HOME

Sunday, March 8, 2026

સન્ડે સ્પેશિયલ

PART -1  

ઘર ગીરવે મૂકીને એક પિતાએ દીકરીઓને ભણાવી. ચારેય દીકરીઓએ ભરી સફળતાની આસમાની ઉડાન!  તેમાનાં એક દીકરી એટલે અરવલ્લી જિલ્લાનાં યશસ્વી કલેકટર સુશ્રી પ્રશસ્તિ પારીક

 

To read in English Pl click here

આજે ૮ માર્ચ એટેલે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિન આજે એક એવાં સન્નારીના જીવન કવનની  સંઘર્ષ ગાથાની વાત કરવી છે. કે  જેમણે અને જેમના પરિવારે નારીશક્તિ અને સામર્થ્યની માત્ર વાતો ન કરતા, કર્તૃત્ત્વથી સમાજને દીવાદાંડી રૂપ એક ઉત્કૃષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

તેમનું નામ છે સુશ્રી પ્રશસ્તિ પારીક.

કર્તવ્યનિષ્ઠ અને પ્રતિબદ્ધ IAS ઓફિસર તરીકેની અગ્રીમ હરોળમાં તેમની ગણના થાય છે. હાલ તેઓ અરવલ્લી જીલ્લાના કલેકટર તરીકે ફરજનિષ્ઠ છે. એક સામાન્ય માધ્યમ વર્ગીય પરિવારમાંથી નીકળી IAS બનવા સુધીની તેમની પડકારભરી  જીવનયાત્રાને નિકટથી નિહાળીએ  તો ઋજુ હૃદયના માનવીની આંખો અને હૈયું ભીંજાયા વિના રહેતાં નથી.

ગુલાબી નગરી તરીકે જગ વિખ્યાત જયપુર તેમની જન્મભૂમિ ! પિતા બેંકમાં ફરજ બજાવતા તો માતા ગૃહિણી ! માતા-પિતા શિક્ષણનું મૂલ્ય સુપેરે સમજતાં હતાં.  પોતાના આંગણે અવતરેલી લક્ષ્મી સ્વરૂપા ચાર દીકરીઓને શિક્ષિત અને દીક્ષિત કરવાનું જાણે પ્રણ લીધું હતું. પિતા બેંકમાં ફરજ બજાવતા હોવાથી તેમની બદલી દેશના કોઇપણ ખૂણે થતી રહેતી. પિતાજીનો જીવનપથ ઘણો કપરો હતો. તેમના પણ  આગવા પડકારો હતા. પરંતુ દીકરીઓના ઉછેર અને શિક્ષણમાં જરાય ક્યાંય ઊની આંચ ન આવવા દીધી.

પ્રશસ્તિ પારીકજીની શિક્ષણયાત્રાની શરૂઆત રાજસ્થાન કોટાથી થઇ. એ પછી ચોથા ધોરણથી જયપુરની સ્કૂલમાં પ્રવેશ મેળવી ધોરણ બાર સુધીનો અભ્યાસ  ત્યાં જ કર્યો.  પિતાજીની બદલી થતી રહેતી પરંતુ માતા હંમેશા દીકરીઓની સાથે રહી, તેમના અભ્યાસની ખૂબ ઝીણવટ ભરી કાળજી લેતાં. પોતે ગૃહિણી હોવા છતાં શિક્ષણ અને સાહિત્યમાં તેમની રુચી ગજબની હતી. શિક્ષણ અને સાહિત્યનો વારસો પ્રશાસ્તીજીને માતા તરફથી ગળથૂથીમાંથી જ પ્રાપ્ત થયો. કહેવાય છે ને પુત્રનાં લક્ષણ પારણાથી ! એમ પ્રશસ્તિજી ભણવામાં પહેલેથી જ ખુબ તેજસ્વી. શાળામાં કોઇપણ સ્પર્ધા કે હરીફાઈ હોય તેમાં તેઓ ભાગ ન લે તો જ નવાઈ ! ચિત્ર સ્પર્ધા હોય કે  ડીબેટ હોય, વક્તૃત્ત્વ હોય કે નિબંધ સ્પર્ધા હોય ! એમાં તેઓ હમેશા અવ્વલ જ રહેતાં. પ્રશસ્તિજીનાં મોટાં બહેન પણ ભણવાથી લઇ તમામ બાબતોની તેમની  ખૂબ કાળજી લેતાં. પ્રશસ્તિજીના હૃદયમાં બાળપણથી મોટાં બહેનની પડેલી અમીટ છાપ આજે પણ એટલા જ આદર સાથે અકબંધ સચવાયેલી છે.   

૮ માર્ચ ૧૯૯૯ નો એ ઐતિહાસિક સ્વર્ણિમ  દિવસને યાદ કરતાં જ પ્રશસ્તિજીની આંખોમાં આજે પણ અનોખી ચમક ઊભરી આવે છે. નેશનલ વુમન કમીશન દ્વારા એ સમયે નિબંધ સ્પર્ધાનું આયોજન થયું હતું. દહેજના દુષણ વિષય અંતર્ગત એક ચોટદાર નિબંધ તૈયાર કરી પ્રશસ્તિજીએ પ્રસ્તુત કર્યો. આ નિબંધ તેમનાં માતાએ તૈયાર કરાવ્યો હતો. નિબંધની શૈલી અને અસરકારતા જોતાં નિબંધ રાષ્ટ્ર કક્ષાએ પસંદગી પામ્યો.  આંતરરાષ્ટ્રીય મહિલા દિન ૮ માર્ચ ૧૯૯૯ ના દિવસે ભારતના તત્કાલિન વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપાઇના હસ્તે દિલ્હી ખાતે પ્રશસ્તિજીનું બહુમાન કરવામાં આવ્યું. દિલ્હીમાં યોજાયેલા એ ભવ્ય સમાંરભમાં તેમનાં માતા-પિતા પણ ઉપસ્થિત રહ્યાં હતાં. દેશના સૌથી લોકપ્રિય અને વિદ્વાન રાજનીતિજ્ઞ વડાપ્રધાન પોતાની દીકરીનું સન્માન કરતા હોય, આવું નયન રમ્ય દૃશ્ય નિહાળવું એ  દુનિયાના  કયા માતા પિતાનું સ્વપ્ન ન હોય ! સમગ્ર પરિવાર માટે  એ દિવસ ગૌરવશાળી અને યાદગાર દિવસ બની રહ્યો.

સફળતા પ્રાપ્ત કર્યા પછી સફળતાને ક્યારેય માથે ચડવા દીધી જ નહિ. પરંતુ વધુ સજાગ બની પોતાની પ્રતિભાને વધુ ને વધુ તેજસ્વી બનાવવા પ્રચંડ પુરુષાર્થ કરતાં જ રહ્યાં. ધગશ અને શિસ્તબદ્ધ  પરિશ્રમને પરિણામે અભ્યાસ દરમિયાન પ્રશસ્તિજી બીજાં પણ અનેક પ્રતિષ્ઠિત સન્માનોથી સન્માનિત થતાં રહ્યાં. જેમાં રાજસ્થાનના તત્કાલિન મહામહિમ રાજ્યપાલ શ્રી તથા તત્કાલિન મુખ્યમંત્રી  શ્રી અશોક ગેહલોતજીના હસ્તે પણ તેઓ બહુમાન પામ્યાં.

તેજસ્વી પ્રતિભાને કારણે અભ્યાસ દરમિયાન પ્રશસ્તિજી જ્યના મુખ્યમંત્રી શ્રી, મહામહિમ રાજ્યપાલ શ્રી અને દેશના વડાપ્રધાનના હસ્તે સન્માન પામ્યા. ત્યારે પિતાજી હસતાં હસતાં કહેતા: " બેટા!  હવે જીવનમાં એવું કાંઈક કરી બતાવો કે મહામહિમ રાષ્ટ્રપતિ જીના પણ  આપને સન્માનિત કરે." પિતાજીએ હળવાશમાં કરેલી આ વાતના શબ્દો તેમના હૃદયમાં ઝીલાઈ ચૂક્યા હતા. નિયતિએ એની તારીખ વાર અને સમય નિશ્ચિત કરી જ દીધો હતો. પણ ક્યારે? ક્યાં? અને કેવી રીતે? એ તો સમય જ નક્કી કરશે. 

ધોરણ બાર પૂરું કરી પ્રશસ્તિજીએ ભીલવાડાની સરકારી  એન્જિનિયરીંગ કોલેજમાં પ્રવેશ મેળવી લીધો. ચારેય બહેનો ભણવામાં ખુબ તેજસ્વી હતી. પરંતુ ચાર ચાર સંતાનોના અભ્યાસ ખર્ચને માત્ર એક જ પગાર પર પહોંચી વળવાનું કામ પિતાજી માટે ખુબ કપરું હતું. પ્રશસ્તિજીના મોટાં બહેન CA નો અભ્યાસ કરતાં સાથે LAW પણ ખરું. બીજાં બહેન મેનેજમેન્ટનો અભ્યાસ ચાલુ હતો. તો નાની બહેનનું એન્જીનીયરિંગ ચાલુ હતું.  આર્થીક સંકડામણ ખુબ હતી. એમ છતાં પિતાજીએ દીકરીઓને એનો અહેસાસ કદી થવા જ ન દીધો. જયારે જરૂર પડી ત્યારે ત્યારે લોન ઉપાડી લીધી. પણ ભણતર માટે અપાતી સવલતમાં ક્યાંય  કચાસ ન રહવા દીધી. દીકરીઓને વિકસવા અને વિસ્તરવા આખું આકાશ ખુલ્લું કરી આપ્યું.  આસપાસનો સમાજ સંકુચિત દૃષ્ટિનો હતો. ઘણા લોકો મહેણાં-ટોણા પણ મારતા કે તમારે દીકરો નથી? દીકરીઓને વળી આટલું ભણાવી શું કરશો ?  પરંતુ પિતાજીને લોકોની આવી નકારાત્મક વાતો જરાય સ્પર્શતી જ નહિ. તેઓ મક્કમતાથી જવાબ અપાતા કે “મારી દીકરીઓ એ જ મારા દીકરા છે, મારી આંખોનું નૂર છે, મારા કાલેજના ટુકડા છે. એક દિવસ એવું નામ રોશન કરશે કે સુફિયાણી સલાહો આપનારા પણ એમને સલામ મારશે.”  પિતાજી પાસે આધુનિક વિચારસરણી હતી. તેઓ ભણતર થકી ઉજ્જવળ ભવિષ્ય નરી આંખે નિહાળી શકતા હતા.  

પ્રશસ્તિજીનું એન્જીનીરિંગ પૂરું થતાં જ કેમ્પસ પ્લેસમેન્ટમાં ઈન્ફોસીસ જેવી પ્રતિષ્ઠિત કંપનીમાં મેસૂર ખાતે  નોકરી મળી ગઈ. પિતાજીએ લીધેલી લોનો પણ ભરપાઈ કરવાની જવાબદારી હતી. એટલે નોકરી શરૂ કરી. પૂનામાં દોઢ વર્ષ ટ્રેનીંગ પૂર્ણ કરી. પણ આ નોકરીમાં રોજનું રોજ એકનું એક કામ કરાવનું થતું. ઓફીસ જઈ લેપટોપ લઇ મથ્યા કરવાનું. આમાં કોઈ પડકાર જેવું કાઈ જ નહિ. જો કે પગાર સારો હતો એમ છતાં આ નોકરીમાં મન લાગ્યું નહિ. થોડો સમય કોલેજમાં અધ્યાપન કર્યું. પરંતુ કાઈક હટકે કરવા મન તત્પર હતું. સિવિલ સર્વિસીસમાં જવાનાં બીજ તો હૈયામાં ક્યારનાં રોપાઈ ચૂક્યાં હતાં. હૈયામાં રોપાયેલા એ બીજને માવજત કરી  ઉછેરી વટવૃક્ષ બનાવવું એ એટલું સહેલું પણ ક્યાં હતું ? એના માટે નોકરી છોડવી પડે.  દિલ્હી જેવા મોટા શહેરોમાં જઈ કોચિંગ જોઈન કરવું પડે અને તનતોડ પુરુષાર્થ તો ખરો જ ! આટ આટલું કરવા છતાંય સફળતાની કોઈ ગેરેંટી તો નહિ જ ! દસ લાખ પ્રતિસ્પર્ધીઓમાંથી 150 માં  સમાવિષ્ઠ  થવું એ લોઢાના ચણા ચાવવા કરતાંય કપરું કામ છે. હવે કરવું તો કરવું શું ?

 મન મક્કમ હતું. પરિણામ જે આવે તે. પણ આ રૂટીન નોકરી તો નથી જ કરવી. હવે કરવી છે નોકરી તો સિવિલ સર્વિસસને જ ! અને ક્ષણનો પણ વિલંબ કર્યા વિના મોભાદાર કહી શકાય એવી પ્રતિષ્ઠિત કંપનીની નોકરી એક ઝાટકે છોડી દીધી. એક બાજુ  પરિવાર પર લોનનું ભારણ હતું. બીજી બહેનોનો અભ્યાસ પણ ચાલુ હતો. બીજીબાજુ નાની બહેન માસ્ટર કરવા US જવા મક્કમ હતી. પિતાજી બેન્કના ચીફ મેનેજર પદથી  નિવૃત્ત થઇ ચુક્યા હતા. આમ તો મેનેજર પદેથી નિવૃત્ત થતાં ઘણી મોટી રકમ હાથ પર આવે. પરંતુ તેમની મોટા ભાગની રકમ લોન પેટે અગાઉ જ ઉપાડેલી હતી. સીમિત રકમ જ હાથ પર આવી.  નિવૃત્તિ બાદ   એક મધ્યમવર્ગીય પરિવાર માટે આ કસોટીનો કાળ હતો. હવે દીકરીઓને ભણાવવા પેન્શન પર પણ પિતાજીએ લોન લઇ લીધી હતી. એમ છતાં  માતા-પિતા અને મોટી બહેને નોકરી છોડવાના નિર્ણયને સહર્ષ વધાવી લીધો.

નાની બહેનને એન્જીનીયરીંગ પૂરું કરી માસ્ટર ડીગ્રીના અભ્યાસ માટે  US જવા મન બનાવી લીધું હતું. એ US જઈ અભ્યાસ કરવાનો ખર્ચ ઘણો મોટો થાય એમ હતો. પિતાજીએ પેન્શન પર પહેલેથી જ લોન લઈ રાખી હતી. પિતાજીનો દૃઢ નિર્ણય હતો કે દીકરીઓના ભણતરના કોઈ ઓરતા કોઇપણ સંજોગોમાં અધૂરા ન જ રહેવા જોઈએ. પ્રોપર્ટીના નામે માત્ર એક ઘર જ હતું. પિતાજીએ નક્કી કરી લીધું કે ઘર ગીરવે મૂકીએન દીકરીને અભ્યાસ માટે US મોકલીશું. પરિવારનાં સૌ એક નજરે પિતાજી સામે તાકી જ રહ્યા. એક સમય માટે તો નાની બહેન પણ US નો વિચાર માંડવાળ કરવા રાજી થઇ ગઈ. ત્યારે પિતાજીએ દીકરીઓને માથે હાથ મૂકી કહ્યું "બેટા! ઘર ગીરવે મુકીને હું કોઈ  આ ખર્ચ નથી કરી રહ્યો, પણ રોકાણ કરી રહ્યો છું. આનું વળતર અનેક ઘણું થઈને પરત આવશે.” પિતાજીની વાત સાંભળી સૌની આંખો ભીની હતી.

(ક્રમશઃ) 

વધુ આવતા રવિવારે.. 

- ઈશ્વર પ્રજાપતિ 

9825142620

9 comments:

  1. ખૂબ જ સરસ મોડાસા કલેકટર ઓફિસ ખાતે મેડમને મળવાનું સૌભાગ્ય પણ પ્રાપ્ત થયું છે આપણે જે કંઈ પણ રજૂઆત કરીએ તે તાત્કાલિક ધોરણે અને ઝડપથી કેવી રીતે થાય તેવો સતત પ્રયત્ન હોય છે ઘણી દિવ્યાંગો માટે કરેલી રજૂઆતો એમના આદેશથી પરિણામમાં આજે આપણે નજર સામે છે

    ReplyDelete
  2. Very inspirational
    Hats off to collector Mam and family
    And thanks for sharing this inspirational article 🙏🏻

    ReplyDelete
  3. such a inspirational journy

    ReplyDelete
  4. ખૂબ ખૂબ પ્રેરણા દાયક અને અત્યાર ના જમાના ને જે દીકરીઓને સમજવા માટે નું ઉત્તમ અને સચોટ માહિતિ અને જીવંત દાખલો આપ સાહેબ એ રજૂ કર્યો છે મેડમ અને પરિવાર ને ખૂબ ધ્યાનવાદ સાથે ઈશ્વરભાઈ સાહેબ આપનો આભાર.

    ReplyDelete
  5. Very touchy.. Congratulations

    ReplyDelete
  6. 👌👌👍👍

    ReplyDelete
  7. Rajendra Jani, Dr. K. R. Shroff FoundationMarch 8, 2026 at 9:45 PM

    अद्भुत और प्रेरणासभर साफल्यगाथा।🙏सौम्य प्रकृति, सकारात्मक दृष्टिकोण एवं visionary leadership. शिक्षा क्षेत्र में काम करते हुए ३-४ बार मिलना हुआ। संघर्ष से निखरा व्यक्तित्व।👌 बच्चों के वांचन को लेकर आग्रही और उत्साहित। गुजरात सरकार में दो बार best collector का एवार्ड प्राप्त किया। अरवल्ली की प्रजा का सौभाग्य है कि मैडम जैसे कलेक्टर और दीपेशजी केडिया जैसे डीडीओ मिले। ईश्वर प्रजापति जैसे सारस्वतने अद्भुत व्यक्तित्व चित्रण किया। अगले रविवार का इंतजार रहेगा। धन्यवाद 🙏

    ReplyDelete
  8. ખૂબ પ્રેરણાદયી વ્યક્તિત્વને ઈશ્વરભાઈએ શબ્દ દેહ આપી અનન્ય જાણકારી આપવા બદલ ધન્યવાદ હજુ આવતા અંકે પણ વાચી લઈશુ તાલાવેલી che

    ReplyDelete