PART-2
TO READ IN ENGLISH PL. CLICK HERE
અરવલ્લી
જિલ્લા કલેકટર પ્રશસ્તિ પારીકજીના પિતાજીએ
તેમના અને તેમની બીજી ત્રણ બહેનના ભણતર કાજે ઘર ગીરવે મૂકી દીધું. દીકરીઓના અરમાન પૂરવા
કરવાના આ સાહસને દીર્ઘદૃષ્ટા પિતાજી ખર્ચો નહિ પરંતુ મૂડીનું યોગ્ય રોકાણ માનતા.
જયારે પિતાજીના આ શાણપણને સમાજે ગાંડપણમાં ખપાવી દીધું.
દીકરી ઉંમર લાયક થાય
એટલે માતા-પિતાને તેના હાથ પીળા કરી દેવાની ઉતાવળ હોય જ ! પણ અહીં સમગ્ર પરિવારે
દીકરીને પૂરી આઝાદી આપી. પરિસ્થિતિને સકારાત્મક દૃષ્ટિકોણથી જોવાની આંખ આપી. રૂઢિઓની
ઝંજીરો તોડી ગગનમાં ઉંચે વિહરવાની પાંખ પણ આપી. જ્યાં સુધી લક્ષ્ય પ્રાપ્ત ન થાય
ત્યાં સુધી લગ્નની કોઈ વાત જ નહિ કરે એ સ્પષ્ટ કરી દીધું હતું. સંકુચિત વિચારસરણી
વાળા સમાજની વચ્ચે રહી, આ નિર્ણય પર અડગ રહેવાનું પરિવારે લીધેલું એક ક્રાંતિકારી
પગલું હતું.
પ્રશસ્તિજીએ IAS બનવાના મક્કમ નિર્ધાર સાથે દિલ્હીની વાટ પકડી. દિલ્હી જઈ રીતસરનું કઠોર તપ આદર્યું. અર્જુનને જેમ પક્ષીની આંખ જ દેખાતી હતી એમ પ્રશસ્તિજીએ IAS ઉતીર્ણ થવા સિવાય બીજું બધું ગૌણ બનાવી દીધું હતું. પરિવારના સારા-નરસા તમામ પ્રસંગોથી પણ પોતાની જાતને અલિપ્ત કરી દીધી. દીકરીઓએ આંખે આંજેલ અરમાનોને સાકાર કરવા પરિવારે પોતાનું સર્વસ્વ દાવ પર લગાવી, જે બલિદાન આપ્યું હતું એ બલિદાન એળે ન જાય, એને સાર્થક કરવા પ્રશસ્તિજીએ પોતાની જાતને કસોટીની એરણ પર ચડાવી દીધી. એક-એક મિનીટ અને એક-એક સેકન્ડના હિસાબે સમયને નીચોવી લીધો. પુસ્તકોની દુનિયા એ જ એમની દુનિયા !ઉઠતાં- બેસતાં, ખાતા-પીતા, જાગતાં-સૂતાં મનમાં એક જ વિચાર રમ્યા કરે "મારે IAS થવું છે." તેમને તેમના ઈ-મેલ નો પાસવર્ડ પણ I WILL BE A IAS જ રાખ્યો હતો. તેમની સાથે રહેતી ત્રણ સખીઓ સિવાય ચોથી વ્યક્તિ સાથે વાત કરવાનું પણ હંમેશા ટાળ્યું. માથે સવાર રહેલી આવી ધૂન જ સફળતા માટેનો રાજમાર્ગ તૈયાર કરતી હોય છે.
પરીક્ષાની આગલી રાત્રીનો પ્રસંગ યાદ કરતાંની સાથે આજે પણ સંઘર્ષના એ દિવસોનાં દૃશ્ય પ્રશસ્તિજીના સ્મૃતિપટ પર જીવંત થઇ તરવરવા લાગે છે. ઈતિહાસનાં જીવંત થયેલાં દૃશ્ય તેમની ભેજ ભરેલી ભીની આંખોમાં સ્પષ્ટ જોઈ શકાય છે. પ્રશસ્તિજી રોજ રાત્રે તેમના પિતાને મેસેજ કરીને જણાવી દેતાં કે સવારે કેટલા વાગે જાગવાનું છે. એ જણાવી પછી જ પોતે સુવા જતાં. મેસેજ પ્રમાણે રોજ વહેલી સવારે તેમના પિતાજી ફોન કરી તેમને જગાડી દેતા. અને સવાર સવારમાં જ પ્રેરણાસભર વાતો કરી હૈયામાં નવો ઉમંગ ભરી દેતા. પરીક્ષાની આગલી રાત્રે તેમના પિતાજી ઉપર પ્રશસ્તિજીનો કોઈ મેસેજ ગયો નહિ. નિત્ય ક્રમ તુટ્યો એટલે પિતાજીને સ્વાભાવિક જ ચિંતા થાય. એટલે નિયત સમયે વહેલી સવારે પિતાજીનો ફોન આવ્યો. એ વખતે પિતાજી મંદિરમાં હતા. અને આવજમાં થોડી ચિંતા પણ હતી કે બેટા રાત્રે સૂતા પહેલા કેમ કોઈ મેસેજ ન કર્યો? ત્યારે પ્રશસ્તિજીના ગળામાં ડૂમો ભરાઈ આવ્યો અને આંખોમાંથી જાણે આંસુનું પૂર ઉમટ્યું. તે રડતાં રડતાં એટલું બોલ્યાં “પપ્પા આજે હું ઊંઘી જ નથી. આખી રાતથી વાચું છું. આનાથી વધારે મારાથી મહેનત નહિ થાય.” ત્યારે પિતાજી પણ અવાક બની સાંભળી રહ્યા. પરીક્ષાના દબાણને કારણે દીકરી આખી રાત ઊંઘી જ ન શકે આ તો કેમ ચાલે? તેમણે ખૂબ પ્રેમથી સમજાવ્યું કે “બેટા ! પરિણામ જે આવે તે પણ તું મારા માટે સફળ જ છે ! તે પુરુષાર્થ કરવામાં કોઈ કસર નથી છોડી. પરિણામ જે અવે તે તું મારા માટે જે છે, એ જ રહીશ. બેટા ! તારા પર અમારું જે વહાલ છે એમાં તારા પરિણામને કારણે ક્યારેય ઓટ નહિ આવે બેટા ! ભગવાન કૃષ્ણએ ગીતાજીમાં પણ એ જ કહ્યું છે કે ‘તું માત્ર કર્મ કર, ફળની ચિંતા કરીશ નહિ.’
પિતાજીના
આ હૃદયના ઉદગારોએ પ્રશસ્તિજીના મન- મસ્તિષ્કમાં ચેતનાનો નવો સંચાર કર્યો. આખી રાતથી
બાઝી પડેલી નિરાશા જાણે પળવારમાં જ ખરી પડી! આત્મવિશ્વાસ સાતમા અસામાને વિહરવા
લાગ્યો. મન હળવુંફૂલ થઇ ગયું. અને નિશ્ચિંત બની પરીક્ષા આપી.
પરીક્ષાનું
પરિણામ આવ્યું. UPSC પાસ તો કરી પણ ઇન્ડિયન રેલ્વેમાં પોસ્ટીંગ મળ્યું. પરિવારની
પરિસ્થિતિને જોતાં પોસ્ટીંગ સ્વીકારી લીધું. લખનૌ ખાતે ટ્રેનીંગ શરૂ થઇ. ભલે
રેલ્વેમાં પોસ્ટીંગ મેળવી લીધું પરંતુ હૈયામાં પ્રજ્વલિત IAS માટેની ચિનગારીને ક્યારેય
બુજાવવા દીધી નહિ. ટ્રેનીંગની સાથે સાથે પરીક્ષાની તૈયારીમાં જાતને નીચોવી નાખી.
UPSC ના પરિણામના પ્રથમ પેજ ઉપર પોતાની તસવીર છપાય એવી અદમ્ય ઈચ્છા પ્રબળ બનતી ગઈ.
દિવસ-રાત એક કરી રીતસરનાં મચી જ પડ્યાં. હૈયામાં પ્રજ્વલિત ચિનગારી હવે આગ બની
ચુકી હતી. હવે પંખીની આંખ નહિ પરંતુ માત્ર કીકી જ દેખાતી હતી.
પરીક્ષા
પૂર્ણ થઇ. હવે પરિણામની કાગડોળે રાહ જોવાઈ રહી હતી. IAS રેન્ક મળશે કે પછી રેલ્વેની
સર્વિસમાં જ મન માનવી લેવું પડશે ? કેટકેટલી
દ્વિધાઓ સૌ કોઈને કોરી ખાતી હતી. પણ
પ્રશ્સ્તીજીનો આત્મવિશ્વાસ ગજબનો હતો. આખરે પરિણામ જાહેર થયું. ૧૨ જૂન ૨૦૧૪ એ દિવસે
સૂરજ જાણે ગોળ ધાણા ખાઈને ઉગ્યો ! એ સમયે પ્રશસ્તિજી લખનૌ હતાં. ઓલ ઇન્ડિયા ૨૧ મા રેન્ક
સાથે ઉત્તીર્ણ થઈ પ્રશસ્તિજીએ દેશભરમાં ડંકો વગાડી દીધો. આખા પરિવાર માટે તો જાણે એ
દિવસ એક સોનેરી સ્વપ્ન સમાન હતો. કહેવાય છે ને કે જીવનમાં ક્યારેક કલ્પના કરતાં
હકીકત વધુ રોમાંચક હોય છે. દીકરીની જ્વલંત
સફળતાના સમાચાર મળતાં જ માતા-પિતાની ખૂશીનો કોઈ પાર જ ન રહ્યો. પરિવારમાં આનંદનો
મહાસાગર હિલોળા લેવા લાગ્યો. સૌની આંખોમાં હર્ષનાં આંસુઓનું જાણે પૂર ઉમટી આવ્યું.
દીકરીઓના ભણતર માટે આખી જીંદગી વેઠેલા પારાવાર કષ્ટો જાણે પળવારમાં વિસરાઈ ગયા. પિતાજીએ
તો આખા મહોલ્લામાં ઘેર ઘેર જઈ મીઠાઈના
પેકેટ વહેંચી આવ્યા. મીઠાઈનું પેકેટ અપતા જાય અને કહેતા જાય “મારી દીકરી IAS બની
ગઈ.” એક બાપ આવા સમયે પોતાની લાગણીને કેવી રીતે કાબુ કરી શકે ? કારણકે પ્રશસ્તિજી
તેમના સમાજની પહેલી એવી વ્યક્તિ હતી જેમણે IAS ક્રેક કર્યું હોય.
“દીકરીઓને ભણાવી શું કરશો ?” આવી સુફિયાણી સલાહો
આપનારના ગાલ પર આ સણસણતો તમાચો હતો. આ સફળતા માત્ર પરીક્ષાના પરિણામની જીત નહતી
પરંતુ એક પિતાએ સઘળું દાવ પર લગાવી દીકરી પર મુકેલા પ્રબળ વિશ્વાસની જીત હતી,
તેમનાં માતાની પ્રગાઢ શ્રદ્ધાની જીત હતી, જીવનના નાજુક સમયે બહેનોએ આપેલી હૂંફની
જીત હતી, પ્રશસ્તિજીએ આદરલી કઠોર તપશ્ચર્યાની
જીત હતી !
ઓલ ઇન્ડિયાના પ્રથમ ૫૦ રેન્ક ધરાવતા ઉમેદવરોની તસવીર પ્રથમ પાને છપાતી હોય છે. ૨૧ મા રેન્ક ધરાવતાં પ્રશસ્તિજીની તસવીરને પણ પ્રથમ પેજ પર જાજરમાન સ્થાન પ્રાપ્ત થયું. પરિણામ બાદ જયારે પ્રશસ્તિજી પહેલી વાર જયપુર એઈરપોર્ટ પર ઉતર્યાં ત્યારે એઈરપોર્ટ બહારનું દૃશ્ય જોઈ તેઓ આશ્ચર્યચકિત રહી ગયાં. તેમને આવકારવા ઢોલ-નગાડા સાથે માનવમેદની ઉમટી પડી હતી. ચહેરો ઢંકાઈ જાય એટલા તો ફૂલહાર પહેરાવી ભવ્ય સ્વાગત કર્યું. અને ચોતરફ પુષ્પવૃષ્ટિ થઇ રહી. જયઘોષથી વાતાવરણ ગૂંજી ઊઠ્યું. સફળતાની ઉજાણીમાં ગુલાબી શહેર જયપુરને આજે વધુ ગુલાબી રંગ ચડ્યો હતો. રસ્તા પરના સેકડો લોકોનું અભિવાદન ઝીલતાં ઘરે પહોંચ્યાં. મહોલ્લામાં તો જાણે દિવાળી જેવો માહોલ સર્જાયો હતો.
આનંદની હેલી વચ્ચે પ્રશસ્તિજીની નજર ઘર આગળ લાગેલી નેમપ્લેટ પર સ્થિર થઇ. નેમપ્લેટ વાચતાં-વાચતાં જ જાણે તેમની હૃદયમાંનો અશ્રુબંધ તૂટી ગયો. પિતાજી પણ દીકરીને ભાવવિભોર થયલી જોઈ પોતાના આંસુ રોકી ન શક્યા. બાપ દીકરી એકબીજાને મનભરીને ભેટી થોડીવાર માટે ધરાઈને રડતાં રહ્યાં. સમય જાણે થંભી ગયો. આ આંસુ હરખનાં આંસુ હતાં. ઘર આગળ લગાવેલી નેમપ્લેટ પર પિતાજીએ પોતાના નામની ઉપર “પ્રશસ્તિ પારીક (IAS)” કોતરાવ્યું હતું. અથાગ પરિશ્રમથી એક દીકરીએ પિતાજીના સ્વાભિમાનને એવા ઉત્તુંગ શિખરે પહોંચાડ્યો હતો કે તેની આગળ આજે હિમાલય પણ વામણો લાગતો હતો. (ક્રમશઃ)
વધુ આવતા રવિવારે...
Part - 1 વાંચવા અહી ક્લિક કરો.
- ઈશ્વર પ્રજાપતિ
9825142620

નિશાન ચૂક માફ, નહિ માફ નીચું નિશાન.... વાહ 💐 કલેકટર સરની મહેનતને સલામ છે..
ReplyDeleteનિશાન ચૂક માફ, નહિ માફ નીચું નિશાન.... વાહ 💐 કલેકટર સરની મહેનતને સલામ છે..
ReplyDeleteVery Nice Motivated Story Ishvarbhai
ReplyDeleteExcellent 👍
ReplyDelete