સુંદર અંશ બની રહ્યું છે. 

સંસ્કૃતની આ અવિરત સાધનાને, શિક્ષણ પ્રત્યેની તેમની નિષ્ઠાને અને આકરુંદના બાળકોમાં જ્ઞાનનો દીપ પ્રગટાવતી તેમની સેવાભાવનાને હૃદયપૂર્વક નમન.

- ઈશ્વર પ્રજાપતિ 

9825142620

 

Sunday, October 4, 2026

સન્ડે સ્પેશિયલ

કર્તવ્યનિષ્ઠા, સમયપાલન અને વિનમ્રતાના ત્રિભેટે પાંગરેલું શિક્ષત્ત્વ એટેલે   વિપુલભાઈ વાળંદ

માનવ સભ્યતાના ઇતિહાસમાં જો કોઈ પદ સૌથી પવિત્ર અને જવાબદારીપૂર્વકનું હોય તો તે 'શિક્ષક'નું છે. વર્તમાન યુગમાં જ્યાં શિક્ષણ ઘણીવાર માત્ર એક નોકરી કે આજીવિકાનું સાધન બનીને રહી ગયું છે, ત્યાં આકરૂન્દ શાળામાં ઉપ શિક્ષક તરીકે ફરજ બજાવતા વિપુલભાઈ વાળંદ પોતાની અપ્રતિમ કર્તવ્યનિષ્ઠા, સમયપાલન અને વિદ્યાર્થીઓ પ્રત્યેના અપાર પ્રેમથી શિક્ષણ જગતમાં એક અનોખો ચિલો ચાતરી રહ્યા છે. તેઓ એક એવા શિક્ષક તરીકે ઉભરી આવ્યા છે, જેમના માટે શિક્ષણ એક વ્યવસાય નથી પરંતુ એક પવિત્ર જીવન સાધના છે.

 સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાની નજીક આવેલું નાનકડું અને રળિયામણું ગામ હાજીપુર એ વિપુલભાઈનું વતન છે. હાજીપુરની માટીમાં તેમનો ઉછેર થયો અને પ્રકૃતિના સાન્નિધ્યમાં તેમના જીવનના પાયાના મૂલ્યોનું ઘડતર થયું. પિતા ભરતભાઈ વાળંદ તરફથી તેમને પ્રમાણિકતા, પરિશ્રમ અને નિષ્ઠાનો વારસો જન્મજાત મળ્યો. હાજીપુર ગામના શાંત અને સંસ્કારી વાતાવરણે વિપુલભાઈના મનમાં સેવા અને સમર્પણના બીજ રોપ્યા, જે પાછળથી એક ઘટાદાર વટવૃક્ષ બનીને શિક્ષણ ક્ષેત્રે સુવાસ ફેલાવી રહ્યા છે.

વિપુલભાઈનો પ્રારંભિક અને માધ્યમિક અભ્યાસ હિંમતનગર શહેરમાં જ થયો. ઉચ્ચ અભ્યાસ માટે સામાજિક ઇતિહાસ વિષયની પસંદગી કરી અને હિંમતનગરમાં જ ગ્રેજ્યુએશન (સ્નાતક)ની પદવી મેળવી. ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા બાદ, જ્ઞાનની ક્ષિતિજોને વધુ વિસ્તારવા માટે તેમણે ઈડરની નામાંકિત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં  એમ.એ. (M.A.) કરવા માટે પ્રવેશ લીધો. વર્ષ ૨૦૧૧માં, તેમણે પોતાના જીવનના ખરા ધ્યેય તરફ કદમ વધાર્યા. હિંમતનગર સ્થિત 'ગ્રો મોર બી.એડ કોલેજ' (Grow More B.Ed. College) માં તેમણે શિક્ષક તરીકેની તાલીમ લેવા માટે પ્રવેશ મેળવ્યો. બી.એડના અભ્યાસ દરમિયાન તેમણે માત્ર ડિગ્રી મેળવવા ખાતર અભ્યાસ ન કર્યો, પરંતુ શિક્ષણના સિદ્ધાંતો, બાળ મનોવિજ્ઞાન અને વર્ગખંડ સંચાલનની બારીકીઓને આત્મસાત કરી. અહીં જ એક શ્રેષ્ઠ શિક્ષક તરીકેની તેમની પૂર્વતૈયારી પૂર્ણ થઈ.

      વિપુલભાઈની સત્તાવાર શૈક્ષણિક સફરની શરૂઆત વર્ષ  ૨૦૧૩માં થઈ. તેમની પ્રથમ નિમણૂક દાહોદ જિલ્લાના દેવગઢબારિયા જેવા પછાત અને અંતરિયાળ વિસ્તારમાં આવેલી બોડી ડુંગરી શાળામાં થઈ. આ એક એવો વિસ્તાર હતો જ્યાં ભૌગોલિક અને સામાજિક પડકારો પુષ્કળ હતા. પરંતુ પડકારોથી ડરી જવું એ વિપુલભાઈના સ્વભાવમાં નહોતું. તેમણે આ પડકારને એક તક તરીકે સ્વીકાર્યો. બોડી ડુંગરી શાળામાં તેમણે આદિવાસી અને વંચિત સમુદાયના બાળકોને ગળે લગાવ્યા. તેમની ઉત્તમ શિક્ષણ સેવાઓ, વિદ્યાર્થીઓને સહેલાઈથી સમજાય તેવી ભાષામાં ભણાવવાની રીત અને વાલીઓ સાથેનો સતત સંપર્ક— આ બધું જ એટલું પ્રભાવશાળી હતું કે ટૂંક જ સમયમાં તેઓ સમગ્ર વિસ્તારમાં લોકપ્રિય થઈ ગયા. વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળાના સ્ટાફ તરફથી તેમને અપાર પ્રેમ, સ્નેહ અને આદર મળ્યો. તેઓ માત્ર એક શિક્ષક ન રહેતા, તે ગામના પરિવારોનો એક હિસ્સો બની ગયા.

ત્યારબાદ તેઓ બદલી કરી  સંજેલી તાલુકાની તળગામ વર્ગ હીરોનાં શાળામાં આવ્યા.. નવી શાળા, નવા બાળકો, પણ વિપુલભાઈનો ઉત્સાહ એ જ જૂનો અને અદમ્ય હતો. અહીં પણ તેમણે પોતાની ફરજને સર્વોપરી ગણીને શાળાના સર્વાંગી વિકાસમાં મહત્વનું યોગદાન આપ્યું. બાળકોમાં શિક્ષણ પ્રત્યે રુચિ જગાડવા માટે તેમણે રાત-દિવસ એક કર્યા. અને છેવટે, વર્ષોની આ અવિરત સેવાયાત્રા બાદ, ૧ મે ૨૦૨૫ ના રોજ વિપુલભાઈએ અરવલ્લી જિલ્લાની આકરૂન્દ  શાળાને પોતાની નવી 'કર્મભૂમિ' બનાવી.

સામાન્ય રીતે સામાજિક વિજ્ઞાન (Social Science) વિષયને વિદ્યાર્થીઓ ગોખણપટ્ટીનો કે કંટાળાજનક વિષય માનતા હોય છે. લાંબી સાલવારીઓ, ભૌગોલિક નકશાઓ અને ઇતિહાસની ઘટનાઓ યાદ રાખવામાં બાળકો મૂંઝાતા હોય છે. પરંતુ વિપુલભાઈના વર્ગખંડમાં ચિત્ર તદ્દન અલગ હોય છે. તેઓ વર્ગખંડમાં વિદ્યાર્થીઓના પ્રિય શિક્ષક છે, કારણ કે તેમની ભણાવવાની રીત અન્ય શિક્ષકો કરતાં સાવ નોખી અને અનોખી છે.

સૌથી આશ્ચર્યજનક અને પ્રશંસનીય બાબત એ છે કે, વિપુલભાઈને વર્ગખંડમાં સામાજિક વિજ્ઞાન ભણાવવા માટે ક્યારેય પાઠ્યપુસ્તકની જરૂર પડતી નથી. તેઓ જ્યારે વર્ગમાં પ્રવેશે છે ત્યારે પુસ્તક ટેબલ પર જ રહી જાય છે અને જ્ઞાનનો અસ્ખલિત પ્રવાહ તેમના મુખેથી વહેવા લાગે છે. ઇતિહાસની ઘટનાઓ તેઓ એવી વાર્તા સ્વરૂપે રજૂ કરે છે કે જાણે વિદ્યાર્થીઓની નજર સમક્ષ કોઈ લાઈવ થિયેટર ચાલી રહ્યું હોય! ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ હોય કે બંધારણની કલમો—બધું જ તેમના સ્મરણમાં અને જીભના ટેરવે વસેલું છે. તેમની આ પુસ્તક વિના ભણાવવાની કળા પાછળ તેમનું વર્ષોનું વાંચન, ચિંતન અને વિષય પરનું અસાધારણ પ્રભુત્વ જવાબદાર છે. તેઓ વિદ્યાર્થીઓને માત્ર પરીક્ષાલક્ષી તૈયારી નથી કરાવતા, પરંતુ સામાજિક વિજ્ઞાનના માધ્યમથી તેમને એક જાગૃત અને દેશભક્ત નાગરિક બનાવવાનું ભગીરથ કાર્ય કરે છે. તેમના ક્લાસમાં કોઈ બાળક ક્યારેય કંટાળો અનુભવતું નથી, ઊલટાનું બાળકો તેમના તાસની આતુરતાથી રાહ જોતા હોય છે. આજના સમયમાં સામાન્યમાં સામન્ય વાલીને પોતાના સંતાનને ખાનગી શાળામાં ભણાવવાની ઘેલછા જાગી છે. એવા સમયમાં  વિપુલભાઈનાં  બંને સંતાનો કોઈ ખાનગી શાળામાં ભણાવવાના બદલે આકરૂન્દ ગામની સરકારી શાળામાં જ અભ્યાસ કરી રહ્યાં છે. તેમનું આ પગલું સમાજ માટે પણ દીવાદાંડી રૂપ છે. 

એક સારો શિક્ષક માત્ર સારો ભણાવે તે પૂરતું નથી, પરંતુ તે શાળાના સમગ્ર વહીવટ અને સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓમાં કેટલો સક્રિય છે તે પણ એટલું જ મહત્વનું છે. વિપુલભાઈ આ બાબતમાં પણ ૧૦૦ ટકા ખરા ઉતરે છે. શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમો હોય, રમતગમત મહોત્સવ હોય વિપુલભાઈની  આગવી કોઠાસૂઝ અને આયોજન શક્તિ ઉડીને આંખે વળગે તેવી છે. હિન્દી બાળપોથી, પહેલી કે દૂસરીની પરીક્ષા હોય કે ગાયત્રી પરિવાર દ્વારા લેવાતી પરીક્ષા હોય વિપુલભાઈ દ્વારા તેનું ચીવટ પૂર્વક આયોજન કરી વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા પ્રોત્સાહિત કરતા રહે છે.  તાલુકા અને જિલ્વિલા કક્વિષાએ યોજાતી વિવિધ સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓની સાથે હોંશે હોંશે જવું અને વિદ્યાર્થીઓને માર્ગદર્શિત કરતા રહેવું તેમને ગમતી બાબત છે.   તેમની પાસે એક અદભુત આંતરસૂઝ (Intuition) છે, જેના કારણે તેઓ કોઈપણ સમસ્યાનો ઉકેલ ચપટી વગાડતા શોધી કાઢે છે. તેમને સોંપાયેલું કોઈપણ કામ અત્યંત ચીવટ અને ચોકસાઈથી પૂરું કરવાની તેમની આદત છે. "કામ કરવું તો સર્વશ્રેષ્ઠ જ કરવું, બાકી ન કરવું" એ તેમનો જીવનમંત્ર છે. 

વિપુલભાઈ સમયના બંધનોથી સાવ પર છે. ઘડિયાળના કાંટા ક્યારેય તેમની ફરજ આડે આવી શકતા નથી. શાળામાં આવવા-જવાનો સમય તેમના માટે માત્ર કાગળ પરની બાબત છે, વાસ્તવિકતામાં તો શાળા જ તેમનું ઘર અને મંદિર છે. શાળા શરૂ થવાના નિયત સમય કરતાં સૌથી પહેલા શાળાએ પહોંચવું અને સાંજે શાળા છૂટ્યા પછી તમામ બાળકો અને સ્ટાફ ગયા બાદ સૌથી છેલ્લે જવું—આ વિપુલભાઈની રોજની દિનચર્યા છે. ખાસ વાત એ છે કે આ જવાબદારી તેમને કોઈએ સોંપી નથી, કે કોઈ ઉપરી અધિકારીનો ઓર્ડર નથી. આ નિયમ તેમણે પોતે, પોતાની અંતરાત્માના અવાજ પરથી સ્વેચ્છાએ સ્વીકાર્યો છે.

વિપુલભાઈ માત્ર એક શિક્ષક તરીકે જ શ્રેષ્ઠ નથી, પરંતુ એક માનવી તરીકે પણ એટલા જ ઉદાર અને કરુણા સભર છે. ગરીબ કે નબળા વિદ્યાર્થીઓ પ્રત્યે તેમનો વલણ હંમેશાં સહાનુભૂતિપૂર્વકનો રહ્યો છે. તેમની આ નમ્રતા, સરળતા અને સદભાવનાના કારણે જ તેઓ સૌના પ્રિય બન્યા છે.

વિપુલભાઈ ભરતભાઈ વાળંદ. હાજીપુરના નાના ગામમાંથી નીકળીને અરવલ્લીની આકારૂન્દ શાળા સુધી પહોંચેલી તેમની આ સફર પ્રત્યેક નવયુવાન અને થનારા શિક્ષકો માટે એક જીવંત પ્રેરણાદાયી દીવાદાંડી સમાન છે.

સંપર્ક : વિપુલભાઈ વાળંદ - 92654 48894  

- ઈશ્વર પ્રજાપતિ 

98251 42620

Sunday, September 27, 2026

સન્ડે સ્પેશિયલ

"ખાખી વર્દી ધારણ કરી એ દિવસથી જ મોતનો ડર, ફીકર, ચિંતા જેવા શબ્દો જ મારા શબ્દકોષમાંથી કાઢી નાખ્યા છે." : પોલીસ ઈન્સ્પેક્ટર પી. બી. ચૌધરી.
    પ્રકાશ બળદેવભાઇ ચૌધરી અર્થાત  પી. બી. ચૌધરીના ટૂંકા નામથી જાણીતા અરવલ્લી જિલ્લાના SOG પોલીસ ઇન્સ્પેક્ટર અને તેમની ટીમનું નામ અત્યારે પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયામાં ગૂંજી રહ્યું છે. અરવલ્લી જિલ્લાના હોનહાર પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાના નેતૃત્ત્વમાં પોલીસ ઇન્સ્પેક્ટર  પી. બી. ચૌધરી અને SOG ની ટીમે  NDPS ના  ફેલએલા  નેટવર્કની ચેઈન તોડવા જાનની બાજી લગાવી, તાજેતરમાં જે પરાક્રમ કરી બતાવ્યું છે એ જાણી  ખાખી પ્રત્યેનો આદર અનેક ઘણો વધી જાય છે. 
   ૨૨ સપ્ટેમ્બરની આ વાત છે. મધ્ય રાત્રી પસાર થઇ ચૂકી હતી. એ સમયે સામાન્ય નાગરીકો તો ગાઢ નિંદ્રામાં સૂઈ રહ્યા હતા. પરંતુ પ્રજાની સુરક્ષા અને સલામતી માટી માટે અરવલ્લી પોલીસનું રાત્રી પેટ્રોલિંગ જારી હતું. રાત્રે ધોરીમાર્ગ પરથી પસાર થઇ રહેલાં  વાહનો પર પોલીસની બાજ નજર ફરી રહી હતી. એ સમયે રાત્રિના અંધકારને ચીરતી એક કાળા  કલરની સ્કોર્પિયો પૂરપાટ પસાર થઇ. SOG પોલીસ ઇન્સ્પેક્ટર પી.બી. ચૌધરીને બાતમી સાચી ઠરી. અને આગળના તમામ રસ્તાઓ પર નાકાબંધી કરવાની સૂચના આપી.
    મળેલી માહિતીના આધારે પોલીસ સબ ઇન્પોસ્લીપેક્સટર અજયસિંહ રાઠોડ અને તેમની ટીમે  શિણોલ ગામની સીમમાં નાકાબંધી અને પેટ્રોલિંગ ગોઠવ્યું હતું. દરમિયાન રાત્રિના અંધકારમાં એક બ્લેક સ્કોર્પિયો શંકાસ્પદ હાલતમાં પસાર થતી નજરે પડી. નાકાબંધીની જાણ થતાં આરોપીઓએ પોલીસથી બચવા માટે ગાડી ભગાડવાનો પ્રયાસ કર્યો. પોલીસ દ્વારા રસ્તો રોકવાનો પ્રયાસ થતાં સ્કોર્પિયો ચાલકે રિવર્સમાં ગાડી હંકારીને પણ છટકવાનો પ્રયાસ કર્યો. પોલીસની વાનને ટક્કર મારી સ્કોર્પિયો ભગાવવાનો પ્રયાસ કર્યો. એ દરમિયાન પોલીસ વાનમાં સવાર પોલીસ કર્મીઓને ઈજાઓ પણ પહોંચી. સ્કોર્પિયો ચાલકે જાણે પોલીસને પડકાર ફેંક્યો હોય તેમ ગાડી રોકવાને બદલે પુરઝડપે હંકારી મૂકી. અને ત્યારથી શરૂ થયો ફિલ્મી દ્રશ્યો સર્જે એવો પીછો! પોલીસની જીપ પાછળ અને સ્કોર્પિયો આગળ…
         શિણોલ ગામની સીમમાં સર્જાયેલું આ દૃશ્ય જાણે કોઈ ક્રાઇમ થ્રિલર ફિલ્મનો સીન હોય એવું હતું. પરંતુ આ કોઈ ફિલ્મ નહોતી. આ હતી અરવલ્લી પોલીસની નશાના કારોબાર સામેની એક સઘન અને જોખમી કાર્યવાહી હતી. 
        પોલીસના સતત પીછા વચ્ચે પોલીસ ની બોલેરો કાર અને સ્કોર્પિયો વચ્ચે જબરજસ્ત ટક્કર થઈ. બોલેરો કાર રસ્તાની બાજુમાં ઉતરી ગઈ. અને સ્કોર્પિયો કાબૂ ગુમાવી રસ્તાની બાજુએ આવેલા વીજથાંભલા સાથે અથડાઈ અને અટકી ગઈ. સ્કોર્પિયો ચાલક હાથમાં હથિયાર લઈ પોલીસ  ફાયરીંગ કરવાની પેરવીમાં જ હતો. સમય સુચકતા વાપરી પી. બી. ચૌધરીએ સર્વિસ રિવોલ્વર કાઢી ફાયરીંગ કર્યું. બંદૂકમાંથી છુટેલી ગોળીઓના આવજે વાતાવરણ ગૂંજી ઊઠ્યું. 
      પોલીસ સ્કોર્પીઓ નજીક પહોંચે તે પહેલાં જ તેમાં બેઠેલા બે આરોપીઓ અંધકારનો લાભ લઈને નાસી છૂટ્યા. પરંતુ ગાડીમાં રહેલું રહસ્ય હવે પોલીસના હાથમાં હતું. સ્કોર્પિયોમાંથી 16 કોથળામાં ભરેલો અંદાજે 277 કિલો પોશડોડાનો જથ્થો મળી આવ્યો. આ જથ્થાની કિંમત અંદાજે ₹41.81 લાખ હોવાનું સામે આવ્યું. માત્ર નશીલો પદાર્થ જ નહીં, પરંતુ કાર્યવાહી દરમિયાન પિસ્ટલનું મેગેઝિન અને બે જીવતા કારતૂસ પણ મળી આવ્યા. પોલીસે  આશરે  કિંમત ₹૫૦ લાખથી વધુનો  મુદ્દામાલ કબજે કર્યો..
       અરવલ્લી જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાના નેતૃત્વમાં ‘નો ડ્રગ્સ ઝોન’ તરફ અરવલ્લી મક્કમતાથી આગળ ધપી રહ્યું છે. અરવલ્લી જેવા સરહદી અને વ્યૂહાત્મક રીતે મહત્વના જિલ્લામાં અન્ય રાજ્યોમાંથી નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવી પોલીસ માટે સતત પડકારરૂપ બાબત છે. પરંતુ જિલ્લા પોલીસ વડા  મનોહરસિંહ જાડેજાએ જ્યારથી કમાન સંભાળી છે ત્યારથી  કરોડો રૂપિયાનો મુદ્દા માલ જપ્ત કરી કાળો કારોબાર કરનાર આકાઓની કમર તોડી નાખી છે. આ કાર્યવાહીએ એક વાત સ્પષ્ટ કરી છે— નશાના વેપારીઓ માટે રાતનો અંધકાર ભલે છુપાવાનું સાધન હોય, પરંતુ કાયદાની નજરથી બચવાનો રસ્તો નથી.
             પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાના મક્કમ નેતૃત્ત્વમાં  જાનને જોખમમાં મૂકી આ ઓપરેશને અંજામ આપનાર પી. બી. ચૌધરી કોણ છે ? 
      પી. બી. ચૌધરીગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના ઈશ્વરપૂરા (બદપૂરા) ગામના વતની  છે. તેમના પિતા શિક્ષક હોવાના નાતે રાષ્ટ્રપ્રેમ અને ફરજનિષ્ઠા તેમને વારસામાં પ્રાપ્ત થઇ. તેમનું ભણતર અને ગણતર અમદાવાદમાં થયું. અભ્યાસ દરમિયાન જ મનમાં દૃઢ નિશ્ચય કર્યો કે નોકરી કરવી તો યુનિફોર્મ વાળી જ કરાવી. કાં તો આર્મી માં જવું અથવા પોલીસમાં. કોલેજ પૂર્ણ કર્યા પછી સંઘર્ષના દિવસો થયા. એ સમયગાળામાં અમદાવાદની કોઈ શાળામાં શિક્ષક તરીકે નોકરી પણ કરી. પરંતુ બાળપણથી હૃદયમાં યુનિફોર્મ (વર્દી) માટેનું જે બીજ રોપાયું હતું એ અંકુરિત થવાની પ્રતીક્ષામાં હતું. અને આખરે વર્ષ ૨૦૧૬ માં PSI ની પરીક્ષા ઉત્તીર્ણ કરી ખાખી ધારણ કરી. નોકરીની શરૂઆત સુરતથી થઇ. એ પછી અમદાવાદ તેમની કર્મભૂમિ બની. અમદાવાદની તેમની ફરજ દરમિયાન ખુબ મોટા ઓપરેશનો પાર પાડવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરી. ફેબ્રુઆરી  ૨૦૨૫ માં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકેનું  પ્રમોશન મળ્યું. 
     એપ્રિલ ૨૦૨૬ થી તેઓ અરવલ્લી જિલ્લમાં ફરજનિષ્ઠ છે.  તેમની કામ કરવાની રીત જરા હટકે છે.   તેમની દૃષ્ટિએ ખાખી એ માત્ર એક રંગ નથી પરંતુ સેવા, સમર્પણ અને રાષ્ટ્રનિષ્ઠા પ્રતિક છે.  
   ઝાબાંઝ પોલીસ ઇન્સ્પેક્ટર પી. બી. ચૌધરી સાથે થયેલી મુલાકાત દરમિયાન સાહજિક એક પ્રશ્ન પૂછ્યો  કે "આપ અસમાજિક ગુંડા તત્ત્વો પર આક્રમક બની કાયદાનો કોરડો વીંઝો છો. તો આવા તત્ત્વો તરફથી આપને ધમકીઓ મળે છે ? ક્યારેય એની ફીકર થાય ખરી ?? "
    તેજસ્વી ચહેરા પર સ્મિત લહેરાવતા પી.બી. ચૌધરીએ આત્મવિશ્વાસ પૂર્વક એટલો જ પ્રત્યુત્તર વાળ્યો કે "જીવનમાં મૃત્યુ નિશ્ચિત છે. એ કોઈપણ રીતે આવે એનાથી વળી ડર કે ફીકર શેની ? ખાખી વર્દી ધારણ કરી એ દિવસથી જ મોતનો  ડર, ફીકર, ચિંતા જેવા શબ્દો જ મારા શબ્દકોષમાંથી કાઢી નાખ્યા છે."
   આ વાત કરતાં ખાખી પ્રત્યેનું ગૌરવ તેમની ચમકતી આંખોમાં સ્પષ્ટ દેખાઈ આવતું હતું. તેમના દ્વારા કહેવાલી વાતો એ કોઈ ફિલ્મી ડાયલોગ નથી. પરંતુ અવારનવાર જિલ્લામાં અસમાજિક તત્વો, બુલેટલેગરો અને ગુંડા તત્ત્વોનો શાન ઠેકાણે લાવવા તેઓ સાહસભર્યા કારનામા કરતા રહે છે. ગઈ ધનસુરા તાલુકાના શિણોલ પાસેની ઘટના પી. બી. ચૌધરીની નીડરતા અને બાહોશીનું જ્વલંત ઉદાહરણ છે. 

– ઈશ્વર પ્રજાપતિ
98251 42620

Tuesday, September 22, 2026

સવા સો પરગણાનું સવાયું રતન ૧. - ડૉ. જિતેન્દ્ર પ્રજાપતિ.

 સવા સો પરગણાનું સવાયું રતન ૧. - ડૉ. જિતેન્દ્ર પ્રજાપતિ.


ડૉ. જિતેન્દ્ર પ્રજાપતિને નામથી સમાજમાં જવલ્લે જ કોઈ જાણતું હશે, પરંતુ ગુજરાતના સાહિત્ય જગતમાં એવી વ્યક્તિ શોધવી મુશ્કેલ છે કે સવા સો ગોળના આ સવાયા રતન ડૉ .જિતેન્દ્ર પ્રજાપતિના નામથી પરિચિત ન હોય !

જે ને ઊગવું છે એ ભીંત ફાડીને પણ ઊગી નીકળે છે. આવી વિરલ પ્રતિભાઓ પાસે વિપરીત પરિસ્થિતિનાં બહાના કાઢવાની ફુરસત જ નથી હોતી. એનું જ્વલંત ઉદાહરણ એટલે જ  ડૉ. જિતેન્દ્ર પ્રજાપતિ

દુનિયા માટે ડૉ. જિતેન્દ્ર પ્રજાપતિ પરંતુ આપણા સહુ માટે તો ભાઈ જીતુ !  જીતુ થી ડૉ. જિતેન્દ્ર પ્રજાપતિ સુધીની તેમની યાત્રા સમાજના સૌ કોઈ વિદ્યાર્થી અને યુવાનો માટે પ્રેરક છે. 
     માતા વહાણવટી જ્યાં સાક્ષાત બિરાજે છે એ પાવન ઘડિયા ગામ તેમનું વતન. ખૂબ ઓછી વયે માતા-પિતાની છત્રછાયા ગુમાવી.  જીતુના જીવનનો એ તબ્બકો એટલો તો નાજુક હતો કે જાણે જીવતર આખુ વેર વિખેર થઈ ગયું. પરંતુ મા વહાણવટી પરની પ્રગાઢ શ્રદ્ધા, સ્વર્ગસ્થ માતાપિતાના અંતરિક્ષમાંથી અવિરત વરસતા આશીર્વાદ અને પુરુષાર્થના બળે જીતુ ફિનિક્સ પક્ષીની જેમ રાખમાંથી બેઠો થયો. પડકારોને પડકાર્યા. હાડમારીઓ વચ્ચે અભ્યાસ ચાલુ રાખ્યો. પીટીસી કર્યું. અને બાપા સીતારામના ધામ બગદાણામાં શિક્ષક તરીકે જોડાયા. અહીં તેમની કલમ પર મા શારદાની કૃપા વરસી. કવિતાઓ, ગઝલો, બાળગીતો અને બીજું કેટકટેલું તેમની કલમે પ્રગટ્યું!
તેમની કલમમાં એવો તો જાદુ ભર્યો હતો કે વંદનીય મોરારિ બાપુએ તલગાજરડાના આંગણે અસ્મિતા પર્વમાં કવિતા પઠન કરવા નિમંત્રણ આપ્યું.  કોઈપણ કવિ માટે મોરારિ બાપુ સમક્ષ કાવ્ય પાઠ કરવો એ જીવનનું સપનુ હોય છે ! ભાઈ જીતુએ તેની કઠોર શબ્દસાધનાથી યુવાવયે એ આ ગૌરવ પૂર્ણ મુકામ હાંસલ કર્યું.

તેમનું સૌથી પહેલો ગઝલ સંગ્રહ ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા પ્રગટ કરવામાં આવ્યો. એ પછી તેમની કલમને જાણે પાંખો ફૂટી. ગઝલ ઉપરાંત તેમની કલમે એવાં તે બાળગીતો ફૂટ્યાં કે રાજ્ય ભરની શાળાઓના વર્ગખંડો જીતુભાઈના બાળગીતોથી ગુંજી ઊઠ્યા. ગૌરવની વાત તો એ છે કે મહારાષ્ટ્ર રાજ્ય સરકાર દ્વારા ચાલતી શાળાઓમાં ગુજરાતી પાઠ્ય પુસ્તકમાં ભાઇ જીતુ ભાઈની કવિતોને સ્થાન મળ્યું છે. મહારાષ્ટ્રમાં રહેતાં ગુજરાતી બાળકો કિલ્લોલ સાથે જીતુભાઈની કવિતા ઓ ભણી રહ્યાં છે.

પોતે એક નીવડેલા કવિ હોવા સાથે તેમની વિદ્યાર્થીવૃત્તિ જીવંત રાખી છે. સંતોષકારક સરકારી નોકરી મળ્યા પછી પણ જીતુભાઈએ અભ્યાસ ચાલુ જ રાખ્યો. અને પ્રચંડ પુરુષાર્થ કરી BA, MA B.ed અને Phd  સુધીનો અભ્યાસ સફળતા પૂર્વક પૂર્ણ કર્યો. સાવ સામાન્ય સ્થિતિમાંથી નીકળી આપબળે આગળ વધવું હોય તેઓ સૌ માટે સવા સો  ગોળના સવાયા રતન સમાન જીતુભાઈ પ્રેરક ઉદાહરણ છે. આવી વિરલ પ્રતિભાનું સમાજને માર્ગદશન મળી રહે તો કંઈક કરવા મથતા સમાજના અનેક વિદ્યાર્થીઓની કારકિર્દી ઉજ્જવલ બની શકે એમ છે.
આવો સમાજની આવી પ્રતિભાઓને પિછાણીએ અને સાથે મળી સન્માનીએ.
(સમાજની આવી વધુ એક પ્રતિભાનો પરિચય માટે વાંચતા રહો.)

- ઈશ્વર પ્રજાપતિ
9825142620

Monday, September 21, 2026

શિક્ષણજગતનું અણમોલ ઘરેણું : શૈલેષભાઈ પ્રજાપતિ

શિક્ષણને જ જીવનધ્યેય બનાવી ખૂંપી જનાર શૈલેષભાઈ જેવા વિદ્યાર્થીપરાયણ શિક્ષક ખરા અર્થમાં શિક્ષણજગતનું અણમોલ  ઘરેણું છે.

        શૈલેષકુમાર કાન્તિલાલ પ્રજાપતિ એટલે નખશીખ કર્તવ્યપરાયણ  શિક્ષક.  હાલ તેઓ  પી.એમ શ્રી આકરૂન્દ શાળામાં ઉપ શિક્ષક તરીકે ફરજ બજાવે છે. તેમના પિતા કાન્તિલાલ પ્રજપતિ પણ  નિષ્ઠાવાન અને આદર્શ શિક્ષક !  તેમના પિતા તરફથી શિક્ષણ અને સંસ્કારીતાનો વારસો શૈલેશભાઈને  ભેટ મળ્યો. પિતા કાન્તિલાલ પોતે ગણિત વિજ્ઞાનના તેજસ્વી શિક્ષક તરીકે મેઢાસણ હાઈસ્કૂલમાં સુદીર્ધ સેવાઓ આપી નિવૃત્ત થયા છે. એંશી વટાવ્યા પછી પણ શિક્ષણનિષ્ઠા તેમના હ્રદયમાં ધબકે છે. આજે પણ તેમણે વિદ્યાર્થીઓ પ્રિય છે. અને આજેપણ તેમના આવજમાં શિક્ષત્વનો એ જ રણકો બરકરાર છે. પિતાનો શિક્ષણ વારસો  શૈલેશભાઈમાં પણ સીધો ઉતરી આવ્યો છે.

શૈલેશભાઈનું મૂળ વતન મોડાસા તાલુકાનું ખંભીસર ગામ. ધોરણ ૧ થી ૭  સુધીનું પ્રાથમિક શિક્ષણ વતનની જ પ્રાથમિક શાળામાં મેળવ્યું. ભણવામાં પહેલેથી જ તેજસ્વી. અક્ષર તો શરૂઆત થી જ  એવા કેળવાયેલા કે જાણે મોતીના દાણા જ જોઇલો. ધોરણ ૮ ના અભ્યાસ માટે મેઢાસણ હાઇસ્કૂલમાં પ્રવેશ મેળવ્યો. અહી પણ તેમની પ્રતિભા ઢાંકી રહી નહિ. વર્ષ ૧૯૯૧માં  ધોરણ દસમાં આખા સેન્ટરમાં પ્રથમ આવી પ્રતિભાનો પરચો આપી દીધો.  ધોરણ અગિયાર વિજ્ઞાન પ્રવાહમાં હિંમતનગર હાઇસ્કૂલમાં પ્રવેશ  મેળવ્યો. પરંતુ નિયતિએ શૈલેશભાઈને પ્રાથમિક શિક્ષક બનાવવાનું નક્કી કર્યું હશે એટલે આખરે કડિયાદરા ખાતે પી.ટી.સી. માં પ્રવેશ મેળવ્યો. કડિયાદરામાં એક આદર્શ અને શિસ્તબદ્ધ શિક્ષકનું ઘડતર થયું. મૂળે તો અભ્યાસુ જીવ એટલે નવરા બેસવું તો એમને કેમ ફાવે. રાયગઢની હાઈસ્કૂલમાં ધોરણ અગિયાર – બાર કર્યું. બારમા ધોરણમાં પણ સેન્ટરમાં પ્રથમ આવ્યા. એ પછી મોડાસા કોલેજમાં પ્રવેશ મેળવી અગરાજી વિષય સાથે BA કર્યું.

શૈલેષભાઈ અને તેમના પરિવાર માટે ૧૯૯૭ના શરૂઆતમાં જ જાણે સોનાનો સૂરજ ઊગ્યો. ૨ જી  જાન્યુઆરી ૧૯૯૭ ના રોજ અમરેલી જિલ્લના કોડીનાર તાલુકાના છારા કન્યા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે જોડાયા. શિક્ષકની નોકરીનો ઉત્સાહ અને યુવાનીનો તરવાળાટ ! વર્ગખંડો બાળગીતો-વાર્તાઓથી ગૂંજી ઊઠ્યા. બે-એક વર્ષ પસાર થયાં હશે ત્યાં જિલ્લા વિભાજન થતાં છારા ગામ ભાવનગર જીલ્લામાં જતાં,  શૈલેશભાઈ તારીખ૨૨ મી જૂન ૧૯૯૯ના રોજ બદલી થઈ  અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના હિરાણા પ્રાથમિક શાળામાં ઉપ શિક્ષક તરીકે જોડાયા.

એ સમયની હિરાણા પ્રાથમિક શાળામાં માંડ ત્રણેક શિક્ષકો અને બહુ થોડાં વિદ્યાર્થીઓ, એ પણ અનિયમિત. શાળા સાવ જર્જરિત ! જર્જરિત શાળા અને વિદ્યાર્થીઓની પાંખી હાજરી તેમના હ્રદયને સતત ડંખ્યા કરતી. શૈલેષભાઈએ અહી આવીને શિક્ષણની અખંડ  જ્યોત પ્રગટાવી. વર્ગખંડમાં વિદ્યાર્થીઓ સાથે ઓતપ્રોત રહેતા શૈલેષભાઈએ ખુબ ઓછા સમયમાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને ગ્રામજનોના દિલ જીતી લીધા. ૮ મી ડીસેમ્બર ૨૦૦૩ ના રોજ શૈલેષભાઈ પર આચાર્યની પણ જવાબદારી આવી. આ જવાબદારીને પણ તેમણે સહર્ષ સ્વીકારી પડકાર ઝીલી લીધો. સૌથી પહેલાં તો જર્જરિત શાળાને નવપલ્લવિત કરવાનું મન બનાવ્યું. ગ્રામજનોને એકત્રિત કરી શૈલેષભાઈએ શાળાને નવપલ્લવિત કરવાના પોતે જોયેલા સપનાની વાત રજૂ કરી. શૈલેષભાઈના અવાજમાં હિરાણા ગામ માટે  કંઈક કરી છુટવાની ખેવના હતી, આંખોમાં આત્મવિશ્વાસ છલકતો હતો.  ગ્રામજનોએ આ નિષ્ઠાવાન શિક્ષકનો પડ્યો બોલ ઝીલી લીધો. દાતાઓ તરફથી દાનની સરવાણી વહી. તો બીજી બાજુ સરકાર તરફથી પણ સહકાર મળ્યો. અને જોત જોતામાં શાળાનું આલીશાન ભવન ઉભું કરી દીધું. હિરાણા શાળાના આ નવા ભવનને બનાવવા શૈલેષભાઈ ભાઈએ દિવસ રાત એક કરી દીધા. આજે પણ  હિરાણા શાળાના પાયામાં શૈલેષભાઈએ સિંચેલા તેમના પરસેવાની સુવાસ મહેંકી રહી છે.  એક સમયની જર્જરિત શાળા આજે અમરેલી જિલ્લાની પ્રથમ હરોળની શાળા બની રહી તેની પાછળ શૈલેષભાઈની અવિરત સાધના સમાયેલી છે.

     શાળા નવી તો બની ગઈ એ સાથે સાથે વિદ્યાર્થીઓ ના ભવિષ્ય ઘડતરમાં પણ શૈલેશભાઈના નેતૃત્ત્વમાં શાળા જિલ્લામાં અવ્વલ આવવા લાગી. અભ્યાસિક પ્રવૃત્તિ હોય કે સહભ્યાસિક પ્રવૃત્તિ હિરાણા શાળા હમેશા મોખરે જ હોય ! શૈલેશભાઈનું કામ માત્ર વર્ગખંડ પૂરતું માર્યાદિત નથી. તેઓ રાજ્યમાં તજજ્ઞ તરીકે પણ સેવાઓ આપી છે. વિદ્યાર્થી પ્રિય શિક્ષક હોવા ઉપરાંત વહીવટી કામમાં પણ એટલા જ કુશળ. કોઇપણ કામ હોય તેમાં તેમની ચીવટ ઉડીને આંખે વળગે તેવી. શૈલેશભાઈના ભણાવેલા વિદ્યાર્થીઓમાં કોઈ જાણીતા ડોકટર છે તો કોઈ એન્જિનિયર. કોઈ બિજનેસ મેન છે તો કોઈ સફળ કિસાન. આજે તેમના ભણાવેલા વિદ્યાર્થીઓ વિશ્વના અમેરિકા જેવા દેશોમાં ડંકો વગાડી રહ્યા છે. વતનથી દૂર રહી શૈલેષભાઈએ  હિરાણા ગામને જ પોતાનું સવાયું વતન બનાવી એક તપસ્વિની જેમ શિક્ષણયજ્ઞની ધૂણી ધખાવી.  આજે શાળા ઉપવન બની ચોમેર સુવાસ પ્રસરાવી રહી છે.

સરકારી કાર્યક્રમ કોઇપણ હોય તેનું સભા સંચાલનની જવાબદારી શૈલેષભાઈની જ હોય. આમ તેમની બહુમુખી પ્રતિભાને ધ્યાને લઈ તત્કાલિન શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચડાસમા સાહેબના હસ્તે શ્રેષ્ઠ આચાર્ય તરીકે તેમનું સન્માન કરવામ આવ્યું. આ સિવાય પણ પ્રતિભાશાળી શિક્ષક તરીકે અનેક સન્માનોથી તેમને નવાજવામાં આવ્યા.

સત્યાવીસ વર્ષ જેટલા સુધીર્ધ કાળ સુધી હિરાણા પ્રાથમિક શાળામાં એક સનિષ્ઠ આચાર્ય તરીકે સેવાઓ આપી, વતનના જિલ્લા અરવલ્લીની આકરૂન્દ શાળામાં બદલી થઈ.. તેમની બદલીના સમાચાર જાણી  માત્ર હિરાણા ગામમાં જ નહિ પરંતુ આખા લાઠી તાલુકામાં જાણે સોંપો પડી ગયો. તેમની બદલી રોકવા માટે ગ્રામજનો અને આગેવાનોએ  રાજ્ય કક્ષા સુધી રજૂઆત કરવાની તૈયારી બતાવી. પરંતુ શૈલેશભાઈને વર્ષોના અંતે તેમના વયોવૃદ્ધ માતા પિતાની સેવા અર્થે વતનનો લાભ મળતો હોવાથી ભારે હૈયે તેમને ત્યાંથી વિદાય આપી. ગ્રામજનોએ જાજરમાન વિદાય સંભારંભ યોજી ઋણ અદા કરવાનો વિનમ્ર પ્રયાસ કર્યો.

૯ જૂન ૨૦૨૬ થી આકરૂન્દ શાળાને શૈલેશભાઈએ પોતાની કર્મભૂમિ બનાવી. એક નિષ્ઠાવાન શિક્ષક આકરૂન્દ શાળાને પ્રાપ્ત થયા. સત્યાવીસ વર્ષનો તેમનો આચાર્ય તરીકેનો અનુભવનો લાભ શાળાને પ્રાપ્ત થયો. આવતાંની સાથે જ શાળાની મહત્ત્વપૂર્ણ જવાબદારી સામેથી જ સ્વીકારી લીધી. બાળવાર્તા, બાળગીતો, કવિતાઓથી વાતાવરણ ગૂંજી ઊઠ્યું.  તેમનો વર્ગ સતત ધમધમતો જ હોય. અને વહીવટી કામ પણ કોઈ પણ સોંપો તો ખુબ ચિવટતાથી પૂર્ણ કરી જ દીધું હોય. શાળામાં સૌથી પહેલાં પહોંચવું અને ઘરે જવામાં કોઈ જ ઉતાવળ નહિ. શાળાનું કેટલુય કામ તો તેઓ ઘરેથી જ કરીને લાવે. ખુબ ઓછા સમયમાં શૈલેષભાઈએ આકરૂન્દ શાળાના વિદ્યાર્થીઓ અને શાળાના શિક્ષક પરિવારના દિલમાં સ્થાન મેળવી લીધું.બને એટલો સમય વિદ્યાર્થીઓ સાથે વિતાવવામાં તેમનું હૃદય આનંદ અનુભવે છે.

જે પોતાના કર્મ ક્ષેત્રમાં નિષ્ઠા અને ખંતથી ફરજ અદા કરે છે કુદરત પણ તેમનું વિશેષ ધ્યાન રાખતી જ હોય છે. શૈલેષભાઈનાં બે સંતાનોમાં દીકરી પ્રિયા BAMS નો અભ્યાસ કરી રહી છે. જયારે દીકરો મિત કોમ્પ્યુટર એન્જિનિયરનો અભ્યાસ કરી રહ્યો છે. તેમનાં અર્ધાંગીની હેમલત્તાબેન મિતભાષી અને પ્રેમાળ છે. હેમલત્તાબેનનું દૃઢપણે માનવું છે કે  માતાપિતા અને પરિવારની સેવામાં જ સાચું સુખ સમાયેલું છે.

શૈલેશભાઈ એક કર્તવ્યનિષ્ઠ શિક્ષક તો છે જ સાથે સાથે તેઓ સ્પષ્ટ અને સત્યવકતા પણ છે. તેમનો મિલનસાર સ્વભાવ તેમના જીવનની મૂડી છે. બાળક સાથે બાળક બની શકે તો વડીલો સાથે વડીલ બની તેમને  સથવારો પણ આપી શકે છે.

શિક્ષણને જ જીવનધ્યેય બનાવી ખૂંપી જનાર શૈલેષભાઈ જેવા વિદ્યાર્થીપરાયણ શિક્ષક ખરા અર્થમાં શિક્ષણજગતનું અણમોલ  ઘરેણું છે. મા સરસ્વતીના સાચા ઉપાસક એવા  શૈલેષભાઈનો જન્મ દિવસ છે ત્યારે તેમના નિરામય સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે  કરબદ્ધ પ્રાર્થના !

સંપર્ક: શૈલેષભાઈ પ્રજાપતિ - 94262 42950 

      

 - ઈશ્વર પ્રજાપતિ 

9825142620

 

Sunday, September 20, 2026

સન્ડે સ્પેશિયલ

 

હાથમાં મીંઢળ સાથે લગ્નની આગલી રાત્રે બાઈક લઈ ઘરેથી નીકળેલો વિરલ આખરે  ગયો ક્યાં ?



ફેબ્રુઆરી ૨૦૨૫ ની આ વાત છે. લગ્નની મોસમ પૂરબહાર ખીલી ઊઠી હતી. અમરેલી જિલ્લાના ધારી તાલુકાના છેવાડે આવેલા એક ગામમાં શ્યામજીભાઈના ખોરડે પણ શરણાઈના સૂરો રેલાઈ રહ્યા છે. તેમના એકના એક દીકરા વિરલનાં  લગ્ન છે. લગ્નને હજી બે દિવસ બાકી છે પણ  મહેમાનોની પધરામણી થઇ રહી છે. વરરાજા વિરલના હાથે મીંઢળ બંધાયું છે. ગળામાં સોનાની મગમાળા અને હાથમાં કટારી શોભી રહી છે. વિરલનો ચહેરો ચમકી રહ્યો છે. તે  તેના મત્રો સાથે વાતો કરવામાં વ્યસ્ત છે.  એ સમયે વિરલના ઇન્સ્ટાગ્રામ આઈ.ડી. પર ઘંટડી રણકી. પહેલા તો તેનું ધ્યાન મોબાઇલ પર ગયું જ નહિ પરંતુ ત્રણ-ચાર વાર રીંગ વાગતાં વિરલે ફોન રિસીવ કર્યો. કોઈ અજણ્યા નંબર પરથી કોલ હતો. ફોન પર વાત કરતાં કરતાં જ વિરલના ચહેરા પરના ભાવ બદલવા લાગ્યા. કોઈને પણ કશું જ કહ્યા વિના બાઈક લઈ ઘરેથી નીકળી ગયો. આસપાસ બેઠેલા મિત્રોને થયું કે કોઈ વસ્તુ લાવવાની બાકી રહી ગઈ  હશે એ લેવા માટે વિરલ ગામમાં ગયો હશે,  હમણાં આવી જશે.

વિરલને ગયે કલાકથીય વધારે સમય થવા આવ્યો, પણ વિરલ પાછો ન આવ્યો એટલે સ્વાભાવિક રીતે બધા ચિંતા કરવા લાગ્યા. મત્રો અને સગા સંબધીઓએ ખોબા જેવડું  ગામ ફેંદી નાખ્યું. પણ ગામમાં તો વિરલ ક્યાંય હતો નહિ.પ વિરલનો ફોન પણ હવે સ્વીચ ઓફ હતો.  દિવસ આથમી રાત પાડવા આવી  પણ વિરલનો કોઈ જ પત્તો મળ્યો નહિ. વિરલના પિતા શ્યામજીભાઈએ સગાસંબંધીઓમેં ફોન કરી સમાચાર લેવા પ્રયત્ન કર્યો પણ વિરલના કોઈ જ સમાચાર નહતા. આખરે વિરલ ગયો ક્યાં ?   

શરણાઈના સૂર સમી ગયા. લગ્નનો આનંદ અને ઉત્સાહ ક્યાંય ઓસરી ગયો. પરિવારજનો અને આવેલ સહુ મહેમાનો વિરલની શોધખોળ કરવા નીકળી પડ્યા. રાત્રિના દસેક વાગ્યે શ્યામજીભાઈ ઉપર કાનજીભીનો ફોન આવે છે. કાનજીભાઈ આ ગામના વતની છે અને આ ગામથી પંદરેક કિલોમીટર દૂર આવેલા એક ગામમાં દુકાન ચલાવતા. કાનજીભાઈએ ફોનમાં જે જણાવ્યું એ સાંભળી  શ્યામજીભાઈના પગ નીચેથી જાણે જમીન જ સરકી ગઈ. કાનજીભાઈના જણવ્યા મુજબ વિરલ જંગલ વિસ્તારમાંથી પસાર થતા રસ્તા પર લોહી લુહાણ હાલતમાં પડ્યો હતો. તેનું બાઈક પણ લોહીથી રંગાઈ ગયું હતું. બાઈકથી વીસેક ફૂટ દૂર લોહીલુહાણ હાલતમાં પડેલા વિરલને જોતાં જ કોઈ ગમખ્વાર અકસ્માત થયો હોવાનું અનુમાન લગાવી શકાય એમ હતું. ઈજાઓ એટલી ગંભીર હતી કે હોસ્પિટલ જતાં પહેલાં જ વિરલે દમ તોડી દીધો.

થોડી વાર પહેલાં જે ઘર આંગણે શરણાઈની સુરાવલીઓ રેલાતી હતી એ ઘર આંગણું હૈયાફાટ  આક્રંદથી ચિત્કારી ઊઠ્યું.  લગ્નગીતનું સ્થાન  મરસિયાંએ લીધું. ધારી પોલીસ સ્ટેશને ઘટનાની જાણ થતાં જ પોલીસ તાબડતોબ દોડી આવી. પહેલી નજરે તો આ બનાવ ગમખ્વાર અકસ્માત જ લાગતો હતો પરંતુ અનુભવી  પોલીસ ઇન્સ્પેકટર એ. એમ. દેસાઈએ સત્યને શોધી કાઢવા જીતેન્દ્રભાઈ ભેડા, મિલનકુમાર અને તેમની ટીમેં મોરચો સંભાળ્યો. ઘટનાની ગંભીરતા સમજી અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાત આ કેસ પર ઝીણવટભરી નજર રાખી રહ્યા હતા.

વિરલને જે પ્રકારે માથાના ભાગે છાતીના ભાગે ગંભીર ઈજાઓ થઇ હતી એ જોતાં સ્પષ્ટ ખ્યાલ આવી જતો હતો કે આ કોઈ અકસ્માત તો નથી જ.તો પછી આવી બેરહેમીથી વિરલની હત્યા કોણે કરી હશે ? આ પ્રશ્ન સૌ કોઈના હૃદયને કોરી ખાતો હતો. વિરલને ઇન્સ્ટાગ્રામ દ્વારા કોણે ફોન કર્યો હશે ? એવું તે શું કહ્યું હશે કે વિરલ કોઈને પણ સાથે લીધા વિના એકલો જ બાઈક લઈને નીકળી પડ્યો ! રહસ્ય ઘેરાતું જતું હતું.

પોલીસે ઘટના સ્થળની ખુબ ઝીણવટભરી તપાસ કરી જોઈ પણ કોઈ મજબૂત સુરાગ હાથ લાગતો નહતો. પોલીસે ટેકનીકલ અને હ્યુમન રિસોર્સ કામે લગાડ્યા. જેના આધારે એક બાબત સામે આવી. વિરલના જે યુવતી સાથે લગ્ન થવાના હતા તે રૂપાની આ આગાઉ પણ બે-ત્રણ વાર સગાઇ થઇ હતી.  પરંતુ રૂપાની સગાઇ જે પણ યુવક સાથે થતી તે યુવકને  શકીલ નામનો શખ્સ ધાકધમકી આપીને સગાઇ તોડાવી નાખતો. શકીલ રૂપા પાછળ હાથ ધોઈને પડ્યો હતો. કોઇપણ ભોગે તે રૂપાને પામવા ઈચ્છતો હતો. પોલીસ માટે આટલી જ કડી કાફી હતી. પોલીસે જરા પણ વિલંબ કર્યા વિના ભાગવાની ફિરાકમાં ફરતા શકીલને દબોચી લીધો.

શકીલને પોલીસ સ્ટેશને લાવી પોલીસે પૂછપરછ આદરી પરંતુ શકીલ કોઈ વાત માનવા જ તૈયાર હતો નહિ. પોલીસે મજબૂત પુરાવા એકત્ર કરવા કમર કસી. ઘટના સ્થળના આસપાસના CCTV ફૂટેજ એકત્રિત કર્યા. જે તે સમયનું શકીલનું મોબાઈલ લોકેશન ટ્રેસ કરી વિશ્લેષણ કર્યું. પોલીસની શંકા હવે મજબૂત બની ગઈ. ધારી  પોલીસે હવે તેની આગવી શૈલીથી શકીલની આકરી પૂછપરછ આદરી. પૂછપરછ માટેની પોલીસની બદલાયેલી સ્ટાઈલ જોઈ શકીલનાં મોતિયાં મારી ગયાં. અને પોપટ જેમ સત્ય ઓકવા લાગ્યો.    

પોલીસ સમક્ષ શકીલે સ્વીકાર્યું કે તે રૂપાના પ્રેમમાં પાગલ હતો. અગાઉ પણ રૂપાની સગાઇ જે યુવકો સાથે થઇ હતી તેમને શકીલે જ ધમકાવી સગાઇ તોડાવી નાખી હતી. વિરલને પણ સગાઇ તોડવા શકીલે પ્રયત્નો કર્યા હતા પરંતુ વિરલ શકીલની વાત માની નહિ. અને આખરે લગ્નના બે દિવસ આગાઉ જ વિરલનું કાસળ કાઢી નાખવાનું ષડયંત્ર રચ્યું. શકીલે યુક્તિ પૂર્વક વિરલને ઈન્સ્ટાગ્રામ એપ દ્વારા ફોન કરી જણાવ્યું કે તેની થનાર પત્ની રૂપા અને  શકીલના અંગત પળોના આપત્તિજનક ફોટા અને વિડીઓનું આખું મેમરી કાર્ડ તેની પાસે છે. જો તારે જોઈતું હોય તો અત્યારે જ આવી ને લઈ જા. શકીલની વાતોમાં આવી વિરલ એ મેમરી કાર્ડ લેવા એકલો જ બાઈક લઈને નીકળી પડ્યો. જંગલ વિસ્તારમાં શકીલ તેની રાહ જોતો જ ઉભો હતો. વિરલ જેવો ત્યાં પહોંચ્યો ત્યાં જ લોખંડની વજનદાર પાઈપ લઈ શકીલ તેના પર તૂટી પડ્યો. વિરલ કાંઈ સમજે એ પહેલાં જ ત્યાં લોહી લુહાણ થઇ ઢળી પડ્યો. અને શકીલ નિર્દય બની વિરલ પર ઘાતક  પ્રહાર કરતો રહ્યો. નિર્જન વનવગડામાં વિરલની ચીસ સાંભળી શકે એવું કોઈ જ નહતું. અને આખરે વિરલનું પ્રાણ પંખેરું ઉડી ગયું.

સમગ્ર અમરેલી પંથકમાં ચકચાર જગવનાર આ કેસ ધારી પોલીસ ઇન્સ્પેકટર એ. એમ. દેસાઈએ સત્યને શોધી કાઢવા જીતેન્દ્રભાઈ ભેડા, મિલનકુમાર અને તેમની ટીમેં ગણતરીના દિવસોમાં ઉકેલી હત્યારા શકીલને જેલના સળિયા પાછળ ધકેલી દીધો. શકીલ તો જેલના હવાલે થઇ ગયો પરંતુ શ્યામજીભાઈએ તો તેમનો  એકના એક દીકરો ગુમાવ્યો, ઘડપણની લાકડીનો ટેકો ગુમાવ્યો. તેમના પરિવારનો  કુળદીપક કાયમ માટે બુઝાઈ ગયો.

અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાત કહે છે. : “એક તરફી પ્રેમાંધ બનેલી વ્યક્તિ કોઈ નિર્દોષની હત્યા કરવા પ્રેરાય એ સભ્ય સમાજ માટે ખતરાની ઘંટી સમાન ઘટના છે. ગુનાહિત માનસિકતા ધરાવતા તત્ત્વો રોમિયોગીરી કરી કોઇપણ યુવતીને પરેશાન કરે  તો યુવતીએ તરત જ પોલીસ હેલ્પલાઇન દ્વારા પોલીસનો સંપર્ક કરવો હિતાવહ છે. આપણે ખરા સમયે દાખવેલી સાવચેતીથી સમાજમાં બનતી ઘણી  અનિચ્છનીય ઘટનાઓ ટાળી શકીએ છે.”

- ઈશ્વર પ્રજાપતિ 

9825142620

Sunday, September 13, 2026

સન્ડે સ્પેશિઅલ

  

દેવરાજ ધામ : જ્યાં દેવાયત પંડિતે માતા દેવલદે સાથે  પધરામણી કરી આગમવાણી ઉચ્ચારી હતી.


            આજે ભાદરવા સુદ બીજ છે. અલખધણી રામાપીરને બાર બીજના ધણી પણ કહેવામાં આવે છે. બીજ પંથીઓમાં  બીજનું અનેરું  મહત્ત્વ છે. દેશ  દુનિયામાં વસતા હજારો બીજપંથીઓ માટે અપ્રતિમ આસ્થાનું કેન્દ્ર એટલે દેવરાજ ધામ ! 
      અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસાથી પાસે આવેલ દેવરાજ ધામ અરવલ્લીનું અનમોલ ઘરેણું સમ શોભી રહ્યું છે. અરવલ્લીની વૃક્ષાચ્છાદિત ગિરિમાળાની એક ઉચ્ચ ગિરી શિખર પર દેવરાજ ધામ સ્થિત છે. શહેરના પ્રદુષણ અને ઘોઘાટથી બિલકુલ દૂર નયન રમ્ય પ્રાકૃતિક વાતાવરણ વચ્ચે વિકસેલું આ ધામ 700 વર્ષ પહેલાનો ભવ્ય વારસો સાચવીને બેઠું છે. શિખર પરથી ચોતરફ નજર માંડતા અદ્ભૂત કુદરતી સૌંદર્યથી મન મંત્રમુગ્ધ બની જાય છે. આવો આજે આ પવિત્ર ધામનો પરિચય મેળવીએ.
             આશરે સાતસો વર્ષ પહેલાંની વાત છે. ગુજરાતના સોરઠ પ્રદેશમાં ઉબેણ' નદીને કાંઠે આવેલ વંથલી ગામ. આ ગામમાં નિવાસ કરતા ઉદાઅંબોટી અને સોનાબાઈ નિઃસંતાન દંપતી હતાં. તેમના ધર્મગુરુ સંતશ્રી શોભાજીના આશીર્વાદથી શિવલયના પખાલના પુષ્પોમાંથી એક બાળક પ્રાપ્ત થાય છે. ભક્તિ પારાયણ દંપતીએ દેવના દીધેલ આ દીકરાનું નામ દેવો રાખ્યું. એક વાર એવું બન્યું કે આ દેવો સાધુ સંતો સાથે તરણેતરના મેળામાં જાય છે. ત્યાં જુદી જુદી જગ્યાએથી સાધુ મહાત્મા ઓ આવ્યા હતા. ધાર્મિક ચર્ચાઓ દરમિયાન તેઓના માનસ પર એક મહાત્માનો અદભુત પ્રભાવ અનુભવાયો. તે દિવસથી સંસાર પર થી તેઓનું મન ઉતરી સન્યાસ તરફ ખેંચવા લાગ્યું.
તરણેતરના મેળામાંથી પરત વતન વંથલી જવાના બદલે તેઓ ગિરનાર પહોંચી ગયા. ગિરનારની અડાબીડ ઝાડીમાં ફરવા લાગ્યા અને સાધુ સંતોની સેવા કરવા લાગ્યા. તેઓએ ગિરનારની પાવન ભૂમિમાં ઘણો સમય પસાર કર્યો પરંતુ મનના  પ્રશ્નોનું નિરાકરણ મળતું ન હતું. 
         તેવામાં એક દિવસ શોભાજી નામના મહાત્માનો મેળાપ થયો. શોભાજીનું સાનિધ્યમાં મનના પ્રશ્નોનું નિરાકરણ મળવા લાગ્યું. શોભાજીએ દેવયતને ગુરુકંઠી બાંધી ઉપદેશ આપતા કહ્યું કે સાધુ બનો તેના કરતાં સંસારમાં રહી ધર્મથી વિમુખ થતા લોકોને ભક્તિ પ્રેરનાનો ઉપદેશ આપશો એ સમાજ માટે વધુ ઉપયોગી બની રહેશે. દેવયતને સદગુરુ સંતશ્રી શોભાજી મહારાજે જ્ઞાન વચન આપીને કહ્યું "જ્યાં કુવારીકા ભૂમિ હશે ત્યાં તમને ત્રિકાળજ્ઞાન પ્રાપ્ત થશે."
              ગુરુઆજ્ઞા માથે ચડાવી દેવાયત ત્યાંથી કાશી ગયા અને પરત આવી ગુરુ આજ્ઞા પ્રમાણે દેવલદે સાથે લગ્ન કર્યા. ગુરુ વચનો પ્રમાણે દેવયતને આત્મજ્ઞાન પ્રાપ્તિની તરસ જાગે છે અને જગ પરિભ્રમણ અર્થે ચાલી નીકળે છે. વિચરણ કરતા કરતા ઇટવા, મોરધાર, કોલંભા, કુંઢેલી, હાથબ, મોડાસર, સેકલા ( રાજસ્થાન) , બેણેશ્વર, થઈ દેવાયત પંડિત માતા દેવલદે સાથે મોડાસા પાસે આવેલ બાજકોટ ગામના પહાડના શિખર પર પધરામણી કરે છે.
            દેવાયત પંડિત અહીં આવ્યા ત્યારે તેઓના ખોબામાં જુવાર હતી. તેમાંથી કેટલાક દાણા જમીન પર પડતાંની સાથે જ ધણીના ફૂલ બની જતાં તેમને પોતાના ગુરુજીના વચનો મુજબ ત્રિકાળજ્ઞાન થતાં ભવિષ્યવાણી ઉચ્ચરવા લાગ્યા. આ ભવિષ્ય વાણી સતી દેવલદેને સંબોધીને કહી.
દવાયત પંડિતનું નામ અગામવાણી કરનાર મુખ્ય ત્રણ વ્યક્તિઓમાં થાય છે. એક ત્રિકાળજ્ઞાની સહદેવ, સરણાવ ઋષિ અને ત્રીજા દેવાયત પંડિત. આશરે સાતસો વર્ષ પહેલાં ઉચ્ચરેલી આ ભવિષ્ય વાણી આજે યથાર્થ સાબિત થતી લાગે છે

અગમ વાણીના કેટલાક અંશો 

દેવાયત પંડિત દા'ડા દાખવે‚ સુણો તમે દેવળદે નાર‚
આપણા ગુરુએ આગમ ભાખિયા‚ 
જૂઠડા નહીં રે લગાર ;
લખ્યા ને ભાખ્યા‚ સોઈ દિન આવશે,
એવા દેવાયત પંડિત દાડા દાખવે,,,
પહેલા પહેલા પવન ફરુકશે‚ 
નદીએ નહીં હોય નીર‚
ઓતર દિશાથી સાયબો આવશે‚ 
મોખે હશે હનુમો વીર,
લખ્યા ને ભાખ્યા‚ સોઈ દિન આવશે,
કાંકરિયા તળાવે તંબુ તાણશે‚ 
સો સો ગાઉની સીમ‚
રૂડી ને દિસે રળિયામણી‚ ભેળા આવશે અર્જુન 'ને ભીમ,
લખ્યા ને ભાખ્યા‚ સોઈ દિન આવશે,
ધરતી માથે હેમર હાલશે‚ સૂના નગર મોઝાર‚
લખમી લૂંટાશે લોકો તણી‚ 
નહીં કોઈ રાવ કે ફરિયાદ,
લખ્યા ને ભાખ્યા‚ સોઈ દિન આવશે,
એવા દેવાયત પંડિત દાડા દાખવે,,,

            આવી અનેક રચનાઓ ક્રમશઃ લોકજીભે ચડી ગઈ. અને ભજનો રૂપે વણાતી ચાલી આવી. કુવારીકા આ ભૂમિ પર દેવાયત પંડિત અને સતી દેવલદે જીવતી સમાધિ લઈ બ્રહ્મલીન થયાં. 

          તેઓના પ્રખર તપોબળથી આ ભૂમિ પાવક ભૂમિ બની છે. આજે આ ધામ પર અતિ પ્રાચીન કાળનો અલંકારીત કળશ સ્થાપિત છે. બારીક કોતરણી વાળા ખાંચાઓમાં પંચધાતુના વરખ બેસાડવામાં આવેલ છે. એવુ કહેવાય છે કે વર્ષો પહેલા આબુ પર્વત ખાતે રાણા કુંભાના સમયમાં સર્વે મહાધર્મીઓ અને સિદ્ધોની હાજરીમાં સવારો મંડપ રચવામાં આવ્યો હતો. તે કાળે દેવાયત પંડિત મહારાજને સિદ્ધ બાબા રામદેવ ભગવાને સ્વહસ્તે આ કળશ હાથો હાથ અર્પણ કરેલ છે.
       દેવાયત પંડિતજીના બ્રહ્મલીન થયા બાદ બીજપંથના અનુયાયી એવા બુદ્ધગીરીજી બાવજી દ્વારા ચેતન સમાધિની સેવા પૂજા કરવામાં આવતી.  આજે બુદ્ધગીરી બાવજીના  વંશપરંપરાગત બાર પેઢીના મહંતશ્રી ધનેશ્વરગીરી બાવજી દ્વારા ચેતન સમાધિ મંદિરમાં અવિરત પણે ભક્તિની જ્ઞાનગંગા વહેવડવામાં આવી રહી છે.
          દેવરાજ ધામના મહંતશ્રી ધનેશ્વરગીરી બાવજી દ્વારા ધામ પર સવિશેષ કૃપા દૃષ્ટિ થતી રહી છે. આ સમાધિ સ્થાનક પર આજે ભવ્યાતિભવ્ય મંદિર નિર્માણ પામ્યું છે. અહીં વિષ્ણુ અવતારી ભગવાન સિદ્ધ રામદેવજી મહારાજનું પણ મંદિર છે. પ્રતિ વર્ષે આ ધામ પર મોટા મહાધર્મના મેળાવડાઓ અને ભજન આરાધના થતાં રહે છે. મહંત શ્રી ધનેશ્વરગીરી બાપુ સર્વે ધર્મ પ્રેમી જનો માટે એક પ્રેરણા છે. ભકતો, લેખકો,કવિઓ અને અભ્યાસુઓ માટે મહંતશ્રીએ એક અદ્યતન પુસ્તસ્કલાય નિર્માણ કરાવ્યું છે. જેમાં અતિ પ્રાચીન અલભ્ય હસ્તલિખિત પ્રતો પૌરાણિક ધર્મગ્રંથો, દસ્તાવેજો અને પુસ્તકો રાખવામાં આવ્યા છે. મહંત શ્રીના અવશિષ્ઠ પુસ્તક પ્રેમ માટે અધિક આદર ઉપજાવે છે .
          700 ઉપરાંત ગામો આ સ્થાનના નેજામાં આવે છે . ગામે ગામ ફરી લોકોને વ્યસનમુક્તિ, કુરિવાજો અને અન્ય દુષણો માંથી મુક્ત થવા ઉપદેશ અપાય છે. જે ના પ્રતાપે સેંકડો લોકો દુષણોમાંથી મુક્ત બની ભક્તિના સદમાર્ગે વળ્યાં  છે. 
          હાલ દેવરાજ મંદિરના નૈઋત્ય ખૂણાએ એક અતિ પ્રાચીન ભોંયરૂ આવેલું છે. આ ભોંયરૂ ખાસ પ્રસંગોએ દર્શન પૂજન માટે ખુલ્લું કરવામાં આવે. વળી મંદિરની તળેટીમાં ઉત્તર દિશાએ પુરાતન સમયનો એક વિશાળ જલકુંડ આવેલ છે. જેનું બાંધકામ પુરાતન કાળમાં માત્ર પથ્થરોથી જ કરવામાં આવેલ છે. જલકુંડની પાળ પર શ્રી કૈલાસગીરી બાવજીના પરમ પ્રિય શિષ્ય શ્રી લહેરીગીરી બાપુની જગ્યા આવેલી છે. જ્યાં વર્તમાનમાં ધૂણો હયાત છે. ધામ હસ્તક 'અલખ વાડી' નામે વાડી આવેલી છે. જ્યાં વૃક્ષો, વેલીઓ, ફળફળાદી, ફૂલછોડ વગેરે વાવીને હરિયાળા ઉપવનનું નિર્માણ કર્યું છે.
         આ જગ્યા કુવારીકા જગ્યા હોવાથી મંદિરમાં કદી પણ કેરોસીનનો ઉપયોગ કરવામાં આવતો નથી. અને અહીં કદી મંગળ ફેરા કે લગ્ન વિધિ કરવામાં આવતી નથી.
          માઝૂમ નદીના કિનારે આવેલ આ તપો ભૂમિ પર કુદરતે જાણે તેનું હેત વરસાવ્યું હોય તેમ ચોતરફ નયનરમ્ય વનરાજી પથરાયેલી છે. જ્યાં વિવિધ પ્રાણી પક્ષીઓ નિર્ભર રીતે વિહાર કરી શકે છે.
         દેવરાજ ધામ પહાડની ટોચ પર આવેલ દર્શનીય ધામ છે. અપ્રતિમ નૈસર્ગીક સૌંદર્ય ધરાવતું આ ધામ આબાલવૃદ્ધ સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. બીજ અને પૂનમ ના દિવસે અહીં મેળા જેવો માહોલ હોય છે. મહાસુદ બીજ, ગુરુ પૂર્ણિમા અને ભાદરવા સુદ બીજના દિવસે દૂરસુદુરથી ભક્તો અહીં ઉમટી પડે છે.
ભાદરવા સુદ બીજ નિમિત્તે આજે રાત્રે પણ ગુજરાતના સુખ્યાત ભજનિકો દ્વારા આખી રાત ભજનની સત્સંગની આહલેખ જામશે. 

- ઈશ્વર પ્રજાપતિ 
98251 42620

Sunday, September 6, 2026

સન્ડે સ્પેશિયલ

 

પત્રકારની ધારદાર અને વેધક કલમને જયારે કલ્પનાનાની પાંખો ફૂટે છે ત્યારે.. !


        વરિષ્ઠ પત્રકાર આદરણીય દેવેન્દ્રભાઈ પટેલ એટલે પત્રકારિતા જગતમાં ઝળહળતું એક નામ !  કોઇપણ કાર્યક્ષેત્રમાં  છ-છ  દાયકાથી એકધારી અને અપ્રતિમ લોકચાહના જાળવી રાખવી એ એક મોટો પડકાર છે. પરંતુ અવિરત અભ્યાસ અને સખત પરિશ્રમ થકી દેવેન્દ્રભાઈ પટેલ છેલ્લા છ દાયકાથી  દુનિયાભરના લાખો વાંચકોના દિલમાં રાજ કરે છે. પત્રકારિતાની સાથે સાથે ટૂંકી વાર્તા, નવલિકા, નવલકથા, નાટક,  ટી.વી. સીરીયલ, ફિલ્મ પટકથા, વેબ સીરીઝ પટકથા એમ કેટ કેટલાય સાહિત્ય  સ્વરૂપોમાં તેમની કલમે ઉજાસ પાથર્યો છે. તાજેતરમાં જ દેવેન્દ્રભાઈ પટેલ લિખિત સંદેશ અખબારની  રવિવારની સંસ્કાર પૂર્તિમાં પ્રગટ થયેલ અને અત્યંત લોકપ્રિય થયેલી નવલકથા "સ્વપ્નાપ્રિયા" નવલકથા પુસ્તકરૂપે પ્રગટ થઈ. આ નવલકથાની પ્રસ્તાવના લખવા આદરણીય દેવેન્દ્રભાઈ પટેલનું મને આમંત્રણ મળ્યું એ તેમનો મારા પ્રત્યેનો અનન્ય અહોભાવ નહિ તો બીજું શું ! દેવેન્દ્રભાઈ પટેલ લિખિત  પુસ્તકમાં મારા શબ્દોને સ્થાન મળવું એ મારા માટે કોઇપણ સાહિત્યિક પુરસ્કાર કરતાં મોટું સન્માન છે. "સ્વપ્નપ્રિયા" પુસ્તકની પ્રસ્ત્વાના શબ્દશઃ અહિ પ્રસ્તુત છે.       

     "જ્યારે તેજતર્રાર પત્રકારની ધારદાર અને વેધક કલમને કલ્પનાનાની પાંખો ફૂટે છે, ત્યારે "સ્વપ્નપ્રિયા" જેવી અદભુત સાહિત્યિક કૃતિનું પ્રગટીકરણ થાય છે. ગુજરાતના વરિષ્ઠ પત્રકાર-લેખક આદરણીય શ્રી દેવેન્દ્રભાઈ પટેલની પોતાની આગવી શૈલીમાં આલેખાયેલી ‘સ્વપ્નપ્રિયા’ નવલકથાએ સેકડો વાચકોના હૃદયને ઝંકૃત કર્યા છે.  દેવેન્દ્રભાઈ પટેલ  હંમેશા કહે છે : "પત્રકારિતા મારું જીવન છે, તો સાહિત્ય મારો શોખ છે." પોતાને નખશિખ પત્રકાર ગણાવતા દેવેન્દ્રભાઈ પટેલે સાહિત્ય ક્ષેત્રે માતબર પ્રદાન કર્યું છે. ટૂંકી વાર્તા, નવલિકા, નાટક, ટી. વી. સીરિયલ, ફિલ્મ, ડોક્યુમેન્ટ્રી બીજું પણ કેટ કેટલું ! ભાગ્યે જ કોઈ સાહિત્ય સ્વરૂપ મળે જેમાં દેવેન્દ્રભાઈ પટેલની કલમે સત્ત્વશીલ ખેડાણ ન કર્યું હોય ! તેમની અપ્રતિમ સફળતાનું એક કારણ સર્જન માટે જરા હટકે વિષય પસંદગી પણ છે. 

       "કાજળકાળી રાત" થી સ્વપ્નપ્રિયા કથાવાર્તાનું થયેલું મંડાણ "નયનો મેં પ્રીત હૈ, હોઠોં પે ગીત હૈ" સાથે પૂર્ણ થાય છે. આદરણીય દેવેન્દ્રભાઈ પટેલની કલમનો એ તો જાદુ છે કે પહેલા પ્રકરણ થી કથા રફતાર પકડે છે એ આખરી પ્રકરણના છેલ્લા સંવાદ સુધી બરકરાર રહે છે.

          માઇક્રો ફિક્શન વાંચવા ટેવાયેલી નવી પેઢી નવલથા જેવા સાહિત્ય સ્વરૂપને માણવા શું એક સપ્તાહની પ્રતિક્ષા કરી શકે ? એનો જવાબ છે "હા" ! આદરણીય દેવેન્દ્રભાઈ પટેલની કલમમાં કથાનાં પાત્રો જીવંત કરી દેવાની ગજબની તાકાત છે. તેના કારણે જ વાચકો ૨૭-૨૭ સપ્તાહ કથા વાર્તા આગળની કડીની બેસબ્રીથી પ્રતિક્ષા કરતાં હોય છે. તેનું એક કારણ સર્જક પાસે માત્ર કથાવાર્તા જ નથી, પરંતુ એક મનોવૈજ્ઞાનિક દૃષ્ટિકોણ છે, કથા ગૂંથણીની શાસ્ત્રીય પદ્ધતિ છે, કથાવાર્તાના પ્રસંગોને શબ્દોના આડંબર વિના સિનેમેટિક સ્વરૂપે આલેખવાનો મહાવરો છે, સ્ત્રી સહજ લાગણીઓ સમજી તેને શબ્દોમાં મઢવાની કુનેહ છે, દરેક પ્રકરણના અંતે વાચકોને એક સ્પાર્ક અથવા આંચકો આપવાની હથોટી છે અને પ્રથમ પ્રકરણથી શરૂ કરી આખરી પ્રકરણના અંત સુધી કથાનું રહસ્ય બરકરાર જાળવી રાખવાનું કૌતુક પણ છે.        

     સ્વપ્નપ્રિયા એક રહસ્ય, રોમાંચ, પ્રેમ અને માનવમનની જટિલ લાગણીઓથી ગૂંથાયેલી રસપ્રદ નવલકથા છે. નવલકથાની શરૂઆત કાજળઘેરી વરસાદી રાત્રિથી થાય છે. કનકરાય અને વિશ્વનાથની કાર ગાઢ જંગલમાં અચાનક બંધ પડી જાય છે. ભારે વરસાદ અને અંધકાર વચ્ચે આશ્રયની શોધમાં તેઓ એક જૂની અને રહસ્યમય હવેલીમાં પહોંચે છે. હવેલીનું ભયાનક વાતાવરણ, વિચિત્ર અવાજો અને ત્યાં બનતી અલૌકિક ઘટનાઓ વાચકોના મનમાં શરૂઆતથી જ રહસ્ય અને ઉત્સુકતા જગાવે છે.

     કથાના વિકાસ સાથે અનેક નવા પાત્રો પ્રવેશ કરે છે. દરેક પાત્રનો પોતાનો અલગ સ્વભાવ, ભૂતકાળ અને રહસ્ય હોવાથી વાર્તા વધુ જટિલ અને રસપ્રદ બનતી જાય છે. સ્વપ્નપ્રિયા, અભિલાષ, શૈલા, લીના, અને અન્ય પાત્રો વચ્ચેના સંબંધો, તેમની લાગણીઓ, વિશ્વાસ અને સંઘર્ષ કથાને માત્ર રહસ્યકથા જ નહીં પરંતુ એક ભાવનાત્મક કૃતિ પણ બનાવે છે. દરેક પ્રકરણમાં કોઈ ને કોઈ નવી ઘટના અથવા ચોંકાવનારો વળાંક આવતાં વાચકની ઉત્સુકતા સતત જળવાઈ રહે છે.

        દેવેન્દ્રભાઈની કલમની કમાલ એ પણ છે કે પ્રસંગોનું  એવું જીવંત વર્ણન કર્યું છે કે વાચક પોતે પણ ઘટનાસ્થળે ઉપસ્થિતિ હોય તેવી અનુભૂતિ કરે છે. કથાનકમાં પ્રેમ, મિત્રતા, વિશ્વાસ, ભય, દગો અને સત્યની શોધ જેવા વિવિધ તત્ત્વોનું સુંદર સંયોજન કથાને વધુ રસપ્રચુર બનાવે છે. રહસ્યો ધીમેધીમે ખુલતા જાય છે, પરંતુ દરેક જવાબ સાથે નવા પ્રશ્નો જન્મે છે, જે કથાને વધુ રોમાંચક બનાવે છે.  એક પુરુષ સર્જક માટે સ્ત્રીના સૂક્ષ્મ મનોભાવો આલેખવા સહેલા નથી હોતા. જટિલ મનોભાવોને આબેહૂબ કથામાં ઉતારી દેવેન્દ્રભાઈની કલમ વાચકોના મન મસ્તિષ્કને ઝંકૃત થવા મજબૂર કરી મૂકે છે. દેવેન્દ્રભાઈ પટેલ લિખિત કથાના વળાંકોને કળવા શક્ય જ નથી.

         કથાનાયક અભિલાષે જિંદગીની મૂડી દાવ પર લગાવી,  રૂઢિગત સમાજની પરવા કર્યા દેહ વ્યાપારની બદીમાં સબડતી લાચાર મહિલાઓની વેદના વાચા આપતી ફિલ્મનું નિર્માણ તો કર્યું પણ હવે આ ફિલ્મ સફળ જશે કે નિષ્ફળ? કથા વાંચતાં કથાનાયકની વ્યથા વાચકની વ્યથા બની જાય છે. આવું આબેહૂબ આલેખન જ્યારે કોઈ સર્જક કરે છે ત્યારે મનમાં સ્વાભાવિક પ્રશ્ન ઊઠે છે કે આવી દ્વિધા કૃતિ સર્જક દેવેન્દ્રભાઈ પટેલે પણ ક્યારેક અનુભવી હશે ?? 

       દાયકાઓ પહેલાં દેવેન્દ્રભાઈ પટેલે લખેલું નાટક 'ચાઇલ્ડ હસબન્ડ' ઝળહળતું ઉદાહરણ છે. એ જમનામાં રંગમંચ ઉપરથી સેક્સ વિશે ચર્ચા કરવી એ એક સાહસ જ ગણાતું. એ સમયે નવી કેડી કંડારવા ટેવાયેલા  દેવેન્દ્રભાઈએ કોઈની પણ પરવા કર્યા વિના આ સાહસ ખેડ્યું.  અને 'ચાઇલ્ડ હસબન્ડ' નાટક લખ્યું અને થીયેટરોમાં ભજવાયું. અને પરિણામ એ આવ્યું કે  કહેવાતા સાહિત્યિક પંડિતોનાં નાકનાં ટેરવાં ચડી ગયેલાં. પરંતુ દર્શકો એ નાટકને અપાર પ્રેમ આપ્યો. અને એ નાટકે થિયેટરના તમામ વિક્રમો ધ્વસ્ત કર્યા હતા. 

        કોઈપણ નવલકથા જ્યારે અખબારના માધ્યમથી દર રવિવારે હપ્તાવાર પ્રગટ થતી હોય, ત્યારે વાચકોને દર અઠવાડિયે જકડી રાખવા તે એક કપરો પડકાર હોય છે. પરંતુ  દેવેન્દ્રભાઈ પટેલે આ સંદેશ અખબારની સંસ્કાર પૂર્તિમાં પ્રગટ થયેલાં નવલકથાનાં ૨૭ પ્રકરણો દરમિયાન વાચકો સાથે એક અદ્રશ્ય પણ મજબૂત ભાવાત્મક સેતુ બાંધ્યો છે. દેવેન્દ્રભાઈ પટેલની પ્રગટ થયેલી પ્રથમ નવલકથા "સજન રે જૂઠ મત બોલો"થી માંડી છેક "સ્વપ્નપ્રિયા" ને વાચકોએ અપ્રતિમ પ્રેમ આપ્યો છે. તેમાંની કેટલીક નવલકથા આધારિત ફિલ્મ બની છે તો કેટલીક નવલકથા આધારે વેબ સિરીઝ પણ નિર્માણ પામી છે. 

     આદરણીય દેવેન્દ્રભાઈ પટેલની મંજાયેલી કલમે વધુ એક નવલકથા અખબારનાં પાને પ્રગટ થવાનો ઇન્તેઝાર કાયમ રહેશે."

-      ઈશ્વર પ્રજાપતિ

9825142620

"સ્વપ્નપ્રિયા"હવે પુસ્તક રૂપે ઉપલબ્ધ છે .પુસ્તક મેળવવા સંપર્ક કરો- નવભારત સાહિત્ય મંદિર,જૈન દેરાસર પાસે,ગાંધી રોડ,અમદાવાદ-380001 ( ફોન - 98250 32340) કે (079)22139253 અથવા" કોલેબ સ્ટોર એલ એલ પી",પીવી એન્કલેવ,કોર્ટયાર્ડ બાય મેરીએટ હોટેલ પાસે,ઓફ સિંધુભવન રોડ,અમદાવાદ-380054 ( ફોન-98250 32340)