સમર્પણ, સાધના અને શ્રેષ્ઠતાનું જીવંત પ્રતીક: આકરુંદ પ્રાથમિક શાળાના કર્મનિષ્ઠ શિક્ષક નિમેષભાઈ પટેલ
અરવલ્લી જિલ્લાના શિક્ષણ જગતમાં નિમેષભાઈની ઓળખ એક માસ્ટર બ્લાસ્ટર બેટ્સમેન અને ઉમદા શિક્ષક તરીકેની છે. પરંતુ આકરુન્દ આદર્શ પ્રાથમિક શાળાને રાજ્યની એક મોડેલ સ્કૂલ બનાવવા તેમણે
કરેલા પ્રયાસોથી બહુ ઓછા લોકો પરિચિત હશે. પી.એમ. શ્રી. આકરૂન્દ આદર્શ પ્રાથમિક
શાળાને રમત-ગમતમાં રાજ્ય અને રાષ્ટ્ર કક્ષાએ ઝળકાવનાર એક પ્રતિબદ્ધ શિક્ષક છે.
શિક્ષણ એ માત્ર રોજીરોટી
મેળવવાનું સાધન નથી,
પરંતુ એક આખી પેઢીનું ઘડતર કરવાનો પવિત્ર યજ્ઞ છે. જ્યારે આ યજ્ઞમાં
કોઈ શિક્ષક પોતાના જીવનની આહુતિ આપી દે છે, ત્યારે એક
સામાન્ય શાળા પણ સંસ્કારધામ અને પ્રગતિનું કેન્દ્ર બની જાય છે. અરવલ્લી જિલ્લાની
ધનસુરા તાલુકાની આકરુંદ પ્રાથમિક શાળામાં છેલ્લા દોઢ દાયકાથી ફરજ બજાવતા શિક્ષક
નિમેષભાઈ પટેલ એક એવું જ ઝળહળતું નામ છે. તેમણે પોતાની કર્તવ્યનિષ્ઠા, પરિશ્રમ અને વિદ્યાર્થીઓ પ્રત્યેના અખૂટ પ્રેમને કારણે આકરુંદ પ્રાથમિક
શાળાને માત્ર જિલ્લામાં જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાત રાજ્યમાં
એક વિશિષ્ટ ઓળખ અપાવી છે.
દોઢ દ્દાયકા પહેલાં સ્વ. નીતિનભાઈ
જે. પટેલ (માસ્તર) અને નીમેશભાઈ આકરૂન્દની પાસે આવેલા બપુપુરા પ્રાથમિક શાળામાં
સાથે નોકરી કરતા. ત્યાં નિમેષભાઈને નીતિનભાઈનો સ્પર્શ મળ્યો. નીતિનભાઈના નિર્મળ વ્યક્તિત્ત્વની
નીમેશભાઈના હૃદયમાં ઊંડી છાપ પડી. અને
દિવસેને દિવસે તેમનું શિક્ષક્ત્ત્વ નિખરતું ગયું. જે શાળામાંથી કેળવણીના પાઠ
શીખ્યા એ માતૃભુમીની શાળાને શ્રેષ્ઠ શાળા બનાવવાના સપના સાથે ન્તીનભાઈ અને નિમેશભાઈ
આકરૂન્દ શાળામાં બદલી કરાવી લીધી. શાળા શાળાના સૌ શિક્ષકો સાથે ખભે ખભો મિલાવી એક
નવી યાત્રાની શરૂઆત કરી.
આકરુંદ શાળામાં આવ્યા પછી સૌથી પહેલાં નિમેષભાઈ એ પોતાનાં બંને સંતાનો ને આકરુંદ ગામની જ સરકારી શાળામાં ભણાવવાનો નિર્ધાર કર્યો. જેથી વાલીઓનો વિશ્વાસ સંપાદિત કરી શક્યા. પરિણામે દિવસે દિવસે પ્રવેશ માટે આસપાસના ગામના વાલીઓના ધસારો વધતો ગયો.
આજના ભૌતિકવાદી યુગમાં જ્યાં
લોકો સમય જોઈને કામ કરે છે અને ફરજના કલાકો પૂરા થતાં જ ઘર તરફ દોડી જાય છે, ત્યાં નિમેષભાઈ પટેલે સમયના તમામ બંધનો તોડી નાખ્યા છે. રવિવાર હોય,
જાહેર રજા હોય કે દિવાળી-ઉનાળાનું લાંબુ વેકેશન—નિમેષભાઈ માટે દરેક
દિવસ શાળાના વિકાસનો દિવસ બની રહે છે. તેમણે ક્યારેય રજાઓને આરામનું સાધન નથી માની,
પરંતુ તેને શાળાની ભૌતિક અને શૈક્ષણિક સુવિધાઓ વધારવાની એક તક તરીકે
ઝડપી લીધી છે. આ ઉનાળું વેકશન દરમિયાન એક પણ દિવસ એવો નથી ગયો કે આકરૂન્દ શાળા
ખૂલી ન હોય.
વેકેશનના દિવસોમાં જ્યારે
અન્ય લોકો પ્રવાસ પર જતા હોય છે, ત્યારે નિમેષભાઈ શાળાના મેદાનને
સરખું કરતા, વર્ગખંડોની સાફ સફાઈ, લાઈટ ફીટીંગ, કે બાગ
બગીચાની તૂટી ગયેલી પાઈપ લાઈન રીપેરીંગ
કરતા જોવા મળે છે. તેમની પ્રત્યેક પળ શાળા અને વિદ્યાર્થીઓના સર્વાંગીણ વિકાસ માટે
ચિંતનમાં જ ખર્ચાય છે. આ જ કારણ છે કે આજે આકરુંદ પ્રાથમિક શાળાનું ભૌતિક વાતાવરણ
અને શૈક્ષણિક સ્તર ખાનગી શાળાઓને પણ ટક્કર મારે તેવું ઉત્કૃષ્ઠ બન્યું છે.
નિમેષભાઈ મૂળભૂત રીતે ભાષાના
શિક્ષક છે,
જે વિદ્યાર્થીઓને શબ્દોની દુનિયા અને સાહિત્યના સંસ્કારો આપે છે.
પરંતુ જ્યારે તેમણે જોયું કે ગામડાના બાળકોમાં શારીરિક ક્ષમતા અને રમતગમત પ્રત્યે
ભારે ઉત્સાહ છે, ત્યારે તેમણે પોતે રમતગમતમાં બાળકોને
શ્રેષ્ઠત્તમ ઘડતર માટેનું બીડું ઝડપ્યું.
કોઈપણ વ્યવસાયિક તાલીમ વિના, માત્ર પોતાની સૂઝબૂઝ અને ઈન્ટરનેટ તેમજ અન્ય માધ્યમોના સહારે તેમણે
રમતગમતના નિયમો શીખ્યા. ખાસ કરીને ખો-ખોની રમતમાં તેમણે વિદ્યાર્થીઓ પાછળ દિવસ-રાત
એક કર્યા. સવારે શાળા સમય પહેલાં પહેલાં
અને સાંજે શાળા છૂટ્યા પછી પણ તેઓ બાળકોને મેદાન પર પરસેવો પાડતા શીખવતા.
તેમની આ અથાગ મહેનતનું પરિણામ એ આવ્યું કે આકરુંદ પ્રાથમિક
શાળાની ખો-ખો ટીમ તાલુકા અને જિલ્લા કક્ષાએ વિજેતા બનીને અટકી નહીં, પરંતુ સમગ્ર ગુજરાત રાજ્ય કક્ષાએ ચેમ્પિયન બની ગર્વ વધાર્યો. એટલું જ નહિ
આ શાળાના ખેલાડીઓ નેશનલ ટીમ માટે પસંદગી પામ્યા. અને ખો-ખોની નેશનલ ટીમનું
પ્રતીનીત્ત્વ કર્યું. એક અંતરિયાળ ગામની પ્રાથમિક શાળાના બાળકો રાજ્ય કક્ષાની ખેલમહાકુંભ જેવી સ્પર્ધાઓમાં ચંદ્રકો જીતી લાવે, તે
નિમેષભાઈના અસાધારણ પુરુષાર્થ વિના શક્ય નહોતું. તેમણે ભાષાની સજ્જતા સાથે બાળકોના
શરીર અને મનને પણ મજબૂત બનાવવાનું ભગીરથ કાર્ય કર્યું છે.
આજના સોશિયલ મીડિયાના
જમાનામાં નાનું સરખું કામ કરીને મોટી પ્રસિદ્ધિ મેળવવાની ઘેલછા ચારેય તરફ જોવા મળે
છે. પરંતુ નિમેષભાઈ પટેલ આ ભપકાદાર દુનિયાથી જોજનો દૂર રહે છે. તેઓ
"કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન" ના સિદ્ધાંતને સાચા અર્થમાં જીવે
છે. પોતાની આટલી મોટી સિદ્ધિઓ, શાળાનો અદ્ભુત વિકાસ અને
વિદ્યાર્થીઓની રાજ્ય કક્ષાની સફળતા છતાં તેઓ હંમેશાં પડદા પાછળ રહીને કામ કરવાનું
પસંદ કરે છે.
તેમના માટે સાચો એવોર્ડ કોઈ
સન્માન પત્ર કે ટ્રોફી નથી,
પરંતુ તેમના વિદ્યાર્થીઓના ચહેરા પરનું સ્મિત અને તેમની પ્રગતિ છે.
તેઓ ક્યારેય પોતાની નામના પાછળ દોડ્યા નથી. શાળાના હિત માટે, બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે તેઓ અહર્નિશ પ્રવૃત્તિશીલ રહે છે. શાળાના
વિકાસ કાર્યોમાં માત્ર ગ્રાન્ટ પર નિર્ભર રહેવાના બદલે જરૂર પડે પોતાના
ખિસ્સામાંથી ખર્ચ કરવામાં ક્યારેય પાછીપાની કરી નથી. અને એનો હિસાબ આજસુધી માંડ્યો
નથી. કોઈ વિદ્યાર્થીને મેડિકલ કે એન્જિનીયરીંગમાં
જેવા ઉચ્ચ ઉચ્ચ અભ્યાસ માટે આર્થિક
જરૂરિયાત ઊભી થાય અને એની જાણ નીમેશભાઈને થાય તો ડાબા હાથને પણ ખ્યાલ ન આવે એ રીતે
તેમનો જમણો હાથ મદદ માટે પહોંચી જતો હોય છે.
તેઓ માત્ર પુસ્તકીયું જ્ઞાન
આપતા નથી,
પરંતુ વિદ્યાર્થીઓમાં નૈતિક મૂલ્યો, દેશભક્તિ,
શિસ્ત અને પ્રમાણિકતાના પાઠ પણ ભણાવે છે. રમતગમત દ્વારા તેઓ
બાળકોમાં ટીમવર્ક અને ખેલદિલીની ભાવના કેળવે છે. આજે આકરુંદ શાળામાંથી ભણીને બહાર
નીકળેલા વિદ્યાર્થીઓ જીવનના દરેક ક્ષેત્રમાં પોતાની નૈતિકતા અને સખત મહેનતને કારણે
અલગ તરી આવે છે.
છેલ્લા ૧૫ વર્ષમાં નિમેષભાઈએ
આકરુંદ પ્રાથમિક શાળાને પોતાનું ઘર અને શાળાના બાળકોને પોતાના સંતાનો માન્યા છે.
તેમની આ સફર એ વાતની સાબિતી છે કે જો કોઈ એક વ્યક્તિ દ્રઢ સંકલ્પ કરી લે, તો તે આખી વ્યવસ્થા અને સમાજનું ચિત્ર બદલી શકે છે. શરૂઆતમાં ભૌતિક સંસાધનોની ઉણપ
વચ્ચે પણ તેમણે જે રીતે શાળાને ઉત્કૃષ્ઠતાના શિખરે પહોંચાડી છે, તે દેશના લાખો શિક્ષકો માટે પ્રેરણારૂપ છે.
નિમેષભાઈ પટેલ જેવા પ્રતિબદ્ધ, કર્મનિષ્ઠ અને નિઃસ્વાર્થ શિક્ષકો જ સાચા અર્થમાં રાષ્ટ્રના નિર્માતાઓ છે. શિક્ષણના વ્યવસાયને એક પવિત્ર મિશન બનાવી દીધો છે. આકરુંદ ગામ અને સમગ્ર શિક્ષણ જગત નિમેષભાઈની સેવાઓ માટે હંમેશાં ઋણી રહેશે.
સંપર્ક: નિમેષભાઈ પટેલ 9427813907
- ઈશ્વર પ્રજાપતિ
૯૮૨૫૧૪૨૬૨૦


Excellent 👍
ReplyDeleteVery good 👍
DeleteNimesh: a great teacher and talented person. I am proud of Him.
ReplyDeleteNamashkar karm ver ne
ReplyDeleteSuperb
ReplyDeleteGreat Sir 💯
ReplyDeleteઈશ્વરભાઈ આપને તથા આપની ટીમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સહ અભિનંદન..
ReplyDeleteસારા શિક્ષક સમાજનું ભવિષ્ય ઘડે છે અને સારા ખેલાડી સંઘર્ષ તથા શિસ્તનો સંદેશ આપે છે. નિમેષભાઈ પટેલ આ બંને ગુણોના ઉત્તમ ઉદાહરણ છે.
ReplyDeleteનિમેષભાઈ એક ઉત્તમ શિક્ષક તો ખરા જ પણ સાથે સાથે ઉત્તમ વ્યક્તિ પણ ખરા ,આવા શિક્ષકનું સન્માન અને ઓળખ આપવા બદલ ઇશ્વરભાઇને પણ ખૂબ ખૂબ અભિનંદન
ReplyDelete